Bharuch News : જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં (Jambusar – Devla Village) માલ સપ્લાયર મૃતકની સહી બીલોમાં કેવી રીતે આવી તેવી તપાસ સાથે રૂ. 30 લાખ ઉપરાંતના કૌભાંડના આક્ષેપ થતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે સમગ્ર પ્રકરણની તપાસ કરીને દેવલા ગામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરી ચાર્જ ઉપસરપંચને સોંપવાનો હુકમ કરાયો છે. આ બનાવને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. સાથે જ ખોટું કરનારા તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે.
તાજેતરમાં જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ જાગૃત નાગરિક દ્વારા મુકવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આરોપ અનુસાર, સીમેન્ટ, રેતી સહિતની સામગ્રી સપ્લાય કરનાર યાકુબભાઈ નવાબ તા.ર૭/૦પ/ર૦ર૧ના રોજ અવસાન પામ્યા હતા. છતાં વર્ષ 2022 માં તેમની બીલ બુકનો ખોટો ઉપયોગ કરીને ખોટી સહીઓ કરી ગ્રામ પંચાયતમાં બીલો રજુ કરી રૂ. 30 લાખ ઉપરાંતની ગોબાચારી કરી હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું.
આ સનસનીખેજ આરોપ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી,. આ આરોપ સાથે ગામના જાગૃત નાગરિકે જિલ્લા પંચાયતમાં ફરીયાદ કરતાં ગ્રામ પંચાયતમાં ગોબાચારી થયું હોવાની પ્રથમ દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું (Devla Village Sarpanch Suspend). જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામના સરપંચ રેહાનાબાનુ અબ્દુલસમદ પટેલનાઓને તાત્કાલીક સસ્પેન્ડ કરી સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
