ગાંધીનગરમાં બધા જ ખાય છે, કોણ ખાતું નથી. આ શબ્દો છે ભાજપના જ સાંસદ મનસુખ વસાવાના. તેમણે પાંચ મહિના પહેલાં આ વાત એક કૌભાંડના સંદર્ભમાં કહી હતી, જેને હવે સરકારના જ આંકડા દ્વારા સમર્થન મળ્યું છે. રાજ્ય સરકારના એન્ટિ કરપ્શન બ્યૂરોના જ આંકડા કહે છે કે રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષમાં ટોચથી લઈને તળિયા સુધીના સરકારી કર્મચારીઓએ કુલ નવ કરોડ રૂપિયાથી પણ વધુ રકમની લાંચ લીધી છે. આમ વર્તમાન શાસનના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાથી વિપરીત સ્થિતિ અહીં જોવા મળી રહી છે.
શાસક પક્ષના સાંસદ પોતે જ કહેતા હોય કે સરકારી વિભાગો લાંચ લે છે, ગાંધીનગરમાં કોણ ખાતું નથી તે મોટો સવાલ છે. તંત્રમાં ગણતરીના નહીં કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ છે જ, જે આજે પણ લાંચ લે છે. હવે તેમની વાતને એન્ટિ કરપ્શન બ્યૂરોના જ આંકડાએ સમર્થન આપ્યું છે. એસીબીના બધા આંકડા દર્શાવે છે કે રાજ્યના લગભગ દરેક સરકારી વિભાગમાં ઓછાવત્તા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે. કોઈ વિભાગ ભ્રષ્ટાચાર ઓછો કરે છે તો કોઈ વધારે કરે છે પરંતુ ભ્રષ્ટાચાર છે ખરો.
અહીં તે વાત યાદ રાખવું જરૂરી છે કે એસીબીએ રાજ્ય સ્તરે છેલ્લા આઠ વર્ષમાં ભ્રષ્ટાચારના કુલ 3,517 કેસ નોંધ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે લગભગ 400થી પણ વધારે ભ્રષ્ટાચારના કેસ રાજ્યના વિવિધ સરકારી વિભાગો નોંધાયા છે. આ આંકડા ફક્ત સરકારી અધિકારીઓના અને નીચલા વર્ગના કર્મચારીઓના છે. તેમા રાજકારણીઓનો સમાવેશ થતો નથી. આ બતાવે છે કે રોજ દિવસ ઉગેને એસીબી સામે સરકારી તંત્રના ભ્રષ્ટાચારના એકથી પણ વધુ કેસો આવી જાય છે.
ભ્રષ્ટાચારના આ આંકડા રાજ્ય સરકારના એકમોના છે. તેમા પાછો મ્યુનિસિપાલિટીનો અને તાલુકા સ્તરનો તો સમાવેશ થતો જ નથી. આ ભ્રષ્ટાચાર પાછો જુદો જ હોઈ શકે છે. આ ફક્ત રાજ્ય સરકારના એકમો સામે જ નોંધાયેલા ભ્રષ્ટાચારની વાત છે.
ભ્રષ્ટાચારમાં તો ગૃહવિભાગ શિરમોર બનીને બહાર આવ્યો છે. તેની સામે એસીબીને કુલ 682 ફરિયાદ મળી છે. આ બતાવે છે કે ગૃહવિભાગ જાણે બધુ ઘરભેગું કરવામાં જ સમજ્યો છે. તેના ભ્રષ્ટાચારને જોઈને ગાંધીનગરમાં તો ગૃહવિભાગને ઘરભેગું કરતા વિભાગની ઉપમા આપી દેવામાં આવી છે. ઘણા લોકો એમ કહે છે કે એસીબીએ ગૃહવિભાગમાં જ એક અલાયદુ ટેબલ નાખી દેવું જોઈએ, જેથી તેની સામેના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવા બીજે ધક્કા ખાવા ન પડે. જો કે તાજેતરના સમયમાં ગૃહવિભાગના ભ્રષ્ટાચારના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2018માં 137 કેસની તુલનાએ 2025માં અત્યાર સુધીમાં તેમા 11 જ કેસ નોંધાયા છે.
ભ્રષ્ટાચાર આચરતા સરકારી વિભાગોમાં બીજા નંબરે પંચાયત વિભાગ આવે છે. તેની સામે છેલ્લા આઠ વર્ષમાં કુલ 405 ફરિયાદ નોંધાઈ છે. ભ્રષ્ટાચારના રજિસ્ટર થયેલા કેસો આટલા હોય તો પછી જે કેસો પકડાયા નથી તે કેટલા હશે તે પણ એક વિચારવાલાયક વાત છે. કૃષિ વિભાગ પણ પંચાયત વિભાગથી પાછળ નથી, અહીં તો ભ્રષ્ટાચારનો પૂરેપૂરો અવકાશ છે. નલ સે જલ, સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર, મનરેગા સહિતના અનેક કામો ભ્રષ્ટાચારનો બોલતો જાગતો પુરાવો છે. રાજ્યના કેબિનેટ મંત્રી બચુ ખાબડે આના કારણે પ્રધાનપદ પણ ગુમાવવાનો દહાડો આવ્યો હતો. કૃષિ વિભાગમાં ભ્રષ્ટાચારની જાણે ખેતી થતી હોય તેમ લાગે છે.
આમ બીજા શબ્દોમાં કહીએ તો એકપણ સરકારી વિભાગ ભ્રષ્ટાચારથી બાકાત નથી. તળિયાથી લઈને ટોચ સુધીનું સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યુ છે. બીજી બાજુએ તંત્ર પારદર્શક શાસનના દાવા કરી રહ્યુ છે, હવે આ પારદર્શકતા કયા પ્રકારની હશે તેનો જવાબ તો તંત્ર જ આપી શકે. લોકોની સુખાકારીમાં વધારો થયો છે તો બીજી બાજુએ ભ્રષ્ટાચારમાં પણ વધારો થયો છે. આ આંકડા એસીબીના છે. જો કે કાલ ઉઠીને સરકાર બીજા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો છે તે દર્શાવી શકે અથવા તો અગાઉની તુલનાએ પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું છે તે બતાવી શકે.
છતાં અહીં તે વાત તો હકીકત છે કે ગમે તે શાસન આવે પણ ભ્રષ્ટાચાર કરનારા તેમનો માર્ગ શોધી લેવાના. આમ ભ્રષ્ટાચારીઓ પાણી જેવા છે, પાણી જેમ તેમનો માર્ગ શોધી લે છે તે જ રીતે ભ્રષ્ટાચારીઓ પણ દરેક સ્થિતિમાં ભ્રષ્ટાચાર કરવાનો માર્ગ શોધી જ લે છે. તાજેતરમાં જ પાટણમાં એક ભ્રષ્ટ જુનિયર એન્જિનિયરને એસીબીએ ખેડૂત પાસેથી રૂ. 50,000ની લાંચ લેતા પકડ્યો હતો. આવા તો રોજ કેટલાય કિસ્સા આવે છે, આ સિવાય કેટલાય કિસ્સા એવા છે જે સરકારી ચોપડે પણ ચઢતા નથી, તેથી તેની વાત થઈ શકે તેમ નથી.
રાજ્યનો દરેક નાગરિક પોકારી-પોકારીને કહે છે કે તંત્રમાં કોઈ કામ કરાવવું હોય તો રૂપિયા તો આપવા જ પડે છે. આ લાંચ કોઈને કોઈ સ્વરૂપમાં અપાય છે. પછી તે ભેટસોગાદના સ્વરૂપમાં હોય, હોલિડે પેકેજના સ્વરૂપમાં હોય, રોકડના સ્વરૂપમાં હોય, હપ્તાના સ્વરૂપમાં હોઈ શકે છે. આમ લાંચના વિવિધ સ્વરૂપો હોઈ શકે છે, પણ લાંચ તો હોય જ છે. આમ સરકાર પારદર્શકતાના દાવા બંધ નહીં કરે તો તેની સાથે-સાથે તંત્ર લાંચ લેવાનું બંધ નહીં કરે. સરકારના પારદર્શકતા વધારવાના અનેક પગલાં છતાં પણ ભ્રષ્ટાચારીઓ ગજબના કીમિયાગર છે, દરેક સ્થિતિમાં તેમણે ભ્રષ્ટાચારને નવા આયામ આપ્યા છે, તંત્ર હાઇટેક બન્યું છે તો ભ્રષ્ટાચારી પણ હાઈટેક બન્યા છે. એક રીતે કહીએ તો સ્વચ્છ શાસન અને ભ્રષ્ટાચાર વચ્ચે જાણે ઉંદર બિલાડાની રમત ચાલી રહી છે.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
