શરમજનક ઘટના/ સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ

રિક્ષા ચાલકે વિદ્યાર્થીનીને ઉઠાવી લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રાંદેર પોલીસ દ્વારા રિક્ષાચાલકની ગણતરીના સમયમાં ધરપકડ પણ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાળકી સાથે થયેલ છેડતીની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો. ટ્યુશન કલાસથી પરત આવી રહેલી વિદ્યાર્થીનીને રીક્ષામાં બેસાડી અપરણ કરી અવાવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરનાર રીક્ષા ચાલકને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો.

સુરત શહેરમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રેપ અને છેડતીનું ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી પણ થાય છે. પરંતુ નરાધમોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગે છે. આ કહેવાનું કારણ એવું છે કે,  સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 21 વર્ષના નરાધમે બાળકીને ઉઠાવી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને હાલ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલે રહી છે. જો કે, પોલીસે આ નરાધમની ધરપકડ પણ કરી છે ત્યારે આ ઘટનાની સાથે સાથે અન્ય એક આવી જ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીને ઉઠાવી લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રાંદેર પોલીસ દ્વારા રિક્ષાચાલકની ગણતરીના સમયમાં ધરપકડ પણ કરવામાં આવી છે.

સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. રાંદેરના સંતનામ સર્કલ પાસે આઠ વર્ષની વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ પતાવીને ઘરે આવી રહી હતી. તે સમયે એકા એક રિક્ષાચાલક આ વિદ્યાર્થીનીની પાસે આવ્યો અને રીક્ષામાં બેસવા જણાવ્યું. વિદ્યાર્થીનીનો હાથ ખેંચી તેને રિક્ષામાં બેસાડી આ રીક્ષા ચાલક વિદ્યાર્થીને અવાવરું જગ્યા પર લઈ ગયો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ રીક્ષા ચાલકે બાળકીને અલગ અલગ વિસ્તારમાં ફેરવી હતી અને પછી બાળકી પોતાના ઘરે પહોંચી હતી. જો કે, આ પ્રકારની ઘટનાને લઇ બાળકી ખૂબ ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ પોતાના ઘરે જઈને પિતાને આ બાબતે માહિતી આપી હતી.

બાળકીની વાત સાંભળીને પરિવારના સભ્યો પણ ચોકી ગયા હતા અને તાત્કાલિક જ બાળકીના પરિવારના સભ્યોએ રાંદેર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ છેડતી અને પોકસો એક્ટર હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વની વાત છે કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જનભાગીદારીથી પોલીસ દ્વારા રાંદેર વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે કેમેરાનું મોટો ફાળો આ ગુનાનો ભેદ ઉકેલવામાં છે. કારણ કે, સીસીટીવી કેમેરાના ફૂટેજમાં માત્ર એક રીક્ષા દેખાઈ રહી હતી અને ત્યારબાદ 50થી 60 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. રાંદેર પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ ઉજેફા મોહમ્મદ રફીક બટલર છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી સામે અગાઉ આ જ પ્રકારની ઘટનાને લઈને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પકડાયેલા આરોપીની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે, તે પોતાની રિક્ષા મારફતે સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો અને એકલા જતા સગીર બાળકોને જોઈને પોતાની રીક્ષા તેમની પાસે લઈ જતો હતો. ત્યારબાદ આ બાળકોને ફોસલાવી ઓટો રીક્ષામાં બેસાડતો હતો અને અવાવરું જગ્યા પર લઈ જઈ શારીરિક અડપલા જેવી વિકૃત હરકતો કરતો હતો.

આ પણ વાંચો:આવતીકાલે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો

આ પણ વાંચો:સુરતમાં બે લક્ઝુરિયસ કારનો અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ