Gujarat Local Body Election 2026/ અમદાવાદ કોંગ્રેસમાં વિવાદ, શહેર પ્રમુખ સોનલ પટેલ પર ટિકિટ માટે 1 લાખ લેવાનો આરોપ

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ Sonal Patel વિવાદમાં સપડાયા છે. મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ ટિકિટના નામે 1 લાખ રૂપિયા લેવાનો અને છેતરપિંડી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Sonal Patel Congress Controversy

Sonal Patel Congress Controversy: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ વહેંચણીને લઈને ભડકો શરૂ થયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સામે પક્ષના જ એક મહિલા કાર્યકર્તાએ ટિકિટના નામે રૂપિયા લીધા હોવાના ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે. સરસપુર વોર્ડના મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે, ટિકિટ આપવાના બહાને તેમની પાસેથી ‘પાર્ટી ફંડ’ના નામે લાખોની માંગણી કરવામાં આવી હતી.

ઓલા કારમાં બેસીને ‘વહીવટ’ કર્યાનો આક્ષેપ

મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાના જણાવ્યા મુજબ, ટિકિટ મેળવવા માટે કુલ 4 લાખ રૂપિયાની વાતચીત થઈ હતી. આ પેટે સોનલબેન પટેલ તેમના ઘરની નજીક ઓલા (Ola) કારમાં આવ્યા હતા અને એડવાન્સ તરીકે 1 લાખ રૂપિયા રોકડા લીધા હતા. ભાવનાબેનનો આક્ષેપ છે કે, પૈસા લીધા બાદ સોનલ પટેલે તેમને ટિકિટ અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે તેમનું નામ ગાયબ હતું.

ફોન ઉઠાવવાનું બંધ કર્યું અને થઈ ઝપાઝપી

ભોગ બનનાર મહિલાનો આરોપ છે કે ટિકિટ ન મળતા જ્યારે તેમણે સોનલ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. ગતરોજ રખિયાલ-સરસપુર વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે જ્યારે સોનલ પટેલ આવ્યા હતા, ત્યારે નારાજ ભાવનાબેને તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

પક્ષમાં આંતરિક કલહ ચરમસીમાએ

ચૂંટણીના માહોલ વચ્ચે શહેર પ્રમુખ સ્તરના નેતા પર આવા આક્ષેપો થવાથી કોંગ્રેસની છબીને મોટું નુકસાન પહોંચ્યું છે. પક્ષના પાયાના કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે કે જો ટિકિટો આ રીતે ‘વેચાતી’ હોય તો વફાદાર કાર્યકરો ક્યાં જાય? એક તરફ કોંગ્રેસ સત્તામાં વાપસી માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારના આર્થિક લેતી-દેતીના વિવાદો પક્ષની નબળાઈ છતી કરી રહ્યા છે.

Sonal Patelનો પક્ષ શું છે?

આ ગંભીર આક્ષેપો અંગે સોનલ પટેલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, આ ઘટનાએ અમદાવાદના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે શું ખરેખર ટિકિટોના સોદા થઈ રહ્યા છે? હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી વિવાદને દબાવી દેવામાં આવશે.


આ પણ વાંચો: વાવથરાદમાં કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીનો ભાજપને ખુલ્લો પડકાર

આ પણ વાંચો: અરવલ્લીમાં મેઘરજ કોંગ્રેસમાં ફરીથી ભંગાણ સર્જાયુ

આ પણ વાંચો: પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ