અમદાવાદના ઇસ્કોનમાં બુધવારની મોડી રાત થયેલા ગમખ્વાર અકસ્માતથી સમગ્ર શહેર અને ગુજરાત હચમચી ગયું છે.19 વર્ષીય નબીરાના લીધે માસૂમ 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના યુવાનોનો સમાવેશ થાય છે. આ દુખદ ઘટના બાદ મૃતકો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. બોટાદના કૃણાલ અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણને આજે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ વિદાય વખતે બંને પરિવાર શોકમાં ગરકાવ થઇ જોવા મળ્યો.
બોટાદમાં કૃણાલના અંતિમ સંસ્કાર
ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં બોટાદના ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. જેમાં કુણાલ કોડીયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો. અકસ્માતની રાતે કુણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આજે કુણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. કુણાલના બેન વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જયારે મારો વહાલો આવતો ત્યારે મને હગ કરીને મળતો હતો. તે કહેતો હતો કે, તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવા દઉં. મને રડાવીને જતો રહ્યો. તેણે મને કીધું હતું કે, રક્ષાબંધન ઉપર તને મળવા આવીશ. મારી રક્ષાબંધન ક્યાં ગઈ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઇ પરિવાર સાથે આવું ન થાય. પરંતુ હવે તેનો ભાઈ તેમની વચ્ચે રહ્યો નથી. જેનું હંમેશા માટે દુઃખ રહેશે. વૈશાલીએ કહ્યું કે, તેનો જન્મ દિવસ ગયો ત્યારે મેં તેને કીધું કે હું રક્ષાબંધન ઉપર તારી ગિફ્ટ આપીશ.
જશવંતસિંહ અંતિમ સંસ્કાર
જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ કે જે 1998 થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા. જશવંતસિંહ ચૌહાણ સારા વ્યક્તિ તરીકેની ગામમાં માન-મોભો જાળવેલ છે. જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. અકસ્માતમાં કારણે જ્યાં તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો વૃદ્ધ માતા-પિતાએ પણ ઘડપણનો સહારો ગુમાવ્યો છે.
અમદાવાદના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રિજ પર બુધવારે મોડી રાતે બે અકસ્માત સર્જાયા હતા. જેમાં પહેલા થાર કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગું થયું હતુ. આ ઉપરાંત પૂરપાટ સ્પીડમાં દોડતી જેગુઆર કાર આવી અને ત્યાં હાજર ટોળાને કચડી નાંખ્યું હતુ. આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચ લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. એક માતેલા સાંઢની જેમ આવતી આ કારનો ચાલક તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. આ તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપના દુષ્કર્મનો આરોપી છે.
આ પણ વાંચો:તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર
આ પણ વાંચો:રાજુલા નજીક ટ્રેનની અડફેટે આવતા સાવજનું મોત, એક સિંહ ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની કારમાં કોણ હતી યુવતી? બિલ્ડર પિતાની વાર્તા વાંચીને ચોંકી જશો
આ પણ વાંચો:રાહુલ ગાંધી માનહાનિનો કેસ, SCએ ગુજરાત સરકાર અને BJP ના પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ