હત્યા/ ભચાઉના મોરગર ગામે પ્રેમ સંંબંધ મુદ્દે યુવકની કરપીણ હત્યા કરી દેવાઈ

ભચાઉ તાલુકાના મોરગર ગામે દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતા-ભાઈઓએ પ્રેમીને બોલાવી ધોકા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો

Gujarat
 ભચાઉ

ભચાઉ તાલુકાના મોરગર ગામે દીકરીના પ્રેમસંબંધથી નારાજ પિતા-ભાઈઓએ પ્રેમીને બોલાવી ધોકા વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના બહાર આવી છે.દુધઈ પોલીસના જણાવ્યા મુજબ મરણ જનાર ૨૨ વર્ષિય અશોક ઊર્ફે લાલો અમરશીભાઈ ભાભોર મૂળ સંતરામપુરનો વતની હતો. તે સહપરિવાર મોરગરમાં સ્થાઈ થઈને ખેતમજૂરી કરતો હતો.

લાલાને તેના ફળિયામાં રહેતી શિલ્પા વિષ્ણુભાઈ કોલી નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ શિલ્પાના પરિવારજનોને નામંજૂર હતો. આ મુદ્દે તેમની લાલા સાથે અગાઉ બોલાચાલી પણ થઈ હતી. છતાં લાલાનો શિલ્પા સાથેનો પ્રેમસંબંધ ચાલું રહ્યો હતો. તેની અદાવત રાખી ગત રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં શિલ્પાના પિતા વિષ્ણુભાઈ રામજીભાઈ કોલી અને બે ભાઈ મહેશ અને મહેન્દ્રએ શિલ્પા મારફતે લાલાને ઘર નજીક આવેલા ખેતરે મળવા બોલાવ્યો હતો. જેવો અહીં લાલો આવ્યો કે શિલ્પાના પિતા-ભાઈઓ તેના પર ધોકા વડે તૂટી પડ્યાં હતા. હુમલામાં લાલાને વિવિધ અંગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે મૃત્યુ પામ્યો હતો.

હુમલા બાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયાં હતા. આજે સવારે ખેતરમાંથી લાલાનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. બનાવ અંગે લાલાની બહેન સુરેખાએ ચારે સામે હત્યા અને એટ્રોસીટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. ગુનાની તપાસ પીએસઆઈ જી.બી.માજીરાણાએ હાથ ધરી છે. આરોપી કોલી પરિવાર મૂળ રાધનપુરના કરસનગઢનો વતની છે