Gujarat News/ મુખ્યમંત્રીની જૂનાગઢ-સોમનાથ ખેડૂત મુલાકાત પર પાલભાઇ આંબલિયાની પ્રતિક્રિયા…

ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો…ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ મુખ્યમંત્રીની જૂનાગઢ-સોમનાથ ખેડૂત મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે…

Gujarat Others

Gujarat News: ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા (Palbhai Ambaliya)એ મુખ્યમંત્રી (CM Patel)ની જૂનાગઢ-સોમનાથ ખેડૂત મુલાકાત પર આ મુજબ પ્રતિક્રિયા આપી છે.

મુખ્યમંત્રી…તમારે પલળેલા પાથરા નહિ ખેડૂત કલ્યાણલક્ષી ફાઈલો હાથમાં લેવાની જરૂર છે

મુખ્યમંત્રી તમારે સોમનાથ-જૂનાગઢના ખેતરોમાં નહિ કૃષિભવનમાં આંટો મારવાની જરૂર છે

જો કૃષિભવનમાં આંટો માર્યો હોત તો પાકવિમા યોજના બંધ કર્યાનું પાપ તમને દેખાત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો “મુખ્યમંત્રી કિસાન સહાય હોજના” મૃત અવસ્થામાં તમને જોવા મળત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો તમને 2016 નો અછતગ્રસ્ત મેન્યુલ તરફળિયા મારતો દેખાત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો ડબલ એન્જીન સરકારના બન્ને એન્જીન ખેડૂતો માટે પાકની જેમ જ સળી ગયેલા દેખાત

જો કૃષિભવન આંટો માર્યો હોત તો તમને પાકવિમામાં થયેલો 35 થી 40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર દેખાત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો ખેડૂતોની દેવામાફીની માંગ શા માટે છે એ સમજાત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો ખેડૂતોની આંખ ફોડીને સરકાર ચશ્માંનું દાન કરી રહી છે એ વાસ્તવિકતા સમજાત

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો તમને એ સમજાત કે છેલ્લા 7 વર્ષમાં ખેડૂતો માટે જાહેરાત કેટલી કરી ને ખરેખર આપ્યું કેટલું ??

જો તમે કૃષિભવન આંટો માર્યો હોત તો સમજાત કે કેન્દ્ર પાસે 5 વર્ષમાં 18000 કરોડ માગ્યા ને 1000 કરોડ જ આપ્યા છે

હે….મુખ્યમંત્રી…. રાજધર્મ નિભાવો ! ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો

હે…. મુખ્યમંત્રી…. મૂર્ખ નહિ મૃદુ થાઓ, મમત છોડો મક્કમ થાઓ ખેડૂતોનું દેવું માફ કરો

[fvplayer id=”223″]

ગુજરાત કિસાન કોંગ્રેસ (Gujarat Kissan Congress)ના ચેરમેન પાલભાઇ આંબલિયાએ મુખ્યમંત્રીને આ બાબતે પત્ર પાઠવ્યો છે.

મુખ્યમંત્રી, આપે ખેડૂતોના ખેતરમાં આંટો મારવાને બદલે કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને રક્ષણ આપતી અને અત્યારે અભેરાઈએ ચડેલી યોજનાઓમાં એક આંટો મારવા બાબત…

આપે ગઈકાલે જૂનાગઢ, ગીર સોમનાથ (Junagadh, Gir-Somnath) જિલ્લામાં કમોસમી વરસાદ (Unseasonal Rain)થી પીડિત ખેડૂતો (Farmers)ની વચ્ચે જઈને નુક્શાનીનો તાગ મેળવવાના પ્રયત્નો કર્યા જે આવકાર્ય છે મુખ્યમંત્રી એ પોતાની જનતાની પીડામાં તેની વચ્ચે જઈને તેઓને સાંભળવા તે મુખ્યમંત્રીનો ધર્મ છે પણ જો મુખ્યમંત્રી રાજધર્મ સમજતા હોય, રાજધર્મનો દેખાડો કરવાને બદલે ખરેખર નિભાવવા માંગતા હોય તો આપે મુખ્યમંત્રી તરીકે ખેડૂતોના ખેતરમાં આંટા મારવાને બદલે તમારી ઑફિસથી એક કિલોમીટર જ દૂર આવેલી કૃષિ ભવન (Krishi Bhavan)માં આંટો મારવાની જરૂર હતી

મહોદય આપે ખેડૂતોની વચ્ચે જઈ ખેડૂતોના પલળેલા પાથરા હાથમાં લીધા એની જગ્યાએ આપની ઓફીસથી માત્ર એક કિલોમીટર દૂર ગાંધીનગરમાં સેક્ટર 10 માં જ “”કૃષિ ભવન” છે જ્યાં ખેડૂતોને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવા માટે બનેલી અને અભેરાઈએ ચડેલી યોજનાઓની ફાઈલો છે એ ફાઈલો હાથમાં લેવાની જરૂર હતી. આપે જો આ યોજનાઓની ફાઈલો હાથમાં લીધી હોત તો સૌ પહેલા “”પાકવિમા યોજના”” (Pak Vima Yojana) આપના હાથમાં આવત ને એમાં આવી કુદરતી આપત્તિઓ (Disasters) સામે ખેડૂતો પ્રીમિયમ ભરીને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવી યોજના આપને દેખાત પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપની કહેવાતી ખેડુતલક્ષી અને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકારે જ આ યોજના બંધ કરવાનું પાપ કર્યું છે જેના કારણે આજે ખેડૂત માત્ર સરકારને રહેમ, દયા તળે દબાયેલો તમને દેખાત એટલું જ નહીં ખેડૂતોને કુદરતી આપતિઓમાં હક્કના પાકવિમા સાથે સાથે સરકાર દ્વારા અલગથી SDRF/NDRF યોજનાનો વધારાનો લાભ મળતો હતો એ યોજનાની ફાઇલ પાકવિમા યોજનાની ફાઇલની બાજુમાં જ છે એ તમારા હાથમાં આવી જાત. 10 ઓગસ્ટ 2020 ના દિવસે તમે ખેડૂતો તમને ક્યારેય માફ ન કરે તેવું પાપ કર્યું છે પાકવિમા યોજના બંધ કરવાનું અને તેના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં લાવવાનું આ કાગળ પર જ જન્મેલી અને કાગળ પર જ મૃત્યુ પામેલી “”મુખ્યમંત્રી કિસાન સહાય યોજના”” ની ફાઇલ તો સૌથી ઉપર જ હતી એ તો તમે ખાનું ખોલો તો તરત જ મળવાની હતી એ ફાઈલમાં તો દુષ્કાળ, અતિવૃષ્ટિ, અને કમોસમી વરસાદમાં ખેડૂતોને 1 લાખ સુધી વળતર આપવાની જોગવાઈ હતી ને સાથે સાથે SDRF/NDRF મુજબનું વળતર તો અલગ જ. અલગ વાત એ છે કે આ યોજનાના બે વર્ષ પરિપત્ર થયા ને બે વર્ષમાં જ યોજનામાં વ્યાખ્યા કર્યા મુજબ દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ ત્રણેયના ખેડૂતો ભોગ બન્યા પણ આપની સરકારે 1 રૂપિયો પણ ચૂકવ્યો નહિ. આ બધી ફાઈલોની બાજુના ખાનામાં કેન્દ્ર સરકારની ખેડૂતોલક્ષી યોજનાઓ માટેની ફાઈલો છે એ ખોલો એટલે સૌ પહેલા તમને “”અછતગ્રસ્ત મેન્યુઅલ 2016″” ની ફાઇલ હાથમાં આવવાની હતી જેમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ મોકલવાનો હોય એ સામે આવત. જો તમે એમાં ઊંડો અભ્યાસ કર્યો હોત તો તમને ખબર પડત કે ડબલ એન્જીન, ડબલ એન્જીન માત્ર કહેવા પૂરતું છે તેમાં તમને બે પત્રો તમારી જ રાજ્ય સરકારે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને લખેલા મળત એક તૌકતે વાવાઝોડા વખતે 11550 કરોડ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરતા અને બીજો અતિવૃષ્ટિમાં 7239 કરોડની માગણી કરતા તેની સામે કેન્દ્ર સરકારના જવાબી પત્રો પણ તેમાં જ હતા તૌકતે વાવાઝોડામાં કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપ્યો કે 11550 કરોડ નહીં 1000 કરોડથી સંતોષ માની લ્યો ને બીજા અતિવૃષ્ટિના પત્રનો તમને ક્યાંય જવાબ જ ન મળત. મળે ક્યાંથી જવાબ આપ્યો હોય તો મળે ને ? તમને આજ ખાનામાં ગયા વર્ષે 31 ઓક્ટોબર 2024 સુધીમાં ગયા વર્ષની અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ બાબતે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય એ અહેવાલ મળત પણ ઉપર નોંધ જોવા મળત કે હજુ સુધી આ અહેવાલ મોકલેલ નથી એમાં એ પણ જાણવા મળત કે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે અહેવાલ બાબતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો તો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ અહેવાલ કેન્દ્ર સરકારને મોકલ્યો નથી. તો એના પરથી તમને આ વર્ષના અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો અહેવાલ મોકલવાનું તો યાદ આવત કેમ કે 31 ઓક્ટોબર હમણા જ ગઈ છે ને ત્યાં સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે જે હજુ મોકલ્યો નથી.

આ બે ખાનાની બાજુમાં ત્રીજું ખાનું રાજ્ય કેન્દ્ર સરકારે આ યોજનાઓમાં ખેડૂતોને આપવાને બદલે શું ઘપલા કર્યા, ભ્રષ્ટાચાર કર્યો એનું ખાનું હતું એ ખોલત એટલે પાકવિમા યોજનામાં ક્રોપ કટિંગના આંકડાઓમાં બદલાવ કરીને સરકારે ખાનગી કંપનીઓ દ્વારા 35 થી 40 હજાર કરોડનો પાકવિમો જે ખેડૂતોને આપવાનો થતો હતો તે ન આપ્યો તેની હાઇકોર્ટમાં 300 થી વધારે પિટિશન ચાલે છે તે હાથમાં આવત ને એમાં પણ સરકારે પોતે નામદર ગુજરાત હાઈકોર્ટેમાં સોગંદનામુ કરીને કહ્યું છે કે “”પાકવિમા કંપનીઓને પોસાય એમ હતું નહીં એટલે અમે એક ખાસ કમિટીની નિમણૂક કરીને ક્રોપ કટિંગના આંકડાઓ બદલાવ્યાં છે”” આ સોગંદનામું પણ તમારા હાથમાં આવત… એની બાજુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદની જે વ્યાખ્યા કરી એ પ્રમાણે ક્યારે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓની ફાઇલ છે જેમાં વરસાદના આંકડાઓ છાપરે ચડીને પોકારી રહ્યા છે કે ખેડૂતોને દુષ્કાળની વ્યાખ્યા મુજબ, અતિવૃષ્ટિની વ્યાખ્યા મુજબ અને કમોસમી વરસાદની વ્યાખ્યા મુજબ ખેડૂતોને 1 લાખ વળતર મળવાપાત્ર હતું તે નથી ચૂકવ્યું. એની જ બાજુમાં આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બંધ કરી ત્યાર પછી છેલ્લા બે વર્ષમાં એટલે કે 1) માર્ચ 2024 કમોસમી વરસાદ (રાતી પાઇ પણ ચૂકવી નહિ) 2) જુલાઇ ઓગષ્ટ 2024 અતિવૃષ્ટિ (બન્નેનું 1769 કરોડની જાહેરાત પણ 500 કરોડ પણ ચૂકવ્યા નહિ) 3) ઓક્ટોબર 2024 કમોસમી વરસાદ (જાહેરાત કરી પણ એક વર્ષ પછી પણ એક રૂપિયો ચૂકવ્યો નહિ) 4) સપ્ટેમ્બર 2025 અતિવૃષ્ટિ (જાહેરાત પણ એક રૂપિયો ચૂકવ્યો નથી) અને 5) અત્યારે ઓક્ટોબર 2025 નો કમોસમી વરસાદ ક્યાં કેટલો પડ્યો ને છેલ્લા 50 વર્ષની સરખામણી કરતો અહેવાલની ફાઈલો તમારા હાથમાં આવત

જો આપે કૃષિ ભવન ગાંધીનગર (Gandhinagar) ખાતે આંટો માર્યો હોત આ બધી ફાઈલોનો અભ્યાસ કર્યો હોત તો આપની અંદર મૃદુતા છે નહીં પણ તેમ છતાં ક્યાંક મૃદુતા જન્મી જાત અને તમે મક્કમ થઈને ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત પણ કરી દેત. પણ અફસોસ તમે માત્ર જેમ રાજધર્મ નિભાવવાની જગ્યાએ મૃદુ અને મક્કમ હોવાના દેખાડા કરો છો એવી જ રીતે કૃષિ ભવનમાં આંટો મારી ખેડૂત માટેની કલ્યાણકારી યોજનાઓની ફાઈલો હાથમાં લેવાના બદલે ખેડૂતોના ખેતરમાં આંટો મારી ખેડૂતોના પલળેલા પાથરાઓ હાથમાં લઈ માત્ર નાટક જ કર્યું છે

અત્યારે ગુજરાતનો ખેડૂત જાગૃત છે એ સમજે છે કે સરકારે જ પાકવીમા યોજના રૂપી અમારી આંખો ને ફોડી નાખ્યા પછી સરકાર અમને સહાય રૂપી ચશ્માનું દાન કરવા હવાતિયાં મારે છે. ખેડૂત સમજે છે કે જો પાકવિમા યોજના હયાત હોત તો અમને અમારા પાક ધિરાણ જેટલો તો પાક વીમો મળત અને SDRF/NDRF મુજબ રાજ્ય/કેન્દ્ર સરકાર તરફથી જે વળતર મળવાનું હતું એ અલગથી મળત એટલે ગુજરાતનો ખેડૂત અત્યારે પાક ધિરાણ/દેવા માફીથી ઓછું કઈ જ સ્વીકારવા તૈયાર નથી એ આપની જાણ માટે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ

આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો