ચૂંટણી ચક્રવ્યૂહ/ ભાજપની નબળી કઈ કડીઓ વટાવવા ‘આપ’ની બાજનજર

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. સામે છેડે કોંગ્રેસ ‘બેઠાડું’ પાર્ટી થઈ ગઈ છે. જેનો લાભ લેવા આપવાળા યુક્તિપુર્વક ઝાડું ફેરવી રહ્યાં છે.

Top Stories Mantavya Exclusive Gujarat Assembly Election 2022
ભાજપ

@પ્રફુલ્લ ત્રિવેદી

ગુજરાતમાં ચૂંટણી બારણે ટકોરાં મારી રહી છે. વાતાવરણને ચાર્જ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિતશાહની આવનજાવન વધી ગઈ છે. ‘આપ’ના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના રોડ-શો યોજાવા લાગ્યા છે. સદાય સુશુપ્ત રહેતી કોંગ્રેસમાં અચાનક આક્રમકતાનો ઓતાર આવ્યો છે. આ સમીકરણો વચ્ચે ‘આપ’ના ચાલક નેતાઓ ભાજપની નબળી કડીઓ શોધી ત્યાં નિશાન તાકી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેનું સંગઠન મજબૂત છે. સામે છેડે કોંગ્રેસની તાજેતરની આક્રમકતાને બાદ કરીએ તો ‘બેઠાડું’ પાર્ટી થઈ ગઈ છે. જેનો લાભ લેવા આપ-આમ આદમી પાર્ટીવાળા યુક્તિપુર્વક ઝાડું ફેરવી રહ્યાં છે. ભાજપના શાસનની નબળી કડીઓ શોધીને તેના મર્મસ્થળમાં જ ઘા કરી રહ્યાં છે.

ગુજરાતનાં ગૌરવની વાત

મોરારજીભાઈ દેસાઈ પછી વર્ષો બાદ એક ગુજરાતી દેશના વડાપ્રધાનના ગૌરવવંતા સ્થાને બિરાજ્યા છે. ગૃહમંત્રી પણ ગુજરાતનાં છે. આ બાબત જ ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવથી લથપથ કરનારી છે. ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. ગુજરાત મોડેલ દેશમાં ચાલ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માએ દેશવાસીઓને તેમની વિચારધારા અને તેમના વક્તવ્યોએ જાણે વશીભૂત કરી દીધાં છે. આમ છતાં ગુજરાતમાં જ આમ આદમી પાર્ટીના દિલ્હીના કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન આવીને રોડ-શો યોજે અને તેમને જોવા લોકો છાપરે ચડે તે બાબત આશ્ચર્યજનક છે. ભાજપ હાઈકમાન્ડે આપની ખંધી સ્રુડતાથી ચેતી જવાની જરૂર છે.

મર્મસ્થળમાં કરેલા ઘા

            આપના નેતાઓએ ભાજપની નબળી કડીઓ શોધી તેને વટાવવા નમક છાંટ્યું છે.

      1. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ
      2. બેરોજગારીની પરાકાષ્ઠા
      3. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનું શોષણ સદંતર બંધ કરી તેમને કાયમી કરવા
      4. પરીક્ષાનાં પેપર નહીં ફૂટે
      5. સસ્તું શિક્ષણ.

આ તમામ ભાજપના શાસકોની ઉડીને આંખે વળગે તેવી નબળાઈઓ છે. ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ અને ભય, ભૂખ તેમજ ભ્રષ્ટાચાર હટાવવાની ગુલાબાંગો પોકારનાર ભાજપના શાસનમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ફાલ્યોફૂલ્યો છે. ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, ધારાસભ્યો, ખાનગી    કોન્ટ્રાકટરો સાથે છૂપી ભાગીદારી કરવા માંડ્યા છે કે સીધા કોન્ટ્રાક્ટ જ લેવા માંડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગટર સફાઈના કોન્ટ્રાક્ટ, સિટી બસો પૂરી પાડવાના કોન્ટ્રાક્ટ, સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ, ટ્રોમીલ કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ, એન્જિનિયરો કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓની મિલીભગત જગજાહેર છે. લાંચ આપ્યા વગર કામ થાય જ નહીં તેવું વાતાવરણ કોર્પોરેશન અને સચિવાલયના કેટલાક વિભાગોમાં ઊભું થયું છે.

ભાજપ

કોન્ટ્રાકટ પરના કર્મચારીઓનું શોષણ

બેરોજગારી અને અર્ધબેરોજગારીનો પ્રશ્ન પરાકાષ્ઠાને આંબી ગયો છે. કોન્ટ્રાક્ટર પરના કર્મચારીઓને દસ કે પંદર વર્ષે પણ કાયમી કરાતા નથી. કાયમી જગ્યાઓ કોન્ટ્રાક્ટના કર્મચારીઓથી ભરવી નહીં તેવા કોર્ટના ચુકાદાઓ પણ માળિયે ચઢી ગયા છે. આ પદ્ધતિ દેશભરમાં ગુજરાતમાં સૌથી વધુ વિકસિ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભગીની સંસ્થાઓ કંપનીઓમાં આવી પોલંપોલ જ ચાલે છે.  એમાં પણ અગાઉના એક સિનિયર મંત્રીની મળતિયા કંપનીઓને મેનપાવર પૂરો પાડવાના કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયા છે. આઉટસોર્સિંગ કર્મચારીનાં  શોષણની માત્રા બેવડી થઈ જાય છે. સરકાર એક તો ઓછો પગાર આપે છે અને તેમાંથી એક ભાગ કંપની બેઠાં બેઠાં પડાવી લે છે. દા.ત.કલેકટર કચેરીમાં કર્મચારીઓ રખાતા તેનો પગાર 30 હજાર હતો. હવે આઉટ સોર્સિંગ કંપની દ્વારા જ રાખવાનો આદેશ  થતાં આમાંથી 6 થી 8 હજાર કંપનીવાળા લઈ જાય છે! આ શોષણના હક્કો શા માટે આઉટ સોર્સિંગ કંપનીઓને ખાનગી પરિપત્ર બહાર પાડી અપાયા છે, તે પ્રશ્ન અનુત્તર છે.

પંજાબ સરકારની કામગીરી

પંજાબની નવી સરકારે સચિવાલયમાં બેસતાની સાથે જ 35000 કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરી દીધાં છે. 25000ની ભરતીનો નિર્ણય લેવાયો છે. ભ્રષ્ટાચાર રોકવા હેલ્પલાઇન શરૂ કરાઈ છે. ‘આપે’ લોકોની નસ પારખી લીધી છે. ગુજરાત ભાજપ જો કેજરીવાળાના શબ્દો અને વ્યૂહરચનામાંથી પદાર્થપાઠ નહીં ભણે અને ‘અમે કહીએ તે જ બ્રહ્મવાક્ય’ તેવા અહમમાં રાચતી રહેશે તો ચોક્કસપણે નુકસાન નોતરશે, તેવું લોકમાનસનું વિશ્લેષણ કરતાં જણાય છે.

ભાજપ

આ પણ વાંચો :ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો,PMએ સંસદ ભંગ કરવાની કરી ભલામણ

આ પણ વાંચો :અમે ગુજરાતીઓના દિલ જીતવા આવ્યા છીએ : કેજરીવાલ 

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ મોટી વાત…

આ પણ વાંચો : કિવના રસ્તાઓ સ્માશાનમાં ફેરવાયા, સામાન્ય લોકોને ગોળીઓથી વીંધી દેવાયા