અરાજકતા/ ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

આ ઘટનાને મામલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો.

Top Stories Gujarat
guj1 ધંધુકામાં ફાયરિંગમાં યુવકનું મોત બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,આજે બંધનું એલાન,જાણો સમગ્ર વિગત

ધંધુકામાં યુવક પર ગોળીબાર કરતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને મામલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો. જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. સમગ્ર જિલ્લામાં અરાજકતા ફેલાયેલી છે. આજે આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ફાયરિંગ વિથ મર્ડર કેસ મામલે આજે અમદાવાદના ધંધુકામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. હાલ ધંધુકામાં શાંતિપૂર્ણ માહોલ છે. બીજી બાજુ આરોપીઓને પકડવા પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. સમગ્ર મામલાની તપાસ SOGને સોંપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી હત્યા મામલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગઈકાલે (બુધવાર) પોલીસના બંદોબસ્ત વચ્ચે સ્મશાન યાત્રા નિકળી હતી. બીજી બાજુ આરોપીને પકડવા માટે પોલીસની 7 ટીમ કામે લાગી છે. સમગ્ર ઘટના મામલે SOGને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ગામમાં ભારે અરાજકતા વચ્ચે જ્યાં સુધી આ ઘટનામાં આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત હટાવવામાં આવશે નહીં.

અમદાવાદના ધંધુકામાં મોઢવાડાનો ડેલો આવેલો છે, જ્યાં મંગળવારે કિશન નામનો યુવક તેના જુના ઘર પાસે જતો હતો ત્યારે બે લોકોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધ્યો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ગામજનોમાં આટલેથી સંતોષ થયો નહોતો.

ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશનને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે, કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.

અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ હતી. તપાસ એસઓજીને સોપાતા એલસીબી, એસઓજી પણ તપાસમાં જોતરાઈ હતી. મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને પોલીસે આગેવાનોની મદદ લઇ મામલો થાળે પાડ્યો હતો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને મંગળવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ વિધિ કરવાનું પોલીસે આયોજન પણ કર્યું હતું.