Visavadar News: વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં રોડ-રસ્તા અને પુલની દયનીય સ્થિતિ સ્થાનિક રહેવાસીઓ માટે મોટું જોખમ બની રહી છે. તાજેતરની એક ગંભીર ઘટનાએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો છે, જેમાં ગામના ખેડૂત વજુભાઈ વઘાસિયા ધારી રોડથી કાલસારી ગામ જતા મુખ્ય માર્ગ પરના ખાડામાં ટ્રેક્ટર ઊંધું પડવાને કારણે ગંભીર રીતે ઘવાયા હતા. તેમના પગમાં બે ફ્રેક્ચર થયા, જેના કારણે તેઓ લાંબા સમય સુધી કામ કરી શકશે નહીં. નોંધનીય છે કે આ રોડ બે વર્ષ પહેલાં સિમેન્ટનો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તે વાહનચાલકો માટે સતત જોખમ ઊભું કરે છે.
ગામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ મોટા ખાડાઓથી ભરેલો છે, જે વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતો માટે જોખમી બન્યો છે. આ રસ્તા પરથી ટ્રેક્ટર, બાઈક અને અન્ય વાહનોનું નિયમિત અવરજવર થાય છે, પરંતુ ખાડાઓને કારણે અકસ્માતની શક્યતા સતત રહે છે.
કાબર વોકળા ઉપર આવેલો પુલ ડિવાઈડર વગરનો છે, જેના કારણે વાહનોની અથડામણનું જોખમ રહે છે. આ ઉપરાંત, પુલની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જે આરોગ્ય માટે ખતરો ઉભો કરે છે. આ પુલ પર કોઈપણ સમયે મોટો અકસ્માત થઈ શકે છે, જે જાનહાનિનું કારણ બની શકે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે સરકારી દવાખાને જવાના રસ્તા પરનો પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ પુલનો પાયો નબળો છે અને એક પિલર તૂટી ગયો છે. આ પુલ પરથી હાઈસ્કૂલના 175 બાળકો અને વિસાવદર જતા સ્કૂલ વાહનો નિયમિત પસાર થાય છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જે બાળકોના જીવન માટે ગંભીર ખતરો છે.
પુલની આસપાસની ગંદકીની સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારી દવાખાનાનો સ્ટાફ અને આરોગ્ય અધિકારીઓ પણ રોજ આ ગંદકીમાંથી પસાર થાય છે. આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફેલાઈ શકે છે, જે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બની શકે છે. ગંદા પાણી અને કચરાના ઢગલાઓથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે.
કાલસારી ગામમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, વર્ષોથી આ સમસ્યાઓનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોમાં એવી લાગણી પ્રવર્તે છે કે ચૂંટણી સમયે ઉમેદવારો “સૌની યોજના” અને “વિકાસ” જેવા નારાઓ આપીને મત મેળવી લે છે, પરંતુ ચૂંટણી પછી આ મુદ્દાઓ ભૂલાઈ જાય છે. સ્થાનિક નેતાઓ પણ ભાજપના મંચને શોભાવવામાં વ્યસ્ત રહે છે, પરંતુ ગામની સમસ્યાઓ ઉકેલવામાં તેમનું યોગદાન નજીવું રહે છે. વિરોધ પક્ષની નબળી હાજરીને કારણે ગ્રામજનો પાસે આ ફરિયાદો કોને કરવી તે પ્રશ્ન ઊભો થયો છે.
આ પણ વાંચો:વિસાવદર પેટાચૂંટણીમાં આજે 2 બૂથ પર ફરી મતદાન
