Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટી.પી. રોડ પરનાં દબાણો (Ahmedabad AMC Demolition) દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત વેજલપુર અને સરખેજ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાક અને કોમર્શિયલ સહિત કુલ 75 બાંધકામો દૂર કરીને આશરે 1.62 કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.
Ahmedabad AMC Demolition: વેજલપુરમાં 51 બાંધકામો દૂર કરાયાં
વેજલપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 83 (વેજલપુર-ગ્યાસપુર-મકતમપુર) હેઠળ ચામુંડા નગર અંડરપાસથી એકલદેવ નગર (સાલપરા) સુધીના 9 મીટર પહોળા ટી.પી. રોડ પરનાં દબાણો દૂર (Vejalpur Encroachment) કરવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં 29 રહેણાક બાંધકામ, 14 કોમર્શિયલ બાંધકામ, પાંચ ધાર્મિક દેરી અને ત્રણ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ 51 બાંધકામો દૂર કરાયાં હતાં. જેના પગલે 525 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો થયો હતો.
સરખેજમાં 24 કોમર્શિયલ બાંધકામો હટાવાયાં
બીજી તરફ સરખેજ વોર્ડ નં. 33માં ટી.પી. સ્કીમ નં. 444 (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા 12 મીટર પહોળા ટી.પી. રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. અહીં કુલ 24 કોમર્શિયલ બાંધકામો (Sarkhej TP Road) હટાવી 1,100 મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મશીનરી અને મજૂરોની મદદથી કામગીરી
બંને વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે AMC દ્વારા ચાર દબાણ ગાડી, ત્રણ જેસીબી મશીન, એક હિટાચી મશીન અને ખાનગી કોન્ટ્રાક્ટરના 20 મજૂરોની મદદ લેવામાં આવી હતી. આ કામગીરીના પગલે વેજલપુર અને સરખેજમાં કુલ 75 બાંધકામો દૂર કરીને આશરે 1.62 કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો છે. રસ્તાની ઉપલબ્ધ પહોળાઈનો વધુ ઉપયોગ થઈ શકશે અને સ્થાનિક વાહનવ્યવહારને સરળતા મળશે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર
આ પણ વાંચો: ઇસનપુરના આંબા તળાવ પર AMCનો બુલડોઝર, 160થી વધુ દબાણો દૂર કરાશે
આ પણ વાંચો: લો ગાર્ડન-ભદ્રમાં દબાણો દૂર કરાશેના સંકેત; AMC ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના
