Ahmedabad News/ ગોતામાં લાલ બસ બની બેકાબૂ! એકસાથે 3 વાહનોને ઉડાવ્યા, CCTVમાં કેદ થાય દ્રશ્યો

અમદાવાદના ગોતામાં AMTS બસે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો છે. સ્કૂલવાન સહિત 3 વાહનોને ટક્કર મારી છે. સીસીટીવીમાં અકસ્માતની ભયાનકતા કેદ થઈ છે.

Top Stories Ahmedabad Gujarat
AMTS

Ahmedabad AMTS Bus Accident: અમદાવાદ શહેરમાં વધુ એકવાર લાલ બસ એટલે કે AMTS ના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. ગોતા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી AMTS બસે એકસાથે ત્રણ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સ્કૂલવાનની હાલત એવી થઈ ગઈ હતી કે તે બે વાહનો વચ્ચે સેન્ડવિચ બની ગઈ હોય તેમ જણાતું હતું.

AMTS

AMTSએ કેવી રીતે સર્જાયો અકસ્માત? (CCTV ફૂટેજ)

ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટર પાસે આવેલા ત્રણ રસ્તા નજીક આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ગ્રે કલરની કાર પસાર થતી હોવાથી સ્કૂલવાનનો ચાલક ઉભો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી AMTS બસે બ્રેક મારવાના બદલે સીધી જ વાનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાન આગળ ઉભેલા ટેમ્પો અને રિક્ષા સાથે અથડાઈ હતી.

AMTS

નસીબના બળિયા એક્ટિવા ચાલકનો આબાદ બચાવ

અકસ્માતના દ્રશ્યોમાં જોવા મળે છે કે ટક્કર વાગવાના માત્ર 10 સેકન્ડ પહેલા જ એક એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થવા જતો હતો. જોકે, તેણે સમયસૂચકતા વાપરી બ્રેક મારી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જો તે પસાર થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

બે લોકોને ઈજા, સદનસીબે બાળકો નહોતા

આ દુર્ઘટનામાં રિક્ષાચાલક અને સ્કૂલવાનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેમ્પોમાં બેસેલી એક વ્યક્તિ પણ અંદર ફંગોળાઈ હતી. સૌથી મોટી રાહતની વાત એ રહી કે સ્કૂલવાનમાં તે સમયે કોઈ બાળક સવાર નહોતું, અન્યથા મોટી હોનારત સર્જાઈ હોત.

AMTS

તંત્રની કડક કાર્યવાહી: ડ્રાઈવર સસ્પેન્ડ, ઓપરેટરને દંડ

ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. AMTS ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બસ ‘ચાર્ટર્ડ સ્પીડ બસ ઓપરેટર’ની હોવાનું ખુલ્યું છે, જેના પગલે બેદરકાર ડ્રાઈવરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત, બસ ઓપરેટર સામે કડક કાર્યવાહી કરતા ₹50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.


આ પણ વાંચો : જામનગર-રાજકોટ હાઇવે પર બસ, ઓક્સિજન ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, મુસાફરો સુરક્ષિત

આ પણ વાંચો : મુંબઈમાં અક્ષય કુમારની એસ્કોર્ટ કારનો અકસ્માત, ઓટો-રિક્ષા સાથે ટક્કર, બે ઘાયલ

આ પણ વાંચો : બનાસકાંઠામાં દૂધના ટેન્કર અને આઈસર વચ્ચે ભીષણ અકસ્માત, ચાલકનું કમકમાટીભર્યું મોત