india news/ ‘કોકરોચ જનતા પાર્ટી’ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી, યુવાઓને સાચી માહિતી પહોંચાડવાની આપી સલાહ

Cockroach Janta Party: સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંતની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનું મોટું નિવેદન. મીડિયાને આપી પોઝિટિવ રહેવા સલાહ.

Top Stories NATIONAL India
Cockroach Janta Party

Cockroach Janta Party: દેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું એક નવું પેજ ભારે ધૂમ મચાવી રહ્યું છે. આ પેજના ઇન્સ્ટાગ્રામ પર ટૂંક જ સમયમાં ૨૨ મિલિયન (2.2 કરોડ) થી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. આ વાયરલ ડિજિટલ ટ્રેન્ડ વચ્ચે હવે દેશના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પત્રકારો અને મીડિયા જગતને એક બહુ મોટી શિખામણ આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો દેશના યુવાનો સુધી સાચી અને સકારાત્મક માહિતી નહીં પહોંચે, તો તેઓ ગેરમાર્ગે દોરાઈને આવી ‘કોકરોચ જનતા પાર્ટી’ પાછળ ચાલવા માંડશે.

સમાજમાં વિશ્વાસ વધારવો એ જ પત્રકારત્વનું કામ: ઉપરાષ્ટ્રપતિ

મલયાલમ અખબાર ‘દીપિકા’ના 140મા વર્ષગાંઠ મહોત્સવમાં હાજરી આપતાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, “પત્રકારત્વનું મુખ્ય કામ સમાજમાં વિશ્વાસ અને સકારાત્મકતા વધારવાનું હોવું જોઈએ. જો મીડિયા સારા કાર્યોને યોગ્ય રીતે લોકો સામે નહીં લાવે, તો યુવાનો દેશના વિકાસમાંથી રસ ગુમાવી દેશે.”

તેમણે ઉમેર્યું કે, “આજે કેટલાક લોકો એવા છે જેમને પહેલા કોઈ ઓળખતું નહોતું, પરંતુ અચાનક તેઓ સોશિયલ મીડિયા પર ચારેબાજુ છવાઈ જાય છે. આવી લોકપ્રિયતા બહુ લાંબો સમય ટકતી નથી. હું અભિવ્યક્તિની આઝાદીની વિરૂદ્ધ નથી, પરંતુ મીડિયાએ દેશના યુવા ધનને સાચી દિશા બતાવવી જોઈએ.”

CJI સૂર્યકાંતના એક નિવેદનમાંથી કેવી રીતે બની ‘Cockroach Janta Party’?

આ વિવાદની શરૂઆત 15મી મેના રોજ થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં એક વકીલની અરજી પર સુનાવણી દરમિયાન સીજેઆઈ (CJI) સૂર્યકાંતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. જો કે, વાત વધતાં સીજેઆઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. પરંતુ, ત્યાં સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સે સરકાર અને ન્યાયાલય પર કટાક્ષ (Satire) કરવા માટે રાતોરાત ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામે એક ડિજિટલ મોરચો ખોલી નાખ્યો.

કોઈ રાજકીય પક્ષ નથી, માત્ર સોશિયલ મીડિયા પર ચાલે છે કટાક્ષ

ઉલ્લેખનીય છે કે, ‘કોકરોચ જનતા પાર્ટી’ એ કોઈ સત્તાવાર કે નોંધાયેલી રાજકીય પાર્ટી નથી. તે માત્ર એક વ્યંગાત્મક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ ડિજિટલ પેજને હાલમાં દેશના વિપક્ષના મોટા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ અને મનિષ સિસોદિયા તરફથી પણ સોશિયલ મીડિયા પર સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે આ મુદ્દો વધુ રાજકીય બની ગયો છે.

કોણ છે આ વાયરલ પેજના મેન માસ્ટરમાઇન્ડ?

આ ટ્રેન્ડિંગ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અને મુખ્ય સંયોજક અભિજીત દીપક છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) ના વતની છે. અભિજીત અગાઉ આમ આદમી પાર્ટી (AAP) ની કોમ્યુનિકેશન ટીમ સાથે જોડાયેલા હતા અને છેલ્લા બે વર્ષથી તેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને ત્યાં જ સ્થાયી થયા છે. ત્યાં બેઠા બેઠા જ તેઓ આ આખું સોશિયલ મીડિયા હેન્ડલ ઓપરેટ કરી રહ્યા છે.


આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક થતાં વિવાદ દિલ્હી હાઈકોર્ટમાં, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?

આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન