Gandhinagar News: રાજ્યમાં બનાવટી ડેરી ઉત્પાદનો (Fake dairy products) સામે ગુજરાત સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વેપારીઓ સામે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માત્ર બે દિવસમાં રાજ્યભરમાં 842 વેપારી પેઢીઓમાં આકસ્મિક ચકાસણી કરીને 1,705 કિલોગ્રામ બનાવટી ડેરી એનાલોગ્સનો અંદાજે રૂ. 5.28 લાખનો જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
Fake dairy products સામે રાજ્ય સરકારની કાર્યવાહી
ગુજરાત સરકાર દ્વારા 6 અને 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન FDCAની વિવિધ ટીમોએ રાજ્યભરની કુલ 842 વેપારી પેઢીઓ, હોટેલો, રેસ્ટોરન્ટો અને ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓની આકસ્મિક તપાસ કરી હતી.
તપાસ દરમિયાન પનીર એનાલોગ અને ચીઝ એનાલોગ જેવા બનાવટી ડેરી ઉત્પાદનોનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. કુલ 1,705 કિલોગ્રામ જેટલો આરોગ્ય માટે હાનિકારક અને ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 5.28 લાખ હોવાનું તંત્રે જણાવ્યું છે.
વડોદરા અને જૂનાગઢમાંથી સૌથી વધુ જથ્થો ઝડપાયો
6 ઓગસ્ટના રોજ સૌથી વધુ કાર્યવાહી વડોદરા (Vadodara)મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીંથી 471 કિલોગ્રામ ડેરી એનાલોગ્સનો અંદાજે રૂ. 1.50 લાખનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાંથી 235 કિલોગ્રામ અને રાજકોટ મહાનગરપાલિકામાંથી 115 કિલોગ્રામ ડેરી એનાલોગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટના રોજ સૌથી વધુ જથ્થો જૂનાગઢ જિલ્લામાંથી ઝડપાયો હતો. અહીંથી 585 કિલોગ્રામ બનાવટી ડેરી એનાલોગ્સનો અંદાજે રૂ. 2.04 લાખથી વધુ કિંમતનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. સુરત અને જામનગર મહાનગરપાલિકામાંથી પણ નોંધપાત્ર પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની વેપારીઓને કડક ચેતવણી
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ (Praful Pansheriya) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરશે નહીં. દૂધ, પનીર અને ચીઝના નામે બનાવટી ડેરી એનાલોગ્સ વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. તેમણે હોટેલ, રેસ્ટોરન્ટ અને તમામ ખાદ્ય વેપારીઓને માત્ર પ્રમાણિત અને શુદ્ધ ખાદ્યસામગ્રીનો જ ઉપયોગ કરવાની કડક સૂચના આપી હતી. તેમણે ચેતવણી આપી કે ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી વેચનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આગામી દિવસોમાં પણ ઝુંબેશ રહેશે યથાવત
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા અનુસાર આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં અચાનક તપાસ કરીને ભેળસેળયુક્ત ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે નાગરિકોને ગુણવત્તાયુક્ત, શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવું તેની પ્રથમ પ્રાથમિકતા છે. તેથી ભેળસેળ અને બનાવટી ખાદ્યસામગ્રીના વેચાણ સામે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં નકલી કોસ્મેટિક્સ ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો! હજારો ડુપ્લિકેટ સાબુ-ફેસવોશ જપ્ત
આ પણ વાંચો:રાજકોટમાં નકલી દારૂનું રેકેટ ઝડપાયું
આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો મોટો ખેલ! જય યોગેશ્વર ડેરીમાં નકલી ઘીનો પર્દાફાશ
