Ahmedabad News: અમદાવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ખોટો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો (AI Fake Police Video) વાયરલ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં હોય તેવો AI આધારિત વીડિયો બનાવનાર યુવક સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, યુવકે સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજ નજીક એક્ટિવા પર બેઠેલી પોતાની તસવીર લીધી હતી. ત્યારબાદ AI ટેક્નોલોજીની મદદથી તસવીરને વીડિયોમાં ફેરવી તેની આસપાસ અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉભા હોય તેવો દૃશ્ય તૈયાર કર્યો હતો. વીડિયો (AI Fake Police Video) સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ ઝડપથી વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ થતાં પોલીસની છબી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વીડિયોની તપાસ શરૂ કરી હતી. વાયરલ વીડિયોમાં દેખાતા એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતાં યુવકની ઓળખ બાપુનગરના રહેવાસી મોહસીન કુરેશી તરીકે થઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચે યુવકને શોધી અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે લોકોમાં પોતાનો રોફ જમાવવા અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાના હેતુથી AIનો ઉપયોગ કરીને આ વીડિયો (AI Fake Police Video) તૈયાર કર્યો હતો.
જુઓ AI Fake Police Video
પોલીસે ત્યારબાદ યુવકનો વધુ એક વીડિયો તૈયાર કર્યો, જેમાં તેની આસપાસ ખરેખર પોલીસ અધિકારીઓ ઉભા જોવા મળે છે. વીડિયોમાં યુવકે પોતાના કાન પકડીને આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરવાની માફી પણ માંગી હતી.
પોલીસે લોકોને અપીલ કરી છે કે AI જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ. ભ્રામક અથવા ખોટી માહિતી ફેલાવતી સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો:કોંગ્રેસ-ભાજપ AI વિડીયો,PM મોદી સહિત પરિવાર અને રાજકીય નેતાઓના નકલી વિડીયો પર ગરમાયો દેશ
આ પણ વાંચો:અમદાવાદના લાંભાના અપક્ષ ઉમેદવારનો વિવાદાસ્પદ વિડીયો
આ પણ વાંચો:અમદાવાદમાં તલવારની જેમ છરો ફેરવતી યુવતીનો વિડીયો વાઇરલ થતાં સનસનાટી
