Ahmedabad Gomtipur Fire News: અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં અર્બન હેલ્થ સેન્ટર નજીક ફૂટપાથ પર પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓના જૂના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલની વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જોકે, આ આગ અકસ્માતે લાગી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને લગાડવામાં આવી છે, તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને અસમંજસ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને ન્યાયી તપાસની રજૂઆત કરવામાં આવી છે.
Gomtipurમાં વહેલી સવારે ભભૂકી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોમતીપુર ચાર રસ્તા પાસે આવેલા શાકમાર્કેટ અને અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે આ ઘટના બની હતી. અહીં ફૂટપાથ પર કેટલાક સામાન્ય અને ગરીબ પરિવારો જૂના કપડાંનો પથારો લગાવીને પોતાનો વેપાર ધંધો કરી પરિવારનું પેટ પાળે છે. આજે વહેલી સવારે અચાનક આ કપડાના મોટા જથ્થામાં અને ત્યાં ઉભેલી એક લારીમાં આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને આસપાસ રહેતા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જવાનોએ પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગરીબ વેપારીઓનો માલ બળીને ખાખ થઈ જતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અસામાજિક તત્વોનું કૃત્ય હોવાની આશંકા
આગની આ ઘટના બાદ સ્થાનિકો અને વેપારીઓમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સૂત્રોનું સ્પષ્ટપણે માનવું છે કે આ આગ અકસ્માતે નથી લાગી, પરંતુ કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ વહેલી સવારે આવીને જાણીજોઈને આગ લગાડી હોવાની પ્રબળ આશંકા છે. આ મામલે સત્ય બહાર લાવવા અને ગરીબ વેપારીઓને ન્યાય અપાવવા માટે સ્થાનિકો દ્વારા ગોમતીપુર પોલીસ મથકે પહોંચીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
