Gujarat Local Body Election 2026/ 15 મનપામાં ભાજપના પ્રચારના શ્રીગણેશ, અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે લેવડાવ્યો જનસેવા સંકલ્પ

ગુજરાતમાં 15 મહાનગરપાલિકામાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ. Ahmedabadના કાંકરિયા ખાતે CM ભૂપેન્દ્ર પટેલે 192 ઉમેદવારોને લેવડાવ્યો ‘જનસેવા સંકલ્પ’. ફોટો સેશન દરમિયાન મુખ્યમંત્રી નીચે બેસી જતા સાદગીની ચર્ચા

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad AMC Election

Ahmedabad AMC Election: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું (Local Body Elections) રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. રવિવારે, 12 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક અનોખી પહેલ સાથે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં એકસાથે ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે. ભાજપે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ યોજીને પોતાના તમામ ઉમેદવારોને પ્રજાની નિઃસ્વાર્થ સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા.

Ahmedabadમાં CM ભૂપેન્દ્ર પટેલની સાદગીએ જીત્યા દિલ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણી માટે કાંકરિયા ખાતે એક ભવ્ય ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમણે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ મનપાના તમામ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી ઉડીને આંખે વળગી હતી. સંકલ્પવિધિ બાદ જ્યારે ગ્રુપ ફોટો પડાવવાનો સમય આવ્યો, ત્યારે મુખ્યમંત્રી ઉમેદવારોની સાથે જમીન પર નીચે બેસી ગયા હતા અને ફોટો પડાવ્યો હતો. તેમની આ સાદગીની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

Ahmedabad AMC Election

ભેદભાવ વિના પ્રજાની સેવા કરવાનો સંકલ્પ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આ ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમેદવારોને તેમની મૂળભૂત ફરજો યાદ અપાવવાનો હતો. ભાજપના તમામ ઉમેદવારોએ એકસૂરે શપથ લીધા હતા કે તેઓ ચૂંટાયા બાદ કોઈપણ પ્રકારના નાત, જાત કે ધર્મના ભેદભાવ વિના માત્ર ને માત્ર પ્રજાના હિતમાં અને વિકાસ માટે કામ કરશે.

ગુજરાતમાં જામશે ચૂંટણીનો મહાસંગ્રામ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે એકસાથે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ટિકિટના ખેંચતાણ બાદ હવે ખરા અર્થમાં ચૂંટણી પ્રચારનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભાજપે સંકલ્પ કાર્યક્રમ થકી પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે, હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આનો સામનો કેવી રીતે કરે છે.


આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત

આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ