Mehsana News:ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં એક નિવૃત્ત તબીબ ‘ડિજીટલ એરેસ્ટ’નો ભોગ બન્યા હતા. મનુ પટેલ નામના આ તબીબને મહારાષ્ટ્રથી સંચાલિત ઠગોની ટોળકીએ સતત ત્રણ દિવસ સુધી વીડિયો કોલ અને વોઇસ કોલ દ્વારા ‘ડિજીટલ એરેસ્ટ’માં રાખીને ભયભીત કર્યા હતા અને રૂપિયા 1.21 કરોડ પડાવવાનો પ્રયાસ કર્યો હતો.ઠગોએ પોતાને CBIના અધિકારીઓ સંદીપ રાવ અને સુબ્રમણ્યમ તરીકે ઓળખ આપી હતી. તેમણે તબીબને જણાવ્યું કે મની લોન્ડરિંગના કેસમાં તેમના બેંક ખાતામાં 2 કરોડ રૂપિયા જમા થયા છે અને આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
નિવૃત્ત તબીબ ડિજીટલ એરેસ્ટનો ભોગ બન્યા
આ ધમકી આપવા માટે ઠગોએ સુપ્રીમ કોર્ટના (Supreme Court) નકલી સહી-સિક્કા વાળા દસ્તાવેજ પણ મોકલ્યા હતા, જેમાં એરેસ્ટ વોરંટની વાત કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના દરમિયાન તબીબને ઘરમાંથી બહાર નીકળવા દેવામાં આવ્યા નહીં અને સતત કોલ પર રાખીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જોકે, તબીબે સમયસર સમજી જઈને પૈસા ટ્રાન્સફર કર્યા નહીં અને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
‘ડિજીટલ એરેસ્ટ’ એ (Digital arrest) એક નવી પ્રકારની સાયબર ઠગાઈ છે જેમાં ઠગો પોતાને પોલીસ, CBI અથવા અન્ય સરકારી અધિકારીઓ તરીકે ઓળખ આપીને વીડિયો કોલ પર વ્યક્તિને ભયભીત કરે છે. તેઓ ખોટા આરોપ લગાવીને વ્યક્તિને ‘ડિજીટલ એરેસ્ટ’માં રાખે છે, એટલે કે ઘરમાંથી બહાર નીકળવા ન દે, કોલ ડિસ્કનેક્ટ ન કરવા કહે અને પૈસા ટ્રાન્સફર કરાવે છે. આવા કેસોમાં ઠગો નકલી દસ્તાવેજ, વોરંટ અને અધિકારીઓના યુનિફોર્મમાં દેખાતા લોકોનો ઉપયોગ કરે છે.ગુજરાતમાં આવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં એક વરિષ્ઠ મહિલા તબીબને 103 દિવસ સુધી ‘ડિજીટલ એરેસ્ટ’માં રાખીને 19 કરોડથી વધુની ઠગાઈ કરવામાં આવી હતી. આવી ઠગાઈઓમાં વૃદ્ધો અને નિવૃત્ત વ્યક્તિઓને મુખ્ય ટાર્ગેટ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો:મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં 48 વર્ષે થયું સત્તામાં પરિવર્તન
આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ
