Bhavnagar News/ ભાવનગરમાં 300 કરોડથી વધુના રોકાણ કૌભાંડનો ઘટસ્ફોટ, 20% વળતરની લાલચે હજારો રોકાણકારો ફસાયા

ભાવનગરમાં શેરબજારમાં 20 ટકા વળતરની લાલચ આપી પોન્ઝી સ્કીમ મારફતે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે અને ભોગ બનનારાઓએ આક્ષેપ કર્યો છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે.

Top Stories Gujarat Others Breaking News
scam

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના ધામેચા બંધુઓ સામે શેરબજારમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કથિત પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. 20 ટકા માસિક વળતરની લાલચ આપી અનેક ગામોના રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી અનેક ભોગ બનનારાઓ સામે આવ્યા છે.

રોકાણના નામે લાલચ આપી કરોડોનું કૌભાંડ (scam)

ભાવનગર (Bhavnagar)જિલ્લાના ફરિયાદકા ગામના પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચા સામે શેરબજાર (Share Market Scam)માં રોકાણના નામે કથિત પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાના આક્ષેપો થયા છે. શરૂઆતમાં થોડા રોકાણકારોની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તપાસ આગળ વધતા કેસનું વ્યાપક સ્વરૂપ સામે આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રોકાણકારોને 20 ટકા વળતરની ખાતરી આપતા હતા. શરૂઆતમાં કેટલાક લોકોને સમયસર નફો ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ મોટા પ્રમાણમાં નાણાં એકત્ર કર્યા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હોવાનો આરોપ છે.

પ્રાથમિક ફરિયાદથી લઈને કરોડોના કૌભાંડ સુધી

પ્રારંભિક ફરિયાદમાં રૂ. 93 લાખથી વધુની છેતરપિંડીનો મુદ્દો સામે આવ્યો હતો. ત્યારબાદ વધુ ફરિયાદો નોંધાતા રકમ રૂ. 1.29 કરોડથી વધુ થઈ છે. જોકે અનેક પીડિતો અને સ્થાનિક લોકોનો દાવો છે કે સમગ્ર કૌભાંડનો આંકડો 300થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

100થી વધુ ભોગ બનનારાઓ સામે આવ્યા

LCBની તપાસ દરમિયાન અત્યાર સુધી અંદાજે 100 જેટલા ભોગગ્રસ્તોની વિગતો સામે આવી છે. પોલીસે રોકાણકારોને જરૂરી દસ્તાવેજો સાથે આગળ આવી નિવેદન નોંધાવવા અપીલ કરી છે જેથી કૌભાંડની વાસ્તવિક વ્યાપકતા જાણી શકાય.

એજન્ટોના માધ્યમથી ફેલાવવામાં આવી સ્કીમ

પીડિતોના જણાવ્યા મુજબ અંદાજે 100થી 150 જેટલા એજન્ટો મારફતે વિવિધ ગામોમાં રોકાણકારો સુધી પહોંચવામાં આવતું હતું. ઘણા એજન્ટો પોતે પણ આ કૌભાંડના ભોગ બન્યા હોવાનું કહી રહ્યા છે. કેટલાકે સ્ટેમ્પ પેપર પર લખાણ મળ્યા બાદ વિશ્વાસ કરીને પોતાના તેમજ અન્ય લોકોના નાણાં રોકાણ કરાવ્યાનો દાવો કર્યો છે.

રાજકીય જોડાણ અંગે પણ ચર્ચા

આરોપી યોગેશ ધામેચાએ પોતે ભાજપમાં સંગઠન મંત્રી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસનું કહેવું છે કે હાલ સુધીની તપાસમાં તે કોઈ રાજકીય હોદ્દો ધરાવે છે તે અંગે સત્તાવાર પુરાવો મળ્યો નથી અને આ મુદ્દે તપાસ ચાલુ છે.

પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ

બંને આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે. ક્રાઇમ બ્રાન્ચ રોકાણકારોના નિવેદનો, બેંક વ્યવહારો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કૌભાંડની ચોક્કસ રકમ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.


આ પણ વાંચો: હિંમતનગર વિઝા છેતરપિંડી કેસ: પ્રીતિ ઈન્સ્ટિટ્યૂટ સંચાલિકા સામે વધુ ફરિયાદો, 1.37 કરોડની ઠગાઈનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદના ઘુમામાં પ્લોટના બોગસ દસ્તાવેજોથી ₹1 કરોડની લોન: ચેરમેનની ખોટી સહી-સિક્કા કરી છેતરપિંડી, 4 સામે ફરિયાદ

આ પણ વાંચો: પુત્રીને સગીર બતાવવા માટે પિતાએ બનાવ્યા બનાવટી દસ્તાવેજો