Gujarat Local Body Election 2026/ અમદાવાદમાં માત્ર 36 જ કોર્પોરેટર રિપીટ, જુઓ તમારા વોર્ડમાંથી કોને મળી ટિકિટ?

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપે 192 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી. 120 નિષ્ક્રિય કોર્પોરેટરોની ટિકિટ કાપી માત્ર 36 ને રિપીટ કર્યા. પ્લેન ક્રેશમાં મદદ કરનાર અને મહિલાઓને અપાયું પ્રાધાન્ય.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad AMC Election News

Ahmedabad AMC Election News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસની ગણતરીના કલાકો પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અમદાવાદ મહાનગરપાલિકા માટે ભારે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. મોડી રાત્રે ભાજપે 48 વોર્ડ માટે પોતાના તમામ 192 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ટિકિટ વહેંચણીમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ નો કડક અમલ કરતા અમદાવાદના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

60% જૂના કોર્પોરેટરોના પત્તા કપાયા

અમદાવાદમાં ભાજપે મોટો ઉલટફેર કરતા ગત ટર્મના 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી માત્ર 36 કોર્પોરેટરોને જ રિપીટ કર્યા છે. જેનો સીધો અર્થ એ છે કે, પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન કરી શકનાર 120 થી વધુ (લગભગ 60%) જૂના કોર્પોરેટરોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. ઘાટલોડિયા, થલતેજ અને નારણપુરા જેવા અત્યંત મહત્વના અને ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં પણ ચારમાંથી ત્રણ ઉમેદવારો નવા લાવીને મોટો ફેરફાર કરાયો છે. પ્રીતીશ મહેતા અને વિરલ વ્યાસ જેવા સિનિયરોના પત્તા પણ કપાયા છે.

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માનવતા મહેકાવનારને મળી ટિકિટ

આ વખતની યાદીમાં ભાજપે સારી કામગીરી કરનારા અને સેવાભાવી લોકોને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરનાર અને પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે ખડેપગે ઊભા રહી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગિરીશ વણઝારાને અસારવા વોર્ડમાંથી ટિકિટ અપાઈ છે. પ્લેન ક્રેશ દુર્ઘટના વખતે પીડિત પરિવારોના સોના-ચાંદીના દાગીના સાચવીને તેમને પરત કરનાર રાજુ પટેલ પર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. વ્યવસાયે બિલ્ડર અને ફોટોગ્રાફર તરીકે પ્રખ્યાત રાજુ પટેલને શાહીબાગ વોર્ડમાંથી ટિકિટ મળી છે.

મહિલા સશક્તિકરણ અને સિનિયરો પર ભરોસો

અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપે 90 બેઠકો પર મહિલાઓને સ્થાન આપીને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. સાબરમતીથી ખુશી પરમાર અને નવા વાડજમાંથી નિધિ વાઘેલા જેવા નવા ચહેરાઓને તક અપાઈ છે.

બીજી તરફ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પર પાર્ટીએ ત્રીજીવાર ભરોસો મૂકી તેમને બોડકદેવથી રિપીટ કર્યા છે. ફોર્મ ભરતા પહેલા તેમણે માનવ મંદિરમાં માતાજીના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત, AMTS ના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈ ને પણ ટિકિટ અપાઈ છે, જેઓ મેયર પદના પ્રબળ દાવેદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપ એક્શનમાં, પણ કોંગ્રેસમાં હજુ કન્ફ્યુઝન!

એક તરફ ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ગયા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટનો કકળાટ શાંત પડ્યો નથી. મોડી રાત સુધી ચાલેલા ડખા બાદ સવારે 5 વાગ્યે ઉમેદવારોને ફોન કરીને જાણ કરાઈ હતી. નરોડામાં જાહેર થયેલા ઉમેદવારની ટિકિટ રાતોરાત કાપીને બીજાને આપી દેવાઈ. ફોર્મ ભરવાની અંતિમ સમયમર્યાદા (બપોરે 3 વાગ્યા) નજીક હોવા છતાં કોંગ્રેસના અનેક ઉમેદવારો હજુ પણ અસમંજસમાં છે.

Ahmedabad માં ભાજપે કયા 36 ચહેરાઓને રિપીટ કર્યા?

નામ વોર્ડ
કેતન પટેલ ગોતા
રાજશ્રી પટેલ ચાંદલોડિયા
રીટાબેન પટેલ ચાંદખેડા
અંજુબેન શાહ સાબરમતી
ચેતન પટેલ સાબરમતી
ભાવિ પંચાલ રાણીપ
પ્રવીણ અંબાલાલ પટેલ ઘાટલોડિયા
હિતેશ બારોટ થલતેજ
દર્શન શાહ નારણપુરા
વિપુલ પટેલ નરોડા
વિનોદકુમારી ચૌધરી સૈજપુર બોઘા
અનસુયા પટેલ અસારવા
જશુભાઈ ઠાકોર શાહીબાગ
રેખા ચૌહાણ શાહપુર
આશા બ્રહ્મભટ્ટ નવરંગપુરા
દેવાંગ દાણી બોડકદેવ
ભારતી ગોહિલ જોધપુર
દિપક પંચાલ નિકોલ
વિલાસ દેસાઈ નિકોલ
મુકેશ પટેલ વિરાટનગર
સંગીતા પટેલ વિરાટ નગર
ભારતી વાણીયા સરસપુર રખિયાલ
પંકજ ભટ્ટ ખાડિયા
ચેતના પટેલ પાલડી
મેહુલ શાહ વાસણા
રાજેશ ઠાકોર વેજલપુર
પારુલ દવે વેજલપુર
નીતા દેસાઈ ઓઢવ
મીનુ ઠાકુર ઓઢવ
કૌશિક પટેલ ઇન્દ્રપુરી
પરેશ પટેલ વસ્ત્રાલ
કમલેશ પટેલ ખોખરા
મૌલિક પટેલ ઇસનપુર
ડો.ચાંદની પટેલ લાંભા
મૌલિક પટેલ રામોલ
દીપલ હાર્દિકકુમાર પટેલ સરદાર પટેલ સ્ટેડિયમ

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર