india news/ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલું સેક્શન ક્યારે શરૂ થશે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી

Ahmedabad-Mumbai Bullet Train: અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ સેક્શન આગામી વર્ષે શરૂ કરવામાં આવશે.

NATIONAL Top Stories

Ahmedabad-Mumbai Bullet Train: દેશની મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન( Ahmedabad-Mumbai Bullet Train) યોજના અંગે મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ સેક્શન આગામી વર્ષે શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે

હૈદરાબાદમાં એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet Train) સેવા શરૂ કરવા માટેના પ્રયાસો અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યા છે અને શરૂઆતના ભાગને તબક્કાવાર મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ બુલેટ(Ahmedabad-Mumbai Bullet Train) ટ્રેન કોરિડોર લગભગ 508 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને તબક્કાવાર શરૂ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં સુરતથી બિલીમોરા વચ્ચે સેવા શરૂ થયા બાદ અન્ય ભાગોને પણ ધીમે ધીમે કાર્યરત કરવામાં આવશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે સમગ્ર કોરિડોરને એકસાથે શરૂ કરવાને બદલે અલગ અલગ વિભાગોમાં શરૂ કરવામાં આવશે.

કયા ક્રમમાં શરૂ થશે બુલેટ ટ્રેન સેવા?

મંત્રીએ પ્રોજેક્ટના સંભવિત ક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે સુરત-બિલીમોરા બાદ વાપીથી સુરત, ત્યારબાદ વાપીથી અમદાવાદ, અમદાવાદથી થાણે અને અંતે અમદાવાદથી મુંબઈ સુધીની સંપૂર્ણ સેવા શરૂ કરવાની યોજના છે. આ સમગ્ર પ્રક્રિયા પ્રોજેક્ટના બાંધકામ અને તૈયારીઓની ગતિ પ્રમાણે આગળ વધશે.

હાઈસ્પીડ રેલથી ગુજરાતને મળશે મોટો ફાયદો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન(Ahmedabad-Mumbai Bullet Train) પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાઈસ્પીડ રેલ સેવા શરૂ થયા બાદ બંને રાજ્યો વચ્ચે મુસાફરીનો સમય ઘટશે અને વેપાર, ઉદ્યોગ તેમજ રોજગાર ક્ષેત્રે પણ નવા અવસર ઊભા થવાની શક્યતા છે.આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે હૈદરાબાદ માટે પણ ભવિષ્યની હાઈસ્પીડ રેલ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હૈદરાબાદને ત્રણ સંભવિત બુલેટ ટ્રેન કોરિડોર સાથે જોડવાની યોજના છે, જેમાં પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-ચેન્નાઈ અને હૈદરાબાદ-બેંગલુરુ રૂટનો સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ દેશભરમાં ચાલી રહેલા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઘણા સ્ટેશનો પર પુનર્વિકાસનું કામ ચાલી રહ્યું છે અને મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તે રીતે ટ્રેન સેવા ચાલુ રાખીને વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતની પરિવહન વ્યવસ્થામાં એક મોટો ફેરફાર લાવનારી યોજના માનવામાં આવે છે. હવે સુરત-બિલીમોરા વચ્ચેના પ્રથમ સેક્શનની શરૂઆતની રાહ જોવાઈ રહી છે.