@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત તેમના પરિવારજનો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે રમણ પટેલ અને તેના પુત્ર મૌનાંગ તેમજ ભાઈ દશરથ પટેલ ઘરેલુ હિંસાના કેસમાં જેલમાં છે. ત્યારે થલતેજમા આવેલી 1000 ચોરસ મીટર જમીન ખોટા પાવરનાં આધારે લખાઇ તે પછી સરસ્વતી સમુદાય ખેતી સહકારી મંડળીના નામે જમીનનો દસ્તાવેજ કરી તે પછી આ જમીન અલગ-અલગ છ સહકારી મંડળીઓમાં ટ્રાન્સફર કરી હતી.
જોકે તે તમામ મંડળીઓ રદ થતાં આ જમીન સારંગા કો.ઓ હા.સોસાયટી જે રમણ પટેલનાં પરિવારનાં સભ્યોનાં નામે છે. તેમનાં નામે દસ્તાવેજ કરાવી દીધો હતો. જમીનના મુખ્ય માલીક ચંચળબેન બ્રહ્મભટ્ટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે થોડાક દિવસો પહેલા જ ઇન્કમટેક્સ વિભાગે પણ પોપ્યુલર બિલ્ડરના માલિકના ઘરે તેમજ તેમના ભાઈ અને ભત્રીજા ને ત્યાં દરોડા પાડયા હતા.
જેમાં અનેક રકમના બેનામી હિસાબો પણ ઈન્કમટેકસ વિભાગને મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. ત્યાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હાલમાં જેલમાં બંધ રમણ પટેલ અને દશરથ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે વસ્ત્રાપુર પોલીસ ધરપકડ કરશે. અને અન્ય પરિવારના સાત સભ્યો જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે તેઓને પણ પૂછપરછ કરી જે લોકો ગુનેગાર સાબિત થશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા કયા પ્રકારની કામગીરી કરાય છે.
