Gandhinagar News/ ગાંધીનગરના અધિકારી સામે ACBની કાર્યવાહી

ACBની તપાસમાં ₹1.17 કરોડથી વધુની રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી

Gujarat Gandhinagar
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અનિલ બી. ચૌધરી (વર્ગ-1) સામે આવકથી વધુ સંપત્તિ રાખવાના ગુનામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Gandhinagar News : ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અનિલ બી. ચૌધરી (વર્ગ-1) સામે આવકથી વધુ સંપત્તિ રાખવાના ગુનામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં તેમની પાસે જાણીતા આવક સ્ત્રોતોની સરખામણીએ કરોડો રૂપિયાની બિનહિસાબી સંપત્તિ મળી આવી હોવાનું બહાર આવ્યું છે.

ACB દ્વારા તેમની સરકારી ગાડી અને રહેણાંક સ્થળોની તપાસ કરવામાં આવી

પ્રાથમિક તપાસ દરમિયાન ACBને માહિતી મળી હતી કે અનિલ ચૌધરી સોલાર પ્રોજેક્ટ મંજૂરી અને સેફ્ટી સર્ટિફિકેટ સંબંધિત કામગીરીમાં વેપારીઓ અને અરજદારોને પોતાના કાર્યાલયમાં બોલાવી રોકડ રકમ સ્વીકારતા હતા. આ માહિતીના આધારે ACB દ્વારા તેમની સરકારી ગાડી અને રહેણાંક સ્થળોની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન તેમની સરકારી ગાડીમાંથી અંદાજે ₹3.45 લાખની રોકડ રકમ તેમજ અન્ય કિંમતી દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ACBની તપાસમાં ₹1.17 કરોડથી વધુની રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી. આ તમામ સંપત્તિની કુલ અંદાજિત કિંમત ₹2.88 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

તપાસના અંતે વિવિધ સ્થળોએથી મળેલી રોકડ, દાગીના અને અન્ય મિલકતોને ધ્યાનમાં લેતા અનિલ ચૌધરી પાસે કુલ ₹5.15 કરોડથી વધુની બિનહિસાબી સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ACBએ આ કેસ સાથે સંકળાયેલી વધુ માહિતી, મિલકતો અથવા વ્યવહારો અંગે કોઈ પણ વ્યક્તિ પાસે માહિતી હોય તો તે સંબંધિત હેલ્પલાઇન અને ઇમેઇલ મારફતે આપવા અપીલ કરી છે.


આ પણ વાંચો : હારીજ પાલિકામાં ભ્રષ્ટાચારનો વિવાદ

આ પણ વાંચો : દાંતીવાડા ભીલાચલમાં ATVT ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

આ પણ વાંચો : દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ