Ahmedabad News: શહેરના નારોલ વિસ્તારમાં પીપળજ રોડ પર જૂની અદાવત રાખીને ચાર શખસોએ ભંગારના કારખાનામાંથી 23 વર્ષના યુવકનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપીઓએ ચાલુ રિક્ષામાં યુવકને છરી અને લોખંડના પંચથી માર માર્યો, બાદમાં સૂમસામ જગ્યાએ લઈ જઈ જમણા પગે કુહાડીના ઘા ઝીંક્યા. ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે અને નારોલ (Narol) પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabadના નારોલમાં યુુવકનું અપહરણ કર્યા બાદ માર માર્યો
પોલીસને મળેલી વિગતો મુજબ, ગણેશનગરમાં રહેતો આમીર સઈદ શેખ મુસ્તુફા શેખના ભંગારના કારખાનામાં મજૂરી કરે છે. 11 ઓક્ટોબરે બપોરે તે કારખાનામાં હતો ત્યારે અગાઉની બોલાચાલીની અદાવતમાં સજ્જુ ઉર્ફે શહેઝાદ પઠાણ, તેનો ભાઈ ગુલ્લુ, બનેવી સતીષ ઉર્ફે ગડા અને મુકેશ ત્યાં ધસી આવ્યા હતા. ચારેયે આમીરને બળજબરીથી સજ્જુની રિક્ષામાં બેસાડી દીધો.
આમીરે બૂમો પાડતાં સજ્જુએ તેના માથાના ડાબા ભાગે છરીના બે ઘા માર્યા, જ્યારે ગુલ્લુએ લોખંડના પંચથી શરીર અને હાથ પર પ્રહાર કર્યા. આરોપીઓ રિક્ષા દેવ હોટલ ચોકડીથી શાસ્ત્રી બ્રિજ તરફ લઈ ગયા અને મોં પર રૂમાલ બાંધી ગણેશનગર પાછળની અવાવરુ જગ્યાએ ફરી માર માર્યો.
પગમાં કુહાડીના ઘા, ફ્રેક્ચર
કોઈ જોઈ જશે તેવી શંકા જતાં આરોપીઓ રિક્ષા લઈને ગ્યાસપુર અને ગુલાબનગર થઈ પીપળજ APMC માર્કેટ પાછળ ઇન્દિરાનગર વિભાગ-2 નજીકની જંગલ જેવી જગ્યાએ પહોંચ્યા. ત્યાં સજ્જુએ રિક્ષામાંથી કુહાડી કાઢીને આમીરના જમણા પગના ઢીંચણ પર ઊંધા ત્રણ ઘા માર્યા. ગામલોકો એકઠા થતાં ચારેય રિક્ષા લઈને નાસી ગયા.
હોસ્પિટલમાં સારવાર, પોલીસ તપાસ
ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે એલ.જી. હોસ્પિટલ (LG Hospital) ખસેડાયો, જ્યાં જમણા પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા હોવાનું સામે આવ્યું. પોલીસે અપહરણ અને હુમલા સહિતની કલમો હેઠળ ચારેય સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓને પકડવા તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:‘અમારા સંતાનોને પાછા લાવો’ 3 ગુજરાતીઓના અપહરણથી પરિવારમાં ચિંતા
આ પણ વાંચો:બનાસકાંઠામાં 4 વર્ષના બાળકના અપહરણથી ખુલ્યું બાળ તસ્કરીનું નેટવર્ક
આ પણ વાંચો:મુશ્તાક ખાનનું અપહરણ;1 કરોડની ખંડણી, અઝાનથી બચી જાન!
