Ahmedabad CTM Bridge News : અમદાવાદ શહેરમાં આપઘાતના પ્રયાસોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. સામાન્ય બાબતોમાં માનસિક તણાવમાં આવી લોકો આપઘાત કરી લે છે, ત્યારે ગઈકાલે (24 નવેમ્બર) મોડી રાત્રે CTM હાઈવેના બ્રિજ પર એક યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
CTM બ્રિજ પર યુવકનો આપઘાત પ્રયાસ,
પ્રાપ્ત માહિતી મુજબ, એક યુવક CTM બ્રિજની રેલીંગ પર ચડી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. યુવકની આ હરકત જોઈને બ્રિજ નીચે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને આશરે 10 મિનિટ સુધી યુવકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો.

NSUI કાર્યકર્તાઓએ હેમખેમ બચાવ્યો
આ દરમિયાન NSUIના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજી તેમણે તરત જ CTM બ્રિજ પર પહોંચી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. યુવક છલાંગ લગાવે તે પહેલાં જ એક કાર્યકર્તાએ તેનો શર્ટ પકડી લીધો હતો. યુવક શર્ટ કાઢીને પણ કૂદવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ NSUIના અન્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોની મદદથી અંતે યુવકને સુરક્ષિત રીતે બ્રિજની રેલીંગ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
પોલીસ પણ સ્થળ પર પહોંચી
યુવકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે અને પારિવારિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરવા આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકને વધુ કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
સમયસર NSUIના કાર્યકર્તાઓની સતર્કતા અને માનવતા ભરેલા પ્રયાસોથી એક કિંમતી જીવ બચી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
