પહલગામના આતંકવાદી હુમલામાં 28 પર્યટકો માર્યા ગયા છે. આ ઘટનાને દેશની આત્મા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર મોટો પ્રહાર માનવામાં આવે છે. તેની સાથે કાશ્મીરમાં સબ સલામતના સરકારી દાવાનો પણ છેદ ઉડી ગયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
કેરળ કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં ત્રિસ્તરીય સુરક્ષા છે. આતંકવાદી તો શું કોઈ પક્ષી પણ ત્યાં ફફડાટ કરી શકે તેમ નથી, આ બધા દાવા કરવામાં આવ્યા હતા તો શું આ બધા પણ શું એક જુમલા જ હતા.
આ હુમલો તે ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા છે કે સુરક્ષા દળોની નિષ્ફળતા છે તે સરકાર જણાવશે. બંનેમાંથી કોઈની પણ નિષ્ફળતા હોય પણ જીવ 28 નિર્દોષોએ ગુમાવ્યો છે. આ એ લોકો છે જે સરકારના કાશ્મીરમાં સબ સલામતીના દાવા પર વિશ્વાસ કરીને મનમૂકીને ત્યાં આનંદ મનાવવા આવે છે. શું સરકાર પોતે પકડી શકી છે કે એવી કઈ જગ્યાએ ક્ષતિ રહી ગઈ હતી જેના લીધે આતંકવાદીઓ તેમના કૃત્યને અંજામ આપવામાં સફળ રહ્યા?
પહલગામ હજી સરહદ પર આવેલું ગામ કે શહેર હોત તો માની પણ લેવાત, પરંતુ તે તો સરહદથી છેક 200 કિલોમીટર અંદર સુધીનો વિસ્તાર છે. આમ આતંકવાદીઓ સરહદ વટાવી અત્યાધુનિક શસ્ત્રો સાથે છેક 200 કિ.મી. સુધી અંદર ઘૂસી ગયા અને તેમને મન ફાવે તેમ લોકોને માર્યા. કાશ્મીરના અર્થંતંત્રની ધોરી નસ સમાન કહેવાતા પર્યટકોની સલામતી માટે કોઈ હતુ જ નહી. મૃત્યુ પામેલાઓ સુધી પહેલી ટુકડી લગભગ બે કલાકે પહોંચી હતી. શું સરકારની ત્રિસ્તરીય વ્યવસ્થા આ પ્રકારની છે. શું પ્રવાસીઓને આ રીતે રીતસર કાશ્મીરમાં કોઈપણ પ્રકારની સલામતી વગર ખુલ્લા મૂકી દેવાયા છે. જો સરહદથી 200 કિ.મી. દૂર વિસ્તારમાં આ સ્થિતિ હોય તો સરહદી વિસ્તારોમાં તો કેવી સ્થિતિ હશે.
આતંકવાદીઓ છેક આટલે સુધી આવ્યા તે જોઈએ તો ફક્ત કાશ્મીર જ નહીં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા કોઈપણ રાજ્ય અને તેના શહેર પણ સલામત ન કહેવાય. તેમા પંજાબ, રાજસ્થાન અને વડાપ્રધાનના માદરે વતન એવા ગુજરાતનો પણ તેમા સમાવેશ થાય છે.
અહીં સવાલ એ છે કે આતંકવાદીઓ છેક 200 કિ.મી. સુધી અંદર આવ્યા. છતાં પકડાયા કેમ નહી. તેમને આટલી 200 કિ.મી. સુધીની મુસાફરીની સગવડ કોણે પૂરી પાડી, કોકે તો ટ્રાન્સપોર્ટેશન પૂરુ પાડ્યું જ હશેને, નહીં તો કોઈ 200 કિ.મી. કંઈ ચાલીને તો ન જ આવે. સરકાર શું આવા ફેસિલિટેટરોને શોધી શકી છે. જો સરકારનું સુરક્ષાને લઈને આ જ પ્રકારનું વલણ હોય તો આગામી દિવસોમાં ભારતે એક નહીં અનેક પહલગામ જોવાની તૈયારી રાખવી પડશે, એમ કોંગ્રેસે જણાવ્યું હતું. તેની સાથે તેણે પહલગામના આ હત્યાકાંડની જવાબદારી કોણ લેશે તેમ પણ પૂછ્યું હતું.
સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુએ સુરક્ષામાં ચૂક સ્વીકારી હતી. તે સમયે પણ કોંગ્રેસે પૂછયું હતું કે સરકાર શું આતંકવાદીઓને છેક પહલગામ સુધી પહોંચાડનારાને શોધી શકી છે, તેના અંગે સરકારે જણાવ્યું હતું કે હજી એનઆઇએની તપાસ જારી છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિના સરકારના દાવાની પોલ આતંકવાદીઓએ રીતસર ખોલી નાખી છે. તેઓએ બતાવ્યું છે કે ભારતમાં ફક્ત સરહદ પર જ નહીં ગમે ત્યાં ઘૂસીને ગમે તેના પર હુમલો કરીને ગમે તેને ખતમ કરી શકાય છે. બસ ફક્ત સરહદ વટાવી દો, ફક્ત એટલું જ નહીં આ આતંકવાદીઓને સમર્થન આપનારા પણ પાછા ભારતમાં તો છે જ. આ આતંકવાદીઓને સ્થાનિક સ્તરે એવું કહ્યુ સમર્થન મળ્યું હશે તે પણ વિચારવાનો વિષય છે. પાછી આ આતંકવાદીઓને હિંમત તો જુઓ, તેમણે માથા પર હેલ્મેટ રાખી હતી, જેમા વિડીયો કેમેરો હતો. આમ તેઓએ રીતસરની આખી ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યુ હતુ, એટલે કે આ આતંકવાદીઓનો આકા કે કમાન્ડર તેમનું આ કૃત્ય છેક સુધી જોતો હતો. તે બતાવે છે કે તેઓએ કેટલા બિન્દાસ્તપણે આ ઘટનાને અંજામ આપ્યો.
અહીં તો જાણે એવું જ લાગે છે કે આતંકવાદીઓને જાણે શું કરવું તે બધી જ ખબર હતી, પરંતુ સરકારને ખબર ન હતી કે તેણે શું કરવુ. આ અંગે સુરક્ષા નિષ્ણાતે જણાવ્યું હતું કે પાકિસ્તાને તાજેતરમાં તેનો વ્યૂહ બદલ્યો છે. કાશ્મીરમાં સરહદ પર સુરક્ષા દળોના જાપ્તાના લીધે હવે તેણે જમ્મુની સરહદેથી ઘૂસણખોરી ચાલુ કરી છે. આ ઉપરાંત ભારતની ચીન સાથેની લડાખ સરહદ પર સ્થિતિ વણસતા ભારતે રાષ્ટ્રીય રાઇફલ્સની અમુક ટુકડીઓ ત્યાં ખસેડતા જમ્મુમાં સુરક્ષાની સ્થિતિ નબળી પડી ગઈ હતી. સરકારને પણ કલ્પના ન હતીં કે આતંકવાદી મોટો હુમલો કરશે. જો રાષ્ટ્રીય રાઇફલ્સની આ ટુકડી જમ્મુમાં હોત તો કદાચ આ હુમલો નિવારી શકાયો હોત. હવે ચીન સાથે લડાખ મોરચે સ્થિતિ હળવી થઈ છે તો આ ઘટનાના પગલે રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડી ફરી પાછી જમ્મુમાં ગોઠવી શકાય છે અને સુરક્ષામાં વધારો કરી શકાય છે. કાશ્મીરમાં હવે ફરી પાછો આતંકવાદ બેઠો ન થાય તેનો આધાર સરકાર તેને ડામવા માટે કયા પ્રકારના પગલાં લે તેના પર છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
