Jamnagar News: શહેરના દરેડ GIDC ફેઝ-3 વિસ્તારમાં રાજ્ય વસ્તુ અને સેવા કર (SGST) વિભાગે હાથ ધરેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના GST કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. તપાસ દરમિયાન બોગસ બિલિંગ અને ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના આરોપસર એક ટ્રેડિંગ કંપનીના સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
SGSTની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું કૌભાંડ
મળતી માહિતી મુજબ, દરેડ GIDC ફેઝ-3ના પ્લોટ નંબર 3128 ખાતે આવેલી ‘માંડવરા ટ્રેડિંગ કંપની’ પર SGST વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપની દ્વારા વાસ્તવિક માલસામાનની ખરીદી-વેચાણ કર્યા વગર માત્ર કાગળ પર બોગસ બિલો બનાવી મોટી રકમની ખોટી વેરાશાખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
₹23.08 કરોડની ખોટી ITC મેળવ્યાનો આરોપ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના સંચાલક આયુષ સુરેશચંદ્ર શાહ અને તેમના પિતા સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહે સુનિયોજિત રીતે બોગસ વ્યવહારો દર્શાવી અંદાજે ₹23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ઊભી કરી હતી. SGST વિભાગે આ મામલાને ગંભીર આર્થિક ગુનો ગણાવી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઔદ્યોગિક વર્તુળોમાં ચકચાર
આ મસમોટા કૌભાંડના ખુલાસા બાદ જામનગરના ઔદ્યોગિક અને વ્યાપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. SGST વિભાગની કાર્યવાહી બાદ ટેક્સ ચોરી અને બોગસ બિલિંગ સાથે સંકળાયેલા અન્ય તત્વોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ તપાસ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીઓ હવે કંપનીના અન્ય નાણાકીય વ્યવહારો, બેંક ખાતાઓ તેમજ સંભવિત કનેક્શનોની પણ તપાસ કરી રહી છે. સરકારી તિજોરીને થયેલા નુકસાનની ભરપાઈ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વિભાગે તપાસનો વ્યાપ વધાર્યો છે.
તપાસ આગળ વધતાં આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહીસાગરમાં મૃતકોના નામે લોન કૌભાંડનો પર્દાફાશ, કેનેરા બેન્ક સામે ગંભીર આક્ષેપો
આ પણ વાંચો: ગ્રાહકો ખાસ વાંચજો! હવે હોટલના બિલમાં માત્ર GST જ લાગશે, LPG કે ફ્યુઅલ ચાર્જ લેવો હવેથી ગેરકાયદેસર
