Surendranagar News : સુરેન્દ્રનગર પંથકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Acharya Devvrat)ની મુલાકાત દરમિયાન તેમની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રીતે ઝળક્યો. ભીમગઢ અને ચાણપા ગામની મુલાકાતે તેમણે પ્રોટોકોલને બાજુએ મૂકી ગ્રામજનો સાથે સામાન્ય નાગરિકની જેમ સમય વિતાવ્યો, જેનાથી ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ.
ખેતરમાં હળ ચલાવ્યું, ગાય દોહી
ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે(Acharya Devvrat) ખેડૂત મનસુખ ગોહિલના પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મની મુલાકાત લીધી. અહીં તેમણે ખેતરમાં જાતે હળ ચલાવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ ખેડૂતના ઘરે જઈ ગાય દોહી અને ગ્રામ્ય જીવનની સરળતા અનુભવી.
આ પ્રસંગે ભાવવિભોર બનેલા મનસુખ ગોહિલે જણાવ્યું કે, “એક નાના ખેડૂતના આંગણે રાજ્યપાલનું પધારવું એ મારા માટે સાક્ષાત્ રામના આગમન જેવું સૌભાગ્ય છે.”
જમીન પર બેસી કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ

ચાણપા ગામે રાજ્યપાલે સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો. ધીરુભાઈ વાઘેલાના ઘરે જઈ તેમણે જમીન પર બેસીને શુદ્ધ દેશી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો. તેમણે પરિવારજનો સાથે વાતચીત કરી તેમની હાલચાલ પૂછ્યા અને આત્મિયતા દર્શાવી.
આ અંગે ધીરુભાઈ વાઘેલાએ જણાવ્યું કે, “અમે ક્યારેય વિચાર્યું નહોતું કે રાજ્યપાલ અમારા જેવા સામાન્ય માણસના ઘરે પધારશે. અમારી સાથે બેસીને ભોજન લીધું તે અમારા માટે ગૌરવ અને ખુશીની વાત છે.”
ગ્રામજનો સાથે સંવાદ અને સ્વચ્છતા અભિયાન

ચાણપા ગામે રાજ્યપાલે રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો. તેમણે વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું અને જાતે ઝાડુ પકડી ગામની ગલીઓમાં સફાઈ કરી સ્વચ્છ સમાજ નિર્માણનો સંદેશ આપ્યો.
શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ
મુલાકાતના અંતે રાજ્યપાલે ચાણપા સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું. તેમની આ સાદગીભરી શૈલી અને ગ્રામ્ય જીવન સાથેની આત્મિય જોડાણથી સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat)ની આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહી, પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી અને સામાજિક સમરસતાનો જીવંત સંદેશ બની રહી.