Banaskantha News: બનાસકાંઠામાં ચાર વર્ષના બાળકના અપહરણની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ધનપુરાથી ગુમ થયેલા બાળકને પોલીસે બે દિવસની જહેમત બાદ સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. તપાસમાં બાળકને વેચવાના પ્રયાસ સહિત અનેક બાળકોના સોદાની વિગતો સામે આવી છે.
CCTVથી મળી અપહરણકારની કારની કડી
બનાસકાંઠાના(Banaskantha) ધનપુરા વિસ્તારમાંથીબાળક ગુમ થયા બાદ વડગામ પોલીસે પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTV તપાસ દરમિયાન બાળકને સિલ્વર રંગની કારમાં લઈ જવામાં આવ્યું હોવાની કડી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમોએ દાંતા અને આસપાસના વિસ્તારોમાં CCTV, બસ સ્ટેશન, હોટલ અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી હતી. 8 એપ્રિલે પોલીસને બાતમી મળી હતી કે બાળકને દાંતા તાલુકાના કાંસા ગામના શૈલેષ ગમાર અને પાબુ ઉર્ફે બાબુ ભગોરાએ મેપડા ગામના એક ખેતરમાં રાખ્યું છે. પોલીસે સ્થળને ઘેરી કાર્યવાહી કરી બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એક સગીર પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.
10 રૂપિયાની નોટ આપી બાળકને કારમાં બેસાડ્યું
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે શૈલેષે રસ્તા પર વેદને તેના ભાઈ-બહેન સાથે જોયો હતો. તેણે બાળકને લલચાવી કારમાં બેસાડ્યો અને બાદમાં તેના કપડાં તથા વાળમાં ફેરફાર કર્યા હતા. ત્યારબાદ બાળકનો ફોટો મોકલી તેના વેચાણ માટે સોદો કરવાનો પ્રયાસ થયો હતો. તપાસ દરમિયાન બનાસકાંઠા(Banaskantha) પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ અગાઉ પણ નવજાત બાળકોના સોદામાં સંડોવાયેલા હતા. મહારાષ્ટ્રની એક મહિલાના નવજાત પુત્રને હૈદરાબાદમાં 1.80 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઉપરાંત બનાસકાંઠાના(Banaskantha) અન્ય નવજાત બાળકના વેચાણની વિગતો પણ તપાસમાં બહાર આવી છે.
અનેક રાજ્યો સુધી ફેલાયેલું નેટવર્ક
પોલીસના જણાવ્યા મુજબ, આ નેટવર્કના તાર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને દિલ્હી સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અનેક બાળકોના સોદા થયા હોવાની માહિતી મળી છે. હૈદરાબાદમાંકાર્યવાહી કરીને વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં તાંત્રિકવિધિના બહાને ધર્મપરિવર્તનનો આક્ષેપ, 4 સામે ફરિયાદ
આ પણ વાંચો:બનાસકાંઠામાં પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 13 પશુઓને પાંજરાપોળ મોકલાયા
આ પણ વાંચો:હાથમા ધ્વજ, પગમાં કાદવ; બનાસકાંઠાના રાણકપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય
