Gujarat News: વિદેશ જઈને અમેરિકામાં સ્થાયી થવાની આશા સાથે નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ લોકો ઈથોપિયામાં ફસાયા હોવાની અને તેમના અપહરણની ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ત્રણેયનો અચાનક સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ અજાણ્યા શખસે ફોન કરીને તેમને છોડાવવા માટે ₹1 કરોડની ખંડણીની માગણી કરી હતી.
આ ઘટનાને પગલે ત્રણેયના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. પરિવારજનો સરકારને ત્રણેયને સુરક્ષિત પરત લાવવા માટે મદદની અપીલ કરી રહ્યા છે. મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રણેય કેવી રીતે વિદેશ પહોંચ્યા?
મળતી માહિતી મુજબ, મહેસાણાના વડસ્મા ગામના 23 વર્ષીય ઋત્વિક શૈલેષભાઈ જનસારી, મહેસાણાની મૂળ વતની અને હાલ અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મમતા ચિરાગભાઈ ચાવડા તથા ગાંધીનગરની ગોપી નામની યુવતી એકબીજાના કૌટુંબિક સંબંધીઓ છે. ત્રણેય અમેરિકા પહોંચવા માટે સ્થાનિક એજન્ટની મદદથી વિદેશ જવા નીકળ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેમને કડીના ડાંગરવા ગામના એજન્ટ અલ્પેશ પંચાલ મારફતે આગળ મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે, ત્રણેયને રાજસ્થાનના જયપુરથી ફ્લાઇટ મારફતે અબુધાબી મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઈથોપિયાની રાજધાની એડીસ અબાબા પહોંચ્યા હતા.
ઈથોપિયામાં કેમ્પમાં રોકાયા હોવાનો દાવો
પરિવારજનો અને એજન્ટના જણાવ્યા મુજબ, ત્રણેય એડીસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા GSF કેમ્પમાં રોકાયા હતા. આ દરમિયાન તેમના માટે એક મહિનાના ઈ-વિઝાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો છે. પરિવારને શરૂઆતમાં ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેનેડાથી અમેરિકા જવા નીકળવાના હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક અચાનક બંધ થઈ ગયો હતો.
અચાનક આવ્યો ફોન અને ₹1 કરોડની ખંડણી માગવામાં આવી
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, સંપર્ક તૂટ્યા બાદ ‘ખાન’ નામના શખસે ફોન કરીને ત્રણેયને છોડાવવા માટે ₹1 કરોડની માગણી કરી હતી. આ ફોન બાદ પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી. એક તરફ ત્રણેય ક્યાં છે તેની ચોક્કસ માહિતી નહોતી અને બીજી તરફ મોટી રકમની માગણી કરવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે વિદેશ મોકલવા માટે તેઓ અગાઉ જ મોટી રકમ ચૂકવી ચૂક્યા છે અને હવે વધુ ખંડણીની રકમ ચૂકવવાની તેમની સ્થિતિ નથી.
પરિવારની સરકારને અપીલ- ‘અમારા સંતાનોને પાછા લાવો’
મમતાના પિતા કિરણભાઈએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે ત્રણેય એક જ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ, ત્રણેયને વિદેશ મોકલવા માટે એજન્ટને અંદાજે ₹70 લાખ ચૂકવવામાં આવ્યા હતા. પરિવારજનો હવે સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની પાસે વધુ રકમ ચૂકવવાની ક્ષમતા નથી અને સરકાર દરમિયાનગીરી કરીને ત્રણેયને સુરક્ષિત રીતે પરત લાવે.
એજન્ટનો દાવો- ‘₹60 લાખ ચૂકવી દીધા, છતાં વધુ ₹1 કરોડની માગ’
આ સમગ્ર મામલે ત્રણેયને વિદેશ મોકલનાર સ્થાનિક એજન્ટ અલ્પેશ પંચાલ પણ સામે આવ્યો છે. એજન્ટના જણાવ્યા પ્રમાણે, ત્રણેયને પહેલાં રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી જયપુર મારફતે અબુધાબી મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઈથોપિયા પહોંચ્યા હતા. એજન્ટે એવો પણ દાવો કર્યો છે કે શરૂઆતમાં ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાની માહિતી મળી હતી, પરંતુ બાદમાં તેઓ કેનેડા પહોંચ્યા જ ન હોવાનું જાણવા મળ્યું હતું. એજન્ટના જણાવ્યા પ્રમાણે, ઈથોપિયામાં તેમના અપહરણ બાદ ₹60 લાખની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં હવે વધુ ₹1 કરોડની માગણી કરવામાં આવી રહી છે. જોકે, અપહરણ કોણે કર્યું અને તેઓ હાલમાં ચોક્કસ ક્યાં છે તેની માહિતી મળી નથી.
અન્ય એક યુવકને પણ અપહરણ કરાયું હતું?
ઋત્વિકના કાકા રાકેશભાઈના જણાવ્યા પ્રમાણે, ત્રણેય સાથે કડીના વંશ નામના એક યુવકને પણ અપહરણ કરવામાં આવ્યો હોવાની માહિતી પરિવારને મળી હતી. પરિવારને જાણવા મળ્યું કે વંશને ત્રણેયના અપહરણના આશરે બે દિવસ પહેલાં કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પરિવાર દ્વારા રકમ ચૂકવવામાં આવતા તેને મુક્ત કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ માહિતી પણ પોલીસ તપાસનો ભાગ બની શકે છે.
મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણવાજોગ નોંધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે પોલીસ ત્રણેય વ્યક્તિઓનું ચોક્કસ લોકેશન, તેઓ ઈથોપિયા કેવી રીતે પહોંચ્યા, તેમની મુસાફરીમાં કયા એજન્ટો અથવા મધ્યસ્થીઓ સંકળાયેલા હતા અને ખંડણીની માગણી પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે.
આ સાથે વિદેશ મોકલવાના નામે પરિવાર પાસેથી લેવામાં આવેલી રકમ અને સમગ્ર ટ્રાવેલ રૂટની પણ તપાસ થવાની શક્યતા છે. ત્રણેયની સુરક્ષિત વાપસી હાલ પરિવાર માટે સૌથી મોટી ચિંતા છે. સમગ્ર ઘટનામાં અપહરણ અને ખંડણી અંગેના દાવાઓની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
આ પણ વાંચો:અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, પરિવાર પાસે ₹1 કરોડની ખંડણીની માંગ
આ પણ વાંચો:વિદેશમાં અપહરણનો વધુ એક કિસ્સો,જકાર્તામાં ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા
આ પણ વાંચો:મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ કરી બે કરોડની ખંડણી માંગી, પત્ની-દિકરીને અલગ રાખ્યા
