Ahmedabad News/ અમદાવાદમાં જન્માષ્ટમીના મંડપ મુદ્દે બબાલ: ચપ્પુ-લાકડાના દંડાથી મારામારી, 4ની ધરપકડ

Ahmedabadના ઓઢવમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા બાબતે બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ચપ્પુ અને ડંડાનો ઉપયોગ થયો છે. પોલીસે સામસામી ફરિયાદ નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

Ahmedabad Odhav Janmashtami Mandap Clash: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી મહમદ કસાઈની ચાલીમાં જન્માષ્ટમીનો મંડપ બાંધવા મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગઈકાલે સાંજે અંદાજે 7 વાગ્યાના અરસામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન ચપ્પુ અને લાકડાના દંડાનો ઉપયોગ થતાં બંને પક્ષના કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ઓઢવ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સવારે થયેલા વિવાદ બાદ સાંજે ફરી થયો ઝઘડો

25 વર્ષીય અખિલેશ સંતરામ યાદવે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સવારે જન્માષ્ટમીના (Ahmedabad)મંડપને લઈને કૃણાલ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સાંજે અખિલેશ પોતાના ભાઈ અભિષેક, પિતા સંતરામ અને માતા સરોજબેન સાથે આ બાબતે પૂછપરછ કરવા ગયા હતા. ફરિયાદ મુજબ, તે સમયે કૃણાલ ઉર્ફે ચિન્ટુ, તુષાર ડાભી, નિખિલ નાડિયા અને મનોજસિંહ ગોહિલે તેમના પર હુમલો કર્યો હતો. અખિલેશના આરોપ મુજબ, કૃણાલે ચપ્પુ વડે તેના તથા પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો.

સામે પક્ષે પણ નોંધાવી ફરિયાદ

બીજી તરફ 23 વર્ષીય તુષાર કાન્તી ડાભીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, સવારના વિવાદની અદાવત રાખીને અખિલેશ, અભિષેક, સંતરામ અને સરોજબેન ત્યાં આવ્યા હતા અને કૃણાલ સાથે મારામારી કરી હતી. તુષારના જણાવ્યા મુજબ, વચ્ચે પડતાં અખિલેશે તુષાર, નિખિલ અને કૃણાલ (Ahmedabad)પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે અભિષેકે મનોજસિંહને લાકડાના દંડાથી માર માર્યો હોવાનો આરોપ છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, મારામારીનો વીડિયો વાયરલ

મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે શારદાબેન હોસ્પિટલ(Ahmedabad) લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મહિલાને લાકડાના દંડાથી માર મારવામાં આવતો જોવા મળે છે. પોલીસે વાયરલ થયેલા વીડિયો અને અન્ય ફૂટેજને તપાસમાં સામેલ કર્યા છે. બંને પક્ષની ફરિયાદોના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને મારામારીમાં કોણ-કોણ સામેલ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદ સરદારનગરમાં પૈસાની લેતીદેતીમાં મારામારી, યુવકના કપડાં ફાટ્યા; બંને પક્ષે ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદમાં કરોડોની કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા

આ પણ વાંચો: અમદાવાદના ગોમતીપુરમાં પાર્કિંગના ઝઘડામાં યુવકની હત્યા, છરી-તલવારથી હુમલા બાદ મોત