Madhya Pradesh News: અયોધ્યાના રામ મંદિરની દાન વ્યવસ્થાને લઈને ઉભી થયેલી ચર્ચા બાદ હવે મધ્ય પ્રદેશના મોટા મંદિરોની દાન (Temple Donation) વ્યવસ્થા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ મંદિરોમાં રોકડ દાન, સોના-ચાંદીના ચઢાવા, VIP દર્શન અને અન્ય આવકના હિસાબમાં કેટલી પારદર્શિતા છે તે મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.
મહાકાલ મંદિર: રોકડ દાનની કડક વ્યવસ્થા, પરંતુ સોના-ચાંદીનો જાહેર હિસાબ નથી
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં રોકડ દાનની ગણતરી માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં છે. દાનપેટીઓ બેંક કર્મચારીઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા CCTV દેખરેખ હેઠળ થાય છે. મંદિર પરિસરમાં 95 દાનપેટીઓ ઉપરાંત અધિકૃત વેબસાઇટ અને 24 QR કોડ મારફતે પણ દાન (Temple Donation) સ્વીકારવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વિવિધ સ્ત્રોતોથી 145 કરોડ રૂપિયાથી વધુની આવક નોંધાઈ હોવાનું જણાવાયું છે. જોકે સોના-ચાંદી અને કિંમતી ધાતુઓના દાનનો જાહેર હિસાબ ઉપલબ્ધ નથી. મંદિર પ્રશાસન સુરક્ષાના કારણોસર આ માહિતી જાહેર ન કરવાની દલીલ કરે છે, જ્યારે પારદર્શિતાની માંગ કરનારાઓ વધુ ખુલાસાની માંગ કરી રહ્યા છે.
ઓમકારેશ્વર: દાનપેટીની રકમ જાહેર, પરંતુ અન્ય આવક અંગે મૌન
ઓમકારેશ્વર મંદિર ટ્રસ્ટે પહેલીવાર દાનપેટીઓમાંથી મળેલી રકમ જાહેર કરી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ એક સપ્તાહમાં દાનપેટીઓમાંથી 24.41 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા. પરંતુ ઓનલાઈન દાન, પ્રસાદાલય, લાડુ વેચાણ અને VIP દર્શનથી થતી આવક અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અહીં VIP દર્શન માટે પ્રતિ વ્યક્તિ ₹300 લેવામાં આવે છે અને દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે સ્લોટ ઉપલબ્ધ રહે છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી સમગ્ર આવક જાહેર કરવાની માંગ ઉઠતી રહી છે.
બગલામુખી મંદિર: દાન વ્યવસ્થાની તપાસ શરૂ
આગર માલવાના નલખેડા સ્થિત બગલામુખી મંદિરમાં દાન વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો બાદ જિલ્લા પ્રશાસને ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.પ્રાથમિક તપાસમાં સરકારી વ્યવસ્થા સાથે સંકળાયેલી ન હોવા છતાં એક અલગ સંસ્થા દ્વારા દાન અને ચઢાવા સ્વીકારવામાં આવતા હોવાના મુદ્દાની તપાસ ચાલી રહી છે. સંબંધિત બેંક ખાતા, લોકર અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
દેવાસ માતા ટેકરી: આવક અને ખર્ચ બંને જાહેર
દેવાસની માતા ટેકરી પર આવેલી મંદિરોમાં દાન વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીં દાનપેટીઓ ખોલતી વખતે વીડિયોગ્રાફી કરવામાં આવે છે અને વહીવટી અધિકારીઓની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે.ગયા વર્ષે દાન (Temple Donation)માંથી અંદાજે ₹1.25 કરોડની આવક નોંધાઈ હતી જ્યારે ખર્ચ આશરે ₹1.45 કરોડ રહ્યો હતો. મંદિર પ્રશાસન આવક અને ખર્ચ બંનેનો હિસાબ તેમજ ઓડિટ જાહેર કરતું હોવાનું જણાવે છે.
Temple Donation: પારદર્શિતા પર વધી રહી છે ચર્ચા
મંદિરોમાં મોટી માત્રામાં મળતા દાન (Temple Donation)નો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેની માહિતી કેટલી જાહેર કરવામાં આવે છે તે મુદ્દે હવે ચર્ચા તેજ બની રહી છે. જ્યાં કેટલીક જગ્યાએ કડક સુરક્ષા અને ઓડિટની વ્યવસ્થા હોવાનું કહેવામાં આવે છે, ત્યાં બીજી તરફ કેટલીક આવક અને કિંમતી દાન અંગે સંપૂર્ણ માહિતી જાહેર ન થવાથી પારદર્શિતાને લઈને પ્રશ્નો યથાવત છે.
આ પણ વાંચો:રામ મંદિર દાન ચોરી કેસ : 5 આરોપીઓની જેલમાં પૂછપરછ
આ પણ વાંચો:રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં હવે આરોપીઓની સંપત્તિની તપાસ તેજ
આ પણ વાંચો:રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર
