Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ દ્વારા અંદાજે રૂ. 20,667 કરોડના ખર્ચે અમદાવાદના સરખેજથી ધોલેરા (Ahmedabad-Dholera)સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ-ધોલેરા (Ahmedabad-Dholera)સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત આયોજન કરવામાં આવેલા આ નવતર પ્રોજેક્ટની મહત્વપૂર્ણ વિકાસલક્ષી ભેટ ગુજરાતને આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરતો અને સ્વદેશી ટેકનોલોજી પર આધારિત ભારતીય રેલ્વેનો આ પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા SIR, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડનારો બહુ આયામી પ્રોજેક્ટ બનશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ (Semi High Speed Rail) પ્રોજેક્ટ ગુજરાતને મળવો એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનના વિઝનથી શરૂ થનારો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે. આ પ્રોજેક્ટ દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે, સેમી હાઈસ્પીડ રેલ (Semi High Speed Rail)ના તબક્કાવાર વિસ્તરણ માટે સંદર્ભ મોડેલ તરીકે કામ કરતા અગ્રણી પ્રોજેક્ટ તરીકે સેવા આપશે.
કેન્દ્ર સરકારે મંજૂર કરેલા આ પ્રોજેક્ટમાં સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
આ સૂચિત પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 134 કિમીનો વધારો કરશે. આ ઉપરાંત આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે તેનાથી અંદાજે 5 લાખ લોકોને તેનો લાભ મળશે.
એટલું જ નહિ, પર્યાવરણ અનુકૂળ અને ઊર્જા કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રોજેક્ટ ઇંધણની બચત થશે અને કાર્બન ઉત્સર્જન તેમજ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
