Afghanistan Hunger Crisis: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન (Afghanistan) માં ગરીબી અને ભૂખમરાનું સંકટ દિનપ્રતિદિન અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશના આશરે 47 લાખ લોકો અત્યારે ભૂખમરાના ગંભીર જોખમ હેઠળ જીવી રહ્યા છે, જે અફઘાનિસ્તાનની કુલ વસ્તીના 10% કરતાં પણ વધુ હિસ્સો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે રોજગારી અને અન્નની તીવ્ર અછતને કારણે કેટલાક પરિવારો પોતાના માસૂમ બાળકોને વેચવા માટે મજબૂર બન્યા છે.
કામની તીવ્ર અછત અને વાસી રોટલી માટે વલખાં
અફઘાનિસ્તાનના(Afghanistan) ઘોર પ્રાંત (Ghor Province) માં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં દરરોજ સવારે સેંકડો શ્રમિકો કામની શોધમાં રસ્તા કિનારે ઊભા રહે છે, પરંતુ મોટાભાગના લોકોને નિરાશા જ સાંપડે છે. BBC ના અહેવાલ અનુસાર, 45 વર્ષના જુમા ખાને જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનામાં તેમને માત્ર 3 દિવસ જ કામ મળ્યું છે અને તેમના બાળકો સતત ત્રણ રાત ભૂખ્યા સૂઈ ગયા હતા. જ્યારે સ્થાનિક બેકરીઓ દ્વારા વાસી રોટલી વહેંચવામાં આવે છે, ત્યારે તેને મેળવવા માટે ભૂખ્યા લોકોના ટોળેટોળાં તૂટી પડે છે.
દવા અને ભોજન માટે 5 વર્ષની દીકરીનો સોદો
ગામડાઓમાં પરિસ્થિતિ વધુ હૃદયદ્રાવક છે. અબ્દુલ રાશિદ અઝીમી નામના વ્યક્તિએ રડતા રડતા જણાવ્યું કે તેમની પાસે બાળકોને ખવડાવવા માટે અન્નનો એક દાણો નથી, તેથી તેઓ પોતાની 7 વર્ષની જોડિયા દીકરીઓને વેચવા માટે તૈયાર થયા છે.
આવી જ એક અન્ય દર્દનાક ઘટનામાં, સઈદ અહેમદ નામના પિતાએ પોતાની 5 વર્ષની દીકરી શાઈકાને એપેન્ડિક્સ અને લીવરની બીમારીની સારવાર કરાવવા માટે પોતાના જ એક સંબંધીને વેચી દીધી છે. સઈદે દીકરીનો સોદો 2 લાખ અફગાની ચલણમાં કર્યો છે. હાલમાં સારવાર માટે થોડા પૈસા લેવામાં આવ્યા છે અને 5 વર્ષ પછી આ માસૂમ બાળકીને સંબંધીના ઘરે કાયમ માટે મોકલી દેવી પડશે.
વિદેશી સહાયમાં 70% નો મોટો ઘટાડો
અફઘાનિસ્તાનમાં (Afghanistan)આટલી મોટી માનવતાવાદી કટોકટી સર્જાવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
અગાઉ લાખો અફઘાન નાગરિકોને વિદેશો તરફથી અનાજ, તેલ અને કઠોળ જેવી સામગ્રી સહાય તરીકે મળતી હતી. પરંતુ અમેરિકા સહિતના દેશોએ આ મદદ ખૂબ જ ઓછી કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રના મતે, આ વર્ષે વિદેશી સહાયમાં વર્ષ 2025 ની સરખામણીએ 70% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.
દેશમાં સતત પડી રહેલો દુષ્કાળ, બેરોજગારી અને આકાશે આંબતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે.
Afghanistan ની હોસ્પિટલોમાં કુપોષિત બાળકોના મોત
ખોરાકની અછતને કારણે અફઘાનિસ્તાનની હોસ્પિટલોમાં કુપોષિત (Malnourished) બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દવાઓ અને પૂરતા સાધનોના અભાવે દરરોજ અનેક નવજાત બાળકો દમ તોડી રહ્યા છે. આર્થિક તંગીના કારણે અનેક પરિવારો બાળકોની સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી અને બીમાર બાળકોને હોસ્પિટલમાંથી પરત ઘરે લઈ જવા મજબૂર બન્યા છે. સ્થાનિક ડોક્ટરો અને નર્સોના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે અને માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
આ પણ વાંચો :રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને વરસાવ્યા 1000 થી વધુ ડ્રોન, રહેણાંક ઈમારતો તબાહ, ભારતીય દૂતાવાસ એલર્ટ
આ પણ વાંચો :માલદીવ્સના દરિયામાં મોટી દુર્ઘટના, 164 ફૂટ ઊંડી ગુફામાં સંશોધન કરવા ગયેલા 5 ઇટાલિયન વૈજ્ઞાનિકોના મોત
