Ahmedabad News : અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી છે, જેમાં હત્યાના બનાવ સૌથી વધુ વધ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર પોલીસના અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. છેલ્લા 5 મહિનામાં શહેરમાં હત્યાના 50 ગુના નોંધાયા છે. છતાં છેલ્લાં 3 વર્ષની સરખામણીમાં ક્રાઈમ ઓછો હોવાનું પોલીસ કમિશનરનું કહેવું છે. પોલીસે ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો છે. જોકે હત્યાનો ડેટા જાહેર નથી કર્યો.
શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ક્રાઈમમાં ઘટાડો થયો છે. અમદાવાદને સેફેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોઈ એવું વાતાવરણ પણ નથી. ક્રાઈમ કંટ્રોલમાં છે. લૂંટના ગુના 98 ટકાથી વધુ ડિટેકટ થયા છે. ધાડના ગુના 100 ટકા ડિટેકટ થયા છે. ઘરફોડ ચોરી 56.71 ટકા ડિટેક્ટ થઈ છે.CCTVનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ CCTV જાહેરમાં લગાવ્યા છે, જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે છે. મોટા ગુનામાં CCTV મદદરૂપ છે. CCTV કેમેરાની મદદથી ગુના ઉકેલી શકાય છે.
શહેરમાં વધુમાં વધુ CCTV લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારો પણ શહેરમાં વધ્યા છે. એસપી રિંગ રોડ અમદાવાદ પોલીસની હદમાં આવ્યો છે.13 સપ્ટેમ્બરની મોડીરાત્રે અમદાવાદમાં ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતીઆરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો.. બન્ને વચ્ચેની ભાગીદારી છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ ગંભીર આવ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં ઝડપાયેલા હિમાંશુ અને પપ્પુને લઈ ઘટનાસ્થળ પર રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ સમયે પોલીસ દ્વારા જાહેરમાં જ આરોપીઓને ફટાકારાત હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.
12 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. 7-8 અજાણ્યા શખસોનંબરપ્લેટ વગરની કારમાં આવ્યા હતા. એ પહેલા નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેને પતાવી દીધો22 ઓગસ્ટે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રોડની વચ્ચે જ 10થી વધુ લોકો ધારિયાં જેવાં ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા.
થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.હત્યા કરનાર આરોપીઓ ચાઇના ગેંગ સાથે સંકળાયેલા છે. ગુનાહિત પ્રવૃતિઓ માટે ચમનપુરાની આ ગેંગ કુખ્છેયાત છે. લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. થોડા મહિનાઓ પહેલા ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં મોડીરાતે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતાં ટપોરીઓ હથિયારો સાથે ઘૂસી ગયા અને આતંક મચાવ્યો હતો તેમજ પથ્થરમારો કરતાં લોકો ભયમાં મુકાઈ ગયા હતા. આ સમગ્ર બનાવના CCTV અને વીડિયો પણ સામે આવ્યા હતા.
14 એપ્રિલે રાત્રે શહેરના રખિયાલ વિસ્તારમાં ગુંડાઓએ આતંક મચાવ્યા બાદ 16 એપ્રિલે તે જ વિસ્તારમાં લુખ્ખાઓએ એક યુવકનું અપહરણ કરી બેઝબોલની સ્ટિક મારી અધમૂઓ કરી નાખ્યો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 4 ઓગસ્ટે મિડ-યર 2025ના ન્યૂમબિયો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. આ જાહેરાત પાછળ મુખ્ય 4 પરિબળ દર્શાવ્યાં હતાં, જેમાં લોકોની સુરક્ષા માટે 25 હજાર CCTV લગાવાયા છે. પોલીસની PCRનો રિસ્પોન્સ સમય સરેરાશ 5 મિનિટ છે. મહિલા-બાળકો અને વૃદ્ધો માટે 50 શી ટીમની કામગીરી તેમજ ગંભીર ગુનાનો ડિટેકશન દર 95થી 100 ટકા અને ગંભીર ગુનાઓના પ્રમાણમાં ઘટાડો કારણભૂત છે.
ત્યારે અમદાવાદ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. 15 એપ્રિલ 2025ની સાંજે અમદાવાદમાં એક ટેક્સી-ડ્રાઇવરે બેફામ ડ્રાઈવીંગ કરી એક બાદ એક વાહનોને અડફેટે લીધા હતા. જુહાપુરા વિસ્તારમાં ટોળાએ આ ટેક્સચાલકને આંતરી કાયદો હાથમાં લઈ ઢોર માર મારતા ચાલકનું મોત નિપજ્યું હતું. 13 માર્ચે વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારોથી મચાવેલા આતંકથી લઈ 15 એપ્રિલ સુધીના એક મહિનામાં હત્યાઓ અને અકસ્માતોએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા હતા.
15 એપ્રિલે શહેરના જુહાપુરામાં યુવકની હત્યા તથા માધવપુરામાં સાળાએ બનેવીની હત્યા કરી દેતાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ ચાંગોદરમાં દેરાણી-જેઠાણીની હત્યા થઈ હતીશહેરના વસ્ત્રાલમાં 13 માર્ચ એટલે કે હોળીની રાત્રે ગુંડાઓએ રોડ પર આતંક મચાવી જે સામે મળ્યા તેમને તલવારો અને ધોકા વડે માર્યા. અમદાવાદમાં એક તરફ હોલિકાદહન માટે પરિવારજનો ઘરની બહાર નીકળ્યાં હતાં, એ સમયે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બનીને રસ્તા પર ઊતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય એમ તેઓ હથિયારો લઈને નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો.
દુકાનો, વાહનોમાં તોડફોડની સાથે જે સામે મળ્યા તે બધાને રીતસરના માર્યા. જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા ફરતી હતી. એ દરમિયાન એકબીજાની ગેંગના લોકો ના મળતાં જે સામે મળ્યા તે બધાને આ લુખ્ખાઓએ માર્યા છે. આ મામલે પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી.
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો ઊભા થયા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ગુનેગારો પર અંકુશ લાવવા કડક કાર્યવાહીના પરિપત્રો અને આદેશ આપ્યા હતા છતાં પણ અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. દિન-પ્રતિદિન અકસ્માતો અને હત્યાના બનાવો વધી રહ્યા છે.24 માર્ચને સોમવારની રાત્રે વસ્ત્રાલની બાજુમાં જ આવેલા બાપુનગરમાં એક આશાસ્પદ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ ઘટનામાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે બાપુનગર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં ફરતી પોલીસની PCR ઘટનાસ્થળની બાજુમાં જ હતી, પરંતુ PCR રોડ પર પાર્ક હતી અને પોલીસકર્મચારીઓ ફૂટપાથ પર મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા. યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી વીડિયો બનાવીને પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી હતી.
હાલ આ મામલે યુવકનું મર્ડર થયું છે એ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.શહેરમાં 13 અને 14 એપ્રિલ, 2025ના રોજ 4 મોટી બબાલની ઘટના સામે આવી છે, જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું તૂટી પડ્યાનાં દૃશ્ય સામે આવ્યાં છે, જ્યારે જુહાપુરામાં બે દિવસ પહેલાં મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઊછળી હોવાની ઘટના બની હતી. આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં મોડીરાતે ફરીથી તલવારો ઊછળી હતી. એક કા તીન કૌભાંડ તેમજ ફાયરિંગ જેવા અનેક કેસોમાં સંડોવાયેલા કૃખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને બે લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો.
શહેરના જુહાપુરા, ગોમતીપુર, સાબરમતી સહિતના વિસ્તારોમાં હુમલાની ઘટનાઓ બની હતી.અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે 4થી 5 વાહનને અડફેટે લીધાં હતાં. ત્યાર બાદ કાર રોકાઈ જતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું, જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતાં રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. તેમ છતાં તે રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો. આખરે પોલીસ આવતાં તેને પકડીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં 8 જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
