Rajkot News : રાજકોટ (Rajkot)શહેરમાં નકલી દારૂ (Fake Liquor)ના ગેરકાયદેસર વેપારનો મોટો પર્દાફાશ થયો છે. પ્રોહિબિશન સેલ (PCB)એ ભગવતીપરા (Bhagwatipara)વિસ્તારમાં દરોડો પાડી ડુપ્લીકેટ દારૂ બનાવવાના કારસ્તાનનો ભાંડો ફોડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જે સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી બજારમાં ઊંચા ભાવે વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી જૂની બ્રાન્ડેડ દારૂની બોટલો એકત્ર કરતો હતો. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરીને નકલી સીલ લગાવતો અને તેને અસલી દારૂ તરીકે ગ્રાહકોને વેચતો હતો. આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ગેરકાયદેસર રીતે મોટો નફો કમાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

તપાસ દરમિયાન આરોપીએ એક વીડિયોમાં નકલી દારૂ (Fake Liquor)બનાવવાની સમગ્ર પ્રક્રિયા અંગે કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. પોલીસે વીડિયો સહિતના અન્ય પુરાવાઓ કબજે કરી લીધા છે અને તેનો ફોરેન્સિક તેમજ કાયદેસર અભ્યાસ પણ કરવામાં આવશે.
પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, નકલી દારૂ (Fake Liquor)ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને તેમાં કોઈ મોટા નેટવર્કની ભૂમિકા છે કે નહીં. ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને અન્ય સાધનો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે વધુ પૂછપરછ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.
