MANTAVYA Vishesh/ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના આગેવાનો સાથે ગુફતેગુએ સર્જી અટકળો

ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાયો ત્યારે સૌથી મોટું આશ્ચર્ય બે જણને લઈને થયું હતું, જે કેબિનેટમાં નિશ્ચિત મનાતા હતા. એક તો જયેશ રાદડિયા અને બીજા અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન ન અપાતા બધાને આશ્ચ્રર્ય થયુ હતુ. નવી કેબિનેટમાં તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ હાઈકમાન્ડે કંઇક જુદુ જ વિચારતા તેમનો ગજ વાગ્યો ન હતો.

Mantavya Vishesh

ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાયો ત્યારે સૌથી મોટું આશ્ચર્ય બે જણને લઈને થયું હતું, જે કેબિનેટમાં નિશ્ચિત મનાતા હતા. એક તો જયેશ રાદડિયા અને બીજા અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન ન અપાતા બધાને આશ્ચ્રર્ય થયુ હતુ. નવી કેબિનેટમાં તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ હાઈકમાન્ડે કંઇક જુદુ જ વિચારતા તેમનો ગજ વાગ્યો ન હતો.

આ બનાવ બન્યા પછી અલ્પેશ ઠાકોરે તેની ઠાકોર સેનાને સજ્જ કરવા માંડી છે. તેની સાથે-સાથે તેમણે ઠાકોર સમાજના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે હાજરી આપવા માંડી છે. સમાજનું સંમેલન હોય એટલે બધા જ આવે, તેમા સામાજિક આગેવાનો પણ આવે અને રાજકારણીઓ પણ આવે. અગાઉના સંમેલનમાં ગેનીબેન હતા અને આ વખતના સંમેલનમાં જગદીશ ઠાકોર હતા.

આશ્ચર્યની વાત એ છે કે બંને સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે રીતે વાત કરતા હતા તે જોઈએ તો એમ જ લાગે કે તેમની વચ્ચેની રાજકીય દુશ્મનાવટ ક્યાં ઓગળી ગઈ. તેમા પણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના સાંસદ ગેનીબેન સાથે જે ઘનિષ્ઠતા બતાવી તેણે સામાજિક આગેવાનોથી લઈને રાજકીય આગેવાનોને પણ ચકરાવામાં નાખી દીધા હતા. અલ્પેશ ઠાકોર અને ગેનીબેન વચ્ચે સમાજના કાર્યક્રમની વચ્ચે જ વાતચીતનો લાંબો દોર ચાલ્યો હતો, આ પહેલા કેટલાય સમય સુધી અલ્પેશ ઠાકોરે આ રીતે હરીફ રાજકારણીઓ સાથે સમાજમાં આટલી લાંબા વાત પણ કરી નથી.

તેના પછી માણસામાં  ઠાકોર-ક્ષત્રિસ સમાજનું સંમેલન યોજાયું હતું. તેમા પણ ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના જગદીશ ઠાકોર વચ્ચે ચાલેલી ગુફતેગુએ ફરી પાછુ બંને પક્ષના આગેવાનોનું ધ્યાન ખેંચ્યું હતું. આમ પહેલા કોંગ્રેસના ગેનીબેન પછી કોંગ્રેસના જ જગદીશ ઠાકોર સાથે સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોરની ગુફતેગુ કંઈ ક્યાંય બંધ બારણ થઈ નથી, પરંતુ જાહેરમાં થઈ છે. રાજકારણનો નિયમ છે કે ખાનગી બેઠક હોય તો તેની ચર્ચા છડેચોક થાય છે, પરંતુ જો જાહેર બેઠક કરી હોય તો તેની ચર્ચા ખાનગીમાં પણ થતી નથી.

આ પ્રકારની ગુફતેગુના પગલે અલ્પેશ ઠાકોર મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં કોઈ નવા જ રાજકીય દાવ રમી રહ્યા છે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. અલ્પેશ ઠાકોર પણ અઠંગ રાજકારણી છે. રાજકારણમાં પણ તેમનો પોતાનો આગવો દબદબો છે. તે અગાઉ કોંગ્રેસમાં જ હતા અને તેમને ભાજપમાં સમાવાયા તો છે, પરંતુ તેમનો માનમરતબો છે તે પ્રકારનો હોદ્દો તેમને આપવામાં આવી રહ્યો ન હોવાની વાત વધુને વધુ પ્રબળ બનતી જાય છે. ઠાકોર સમાજનું આટલું મોટું માથું હોવા છતાં પણ તેમની અવગણના કરવામાં આવી રહી હોય છે તેમ લાગે છે.

ઠાકોર સમાજ પણ આ વસ્તુ જોઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોરને પોતાને ઠાકોર સેના અને સમાજ પરથી તેમનો રાજકીય દબદબો ઘટે તે કોઈ રીતે પોષાય તેમ નથી. આથી તે પણ હાઈકમાન્ડને કોઈને કોઈ રીતે તેમના અસંતોષનો સંદેશો આપવામાં લાગેલા છે તેવો રાજકીય ગણગણાટ થઈ રહ્યો છે. સામાજિક સંમેલનમાં તો કોઈ રાજકીય પક્ષનું હોતું નથી, બધા સમાજના જ હોય છે. પણ કેબિનેટમાં ન સમાયા પછી અલ્પેશ ઠાકોરને પણ લાગ્યું છે કે રાજકીય ધરી બનાવી પડશે. રાજકીય ધરીને મજબૂત કરવી પડશે. સમાજમાં પણ પોતાનું અસ્તિત્વ બતાવવું પડશે. તે સમજી ગયા છે કે જ્યાં સુધી રાજકીય કદ વધારવામાં નહીં આવે તો પછી કદ પ્રમાણે વેતરાતા વાર પણ નહીં લાગે.

આ સિવાય અલ્પેશ ઠાકોરની માનસિકતા જાણનારા રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર કે સંગઠન બંનેમાંથી કશામાંથી હોદ્દો ન મળતા અલ્પેશ ઠાકોર લાંબા સમય સુધી ચૂપ બેસી રહે તેવા નેતા નથી. તેમને શાંત રાખવા અઘરા છે. પણ તેઓ જે પણ કરે છે તૈયારી સાથે કરે છે. આગલાપાછલાનો વિચાર કરીને છે. આ પહેલા તે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે પણ પૂરી તૈયારી સાથે જોડાયા હતા. હવે તેમને લાગશે કે ભાજપમાં જોઈએ તેવું તેમનું વજન નહીં પડે તો તેઓ રાજકીય રીતે કલ્પ્યુ ન હોય તેવું પગલું પણ લે તો આશ્ચર્ય નહી થાય.

હાલમાં તો તે રાજકીય રીતે તેલની ધાર જોવામાં લાગેલા છે તેમ કહી શકાય. અલ્પેશ ઠાકોર હાલમાં પોતાનો, શાસક પક્ષનો અને હરીફ પક્ષનો રાજકીય કયાસ કાઢવામાં લાગેલો છે. તેની સાથે-સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પણ તેની નજર છે. તેમા પક્ષ કેવા પ્રકારનો દેખાવ કરે છે અને તેના પછી શું પરિવર્તન આવે છે તેને લઈને હાલમાં તે શાંતિ જાળવી રાખી છે. આમ અલ્પેશ ઠાકોરે હાલમાં તેમની રાજકીય જમીન મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સામાજિક સંગઠનોમાં સક્રિય રહીને તે પોતાની રાજકીય મજબૂતાઈને વધુને વધુ મજબૂત કરી રહ્યા છે.

તેની સાથે-સાથે કોંગ્રેસના નેતાઓ સાથે ગુફતેગુ કરીને એક સમયના પોતાના જૂના પક્ષના આગેવાનોને પણ સતત મળતા રહીને તેનો ક્યાસ કાઢતા રહ્યા છે. તેમના કોંગ્રેસના આગેવાનો સાથેના સંવાદ અને પક્ષમાં હોદ્દો ન મળવા છતાં તેમણે સેવેલા મૌને બંને પક્ષના આગેવાનોને અને રાજકીય સમીક્ષકોને પણ વિચારતા કરી દીધા છે. તેથી બધાની નજર હવે અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં શું કરશે તેના પર મંડાઈ છે, શું તે કોઈ રહસ્યોદઘાટન કરશે, તે કંઈક નવી જાહેરાત કરશે. તે કલ્પનામાં ન હોય તેવું પગલું લેશે. તે પક્ષમાં નિષ્ક્રિય થઈ જશે કે વધુ સક્રિય થશે તેવી બધી જ અટકળોને વેગ મળવા માંડ્યો છે. તેમાની કેટલીક અટકળોને જોઈને તો અલ્પેશ ઠાકોરને પણ આશ્ચર્ય થતું હશે. રાજકારણીઓના મૌનના અને સંવાદને અનેક અર્થો નીકળે છે. અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસના આગેવાનો સાથે સંવાદ અને હોદ્દો ન મળતા સેવેલા મૌને બધાને તેમના ભાવિ પગલાં અંગે વિચારતા કરી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા