ભાજપ માટે પોતાનો દબદબો જાળવી રાખવાનો અને કોંગ્રેસ માટે પોતાના અસ્તિત્વને જાળવી રાખી લોકશાહીને બચાવવાનો અવસર
ઓવીસી – વસાવા જોડાણ અને ‘આપ’ માટે પણ તાકાત પ્રદર્શનની તક
ગુજરાતના છ મહાનગરો કે જેમાં લગભગ સવા કરોડથી વધુ મતદારો હતો અને લાખ જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભલે બીજી કોઈ બાબતમાં ન પડીએ પણ ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ૫૩ ટકા મતદારો મતદાનથી વંચિત રહ્યા છે. ૪૭ ટકા લોકોના મત પૈકી ૪૨ ટકા મત મેળવી ક્લીન સ્વીપ જેવો વિજય મેળવ્યો છે. જો કે આનું નામ જ લોકશાહી અને તેથી જ જો જીતા વોહી સિકંદર તે કહેવત બીજી કોઈ જગ્યાએ લાગુ પડે કે ન પડે પણ અહિંયા તો ચોક્કસ લાગુ પડે છે. ટૂંકમાં જેમ હાલના સગવડિયા રાજકારણમાં એવરી થીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ પોલીટીક્સ તેવી જ રીતે રાજકારણમાં બધું પચાવી શકે છે.
હવે મહાનગરોનો રાઉન્ડ પૂરો થયો છે. આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતનો રાઉન્ડ છે. સેમી અર્બન કહેવાય તેવા નગરોનો રાઉન્ડ છે. ગુજરાતની ૩૩ પૈકી ૩૧ જિલ્લા પંચાયતો ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણી ૨૮મીએ એટલે કે ચાલુ માસના અંતિમ દિવસે યોજાશે અને બીજી માર્ચે તેનું પરિણામ પણ જાહેર થશે.
૨૦૧૫ની ચૂંટણીમાં તમામ છ મહાનગરોમાં ભાજપે જ પોતાને ૨૦૦૫ની ચૂંટણી બાદ મળેલી સત્તા જાળવી હતી. ભલે બેઠકો ઘટી હતી તે અલગ વાત છે. જ્યારે ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૧ પૈકી માત્ર ૮ જિલ્લા પંચાયતોમાં માત્ર ભાજપને જીત મળી હતી તેમાં કચ્છની એક અને પોરબંદરની એક જિલ્લા પંચાયત હતી. આ સિવાય સૌરાષ્ટ્રની ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા સહિતની સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતો કોંગ્રેસને મળી હતી. જ્યારે ગુજરાતમાં ૩૧ પૈકી ઉપર દર્શાવેલ સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતો મળી કુલ ૨૨૩ જિલ્લા પંચાયતો કોંગ્રેસને મળી હતી. હવે જિલ્લા પંચાયતો કોંગ્રેસ પાસે હોય એટલે તેની અંદર આવતી તાલુકા પંચાયતની બેઠકો પણ કોંગ્રેસ જ જીતી હતી. જો કે અઢી વર્ષના રોટેશન બાદ કોંગ્રેસે પાંચ જિલ્લા પંચાયતો અને ૫૦ તાલુકા પંચાયતો ગુમાવી દીધી હતી. આનું કારણ માત્ર ને માત્ર પક્ષપલ્ટો.
હવે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ૧૯૮૫ના દાયકામાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તે વખતની લગભગ તમામ જિલ્લા પંચાયતો કોંગ્રેસે મેળવી હતી તો ૧૯૯૫માં ભાજપે તે વખતની ૨૬ પૈકી ૨૧ થી વધુ જિલ્લા પંચાયતો કબ્જે કરીને કોંગ્રેસને મોટો આંચકો આપ્યો હતો. જોકે ૨૦૦માં યોજાયેલી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી પોરબંદર સિવાયની બાકીની જિલ્લા પંચાયતો કબ્જે કરીને ભાજપની રાજ્યમાં સત્તા હોવા છતાં મોટો અપસેટ સજ્ર્યો હતો. ૨૦૦૦માં તો આણંદ જિલ્લા પંચાયતની ૪૦ પૈકી ૩૯ બેઠકો કોંગ્રેસે કબ્જે કરી હતી. જોકે આ વખતે પણ અઢી વર્ષ બાદ પક્ષપલ્ટાના કારણે કોંગ્રેસે ભાવનગર સહિત ૧૦ જિલ્લા પંચાયતો ગુમાવી હતી. ૨૦૦૫ અને ૨૦૧૦ની ચૂંટણીમાં તો ફરી અપવાદરૂપ ચાર જિલ્લા પંચાયતોને બાદ કરતાં ફરી ભગવો લહેરાયો હતો. જ્યારે ૨૦૧૫માં ઉપર જણાવી ગયા તે પ્રમાણે ફરી ૨૦૦૦ના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતું.
૨૦૦૦ની સાલ કોંગ્રેસ માટે શુકનિયાળ હતી. તેમ ગ્રામ્ય સ્તરે પાંચ વર્ષ પહેલા ગુમાવેલી સત્તા મેળવી હતી. તે વખતે પણ અનેક પ્રકારના ગ્રુપો અસ્તિત્વમાં હોવા છતાં સત્તા પર મેળવી હતી. હવે ૨૦૧૫ની જિલ્લા પંચાયતોની ચૂંટણી પાટીદારોના અનામત આંદોલનના પગલે યોજાઈ હતી તેનો ઓછાયો બરાબર પડ્યો હતો અને તેની અસર રૂપે જ શહેરમાં પોતાની તાકાત વધારનાર ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં જબરજસ્ત લપડાક પડી હતી. ૨૩૧ પૈકી ૨૨૦ જેટલી તાલુકા પંચાયતો પણ ભાજપે ગુમાવી હતી. તે વખતે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ગુમાવવું પડ્યું હતું તો કોંગ્રેસ માટે તો ૨૦૧૦માં જે જે શૂન્યાવકાશ સર્જાયેલો તેનો બદલો વાળવાનો અવસર મળ્યો અને ૨૦૧૫માં કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો તેવી સ્થિતિ હતી.
૨૦૧૫ની ચૂંટણીમાં ભલે એક પણ મહાનગરોમાં કોંગ્રેસને સત્તા નહોતી મળી પરંતુ તમામ સ્થળે તેની બેઠકોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો હતો. તે વખતે મહાનગરોમાં કોંગ્રેસને ૫૭૬માંથી ૧૬૫ બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તો કોંગ્રેસને માત્ર ને માત્ર ૫૫ બેઠકો મળી છે. એટલે કે ૧૦૦ બેઠકો ગુમાવવી પડી છે. જે રાજકોટમાં કોંગ્રેસ ૭૨માંથી ૩૪ બેઠકો મેળવી માત્ર ૪ બેઠકો જ ઓછી મળતા સત્તાથી દૂર રહી ગઈ હતી તે રાજકોટમાં ૨૦૨૧ની ચૂંટણીમાં માત્ર ને માત્ર ૪ બેઠકો મળી છે. આ ચૂંટણીમાં જે રીતે મહાનગરોમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી નડી ગઈ તે જ પાર્ટીઓ હવે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મેદાને જંગમાં છે. ખાસ કરીને આદિવાસીઓની વધુ વસતિવાળા દક્ષિણ ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતના ત્રણ મળી કુલ નવ જિલ્લાઓમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને છોટુભાઈ વસાવાની BTP પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM ના બનેલા રાજકીય જોડાણનો પણ સામનો કરવાનો છે. ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં તો કોંગ્રેસે છોટુભાઈ વસાવાના પક્ષ BTP સાથે જોડાણ કરીને જ સત્તા મેળવી હતી અને ધારાસભાની ચૂંટણી સુધી આ જોડાણ ચાલું હતું. હવે આ વખતે કોંગ્રેસ-ભાજપ બન્ને આ વસાવા-ઓવૈસી જોડાણ નો સામનો કરવાનો છે. જો કે આ ફેક્ટર ભલે ૮૦ ટકા નુકસાન કોંગ્રેસને કરે છે તેવું મનાય છે પણ સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં તો ભાજપને નુકસાન કરી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભલે મહાનગરોમાં કોંગ્રેસને નુકસાન કર્યું હોય પરંતુ ગ્રામ્ય સ્થળની ચૂંટણીમાં ભાજપને નુકસાન નહિ જ કરે તે માનવું ભૂલ ભરેલું છે. જ્યારે અન્ય નાના પક્ષો મેદાનમાં છે જ. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં તે કેટલું અને કેવું કાઠું કાઢી શકે છે તે જોવાનું રહે છે.
ચૂંટણીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારોનો મિજાજ એક સરખો જ રહે તેવું માનવું ભૂલભરેલું છે. ભલે ગુજરાતના મહાનગરોમાં પંજાબ થી દિલ્હી અને હવે લગભગ તમામ રાજ્યોમાં પ્રસરવા તરફ આગળ વધી રહેલા કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનની જરાય અસર થઈ નથી. કારણ કે મહાનગરોને આ કૃષિ કાયદા કે તેના વિરોધમાં શરૂ થયેલા આંદોલન સાથે કોઈ સંબંધ છે જ નહિ. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની સંખ્યા મોટી છે. જિલ્લા તાલુકા પંચાયતોના જે બે કરોડ કરતાં વધુ મતદારો છે તેમાં ૮૦ ટકા કરતા વધુ ખેડૂતો જ છે અને ગુજરાતના અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાય જિલ્લાઓમાંથી ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. એટલે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની ચૂંટણીમાં કૃષિકાયદાનો વિરોધ અને આંદોલન અને આ આંદોલનને બદનામ કરવા થયેલા પેંતરાથી ખેડૂતોનો મોટો વર્ગ નારાજ છે. જાે કે કોંગ્રેસ સહિતના પક્ષો આ વિરોધને મતપેટીઓ સુધી પહોંચાડવામાં કેવા અને કઈ રીતે સફળ થાય છે તે જ મુદ્દો સફળ થાય છે. તે જ મુખ્ય મુદ્દો બની શકે તેમ છે. મોટાભાગના વિશ્લેષકો પણ કહે છે કે શહેર અને ગામડાના પરિણામો એકસરખા ન પણ હોય અને હાલનો વિપક્ષ જો મહાનગરોમાં દાખવી હતી તેવી બેદરકારી દાખવે તો પરિણામ શાસક પક્ષની તરફેણમાં આવી શકે છે. કારણ કે જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને તાલુકા પંચાયતોની ૧૦૦ કરતાં વધુ બેઠકો તો ભાજપની તરફેણમાં બીનહરિફ થઈ ચૂકી છે. જાે કે વિપક્ષ માટે હવે જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પોતાના અસ્તિત્તવ સાથે લોકશાહી બચાવવાનો અવસર છે.
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર