Economic Update Summary: એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ તેના તાજેતરના ‘એશિયન ડેવલપમેન્ટ આઉટલુક’ રિપોર્ટમાં એશિયાની અર્થવ્યવસ્થાને લઈને લાલબત્તી ધરી છે. મધ્ય પૂર્વમાં (ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા) ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલના ભાવમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ ઊભો થયો છે. ADB મુજબ, આ સ્થિતિને કારણે ભારત અને ચીન જેવા મોટા દેશોના આર્થિક વિકાસની રફ્તાર ધીમી પડી શકે છે. ADB રિપોર્ટના મુખ્ય તારણો:
જીડીપી ગ્રોથમાં ઘટાડો
ADB ના અંદાજ મુજબ, વિકાસશીલ એશિયાનો આર્થિક વિકાસ દર 2025 ના 5.4% થી ઘટીને આ વર્ષે 5.1% રહેવાની શક્યતા છે. યુદ્ધની સીધી અસર મર્યાદિત હોવા છતાં, ઉર્જા અને અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવ એશિયા માટે મોટું જોખમ છે.
ભારત અને ચીન પર અસર
ભારત: બાહ્ય પડકારોને કારણે ભારતનો આર્થિક વિકાસ દર પાછલા વર્ષના 7.6% થી ઘટીને 2026 માં 6.9% રહેવાનો અંદાજ છે. જોકે, મજબૂત સ્થાનિક વપરાશ (Consumption) તેને થોડો ટેકો આપી શકે છે.
ચીન: ચીનનો વિકાસ દર 2025 ના 5% થી ઘટીને આ વર્ષે 4.6% રહેવાની શક્યતા છે.
મોંઘવારી વધવાનો ખતરો
રિપોર્ટ અનુસાર, વિકાસશીલ એશિયામાં મોંઘવારીનો દર 2025 ના 3% થી વધીને આ વર્ષે 3.6% થઈ શકે છે. ખાતર, યુરિયા અને એમોનિયા જેવા કૃષિ ઈનપુટ્સ માટે એશિયા મધ્ય પૂર્વ પર નિર્ભર હોવાથી ખાદ્ય ચીજોના ભાવ પણ વધી શકે છે.
સેમિકન્ડક્ટર અને પર્યટન ઉદ્યોગને ફટકો
ઈરાન યુદ્ધને કારણે ચિપ (Semiconductor) ઉત્પાદન માટે જરૂરી હિલિયમ અને સલ્ફર જેવા પેટ્રોકેમિકલ ઉત્પાદનોની સપ્લાય ખોરવાઈ રહી છે. આ ઉપરાંત, વૈશ્વિક મુસાફરીમાં ઘટાડો થવાથી પર્યટન પર નિર્ભર દેશોની આવક પર પણ માઠી અસર પડશે.
ADB ના પ્રમુખ માસાતો કાંડાનું નિવેદન:
તેમણે જણાવ્યું કે, “ઉર્જાના વધતા ભાવને કારણે નાણાકીય સ્થિતિ વધુ કઠિન બની રહી છે. એશિયાએ આક્રમક નાણાકીય કડકાઈના બદલે લક્ષિત રાજકોષીય પગલાંઓ પર ધ્યાન આપવું જોઈએ જેથી મોંઘવારીને સ્થિર કરી શકાય.”
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર, ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે?


