Ahmedabad News : અમદાવાદમાં આમ જનમત પાર્ટી (Aam Janmat Party)સાથે જોડાયેલા કથિત ₹250 કરોડના ટેક્સ ચોરી કૌભાંડ (Tax Evasion Scam)નો મામલો સામે આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસમાં પાર્ટીના નામે બોગસ ડોનેશન (Fake Donations), ખોટા ખર્ચ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો દ્વારા સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પાર્ટીના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિત સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાગળ પર પાર્ટી બનાવી આચર્યું કથિત કૌભાંડ
તપાસ મુજબ, આમ જનમત પાર્ટી (Aam Janmat Party)ના હોદ્દેદારોએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને કથિત રીતે ખોટા દસ્તાવેજો અને ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોમાં પાર્ટીના ખર્ચ અને નાણાકીય વ્યવહારોને સાચા દર્શાવી સરકારી પોર્ટલ પર રજૂ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. તપાસમાં ઓરિજિનલ બિલ, વાઉચર અને યોગ્ય હિસાબી દસ્તાવેજોના અભાવ અંગે પણ સવાલો ઊભા થયા છે.
આ કેસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ તથા આકાશ સોની સહિત સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોગસ ડોનેશનથી ટેક્સમાં કપાત અપાવ્યાનો આરોપ
આવકવેરા વિભાગ (Income Tax Department)ની તપાસ અનુસાર, મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ માધ્યમથી પાર્ટીના ખાતામાં ડોનેશન મેળવવામાં આવતું હતું. આ ડોનેશનના આધારે દાતાઓને આવકવેરામાં કપાતનો લાભ અપાવવામાં આવતો હોવાનો આરોપ છે. ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ ચૂંટણી પ્રચાર, રેલીઓ અને જાહેરાતો પાછળ થયો હોવાનું દર્શાવી ખર્ચના ખોટા હિસાબ રજૂ કરવામાં આવતા હતા.
તપાસમાં પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી સંસ્થાઓ મારફતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે.
આંગડિયા મારફતે રોકડ પરત કરાતી હોવાની શંકા
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીઓમાં ટ્રાન્સફર કરાયેલાં નાણાં આંગડિયા પેઢીઓ મારફતે રોકડમાં ઉપાડવામાં આવતાં હતાં. તેમાંથી નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ મૂળ દાતાઓને પરત આપવામાં આવતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે દાતાઓને ટેક્સમાં ગેરકાયદે લાભ પહોંચાડવા માટે વ્યવસ્થિત નાણાકીય નેટવર્ક ઊભું કરાયું હોવાનો આરોપ છે.
બે વર્ષમાં ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો
વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન આમ જનમત પાર્ટીનાં બેંક ખાતાંમાં કુલ ₹843,97,43,793થી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું તપાસમાં સામે આવ્યું છે. આ વ્યવહારો અને કથિત ટેક્સ ચોરીના કારણે સરકારી તિજોરીને આશરે ₹250 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આ મામલે કેન્દ્રીય વર્તુળના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (Income Tax Department)દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે આર્થિક વ્યવહારો, દસ્તાવેજો અને સંડોવાયેલા લોકોની ભૂમિકાની તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
