Ahmedabad News/ અમદાવાદમાં 44 ડિગ્રી ગરમી છતાં સિગ્નલ ચાલુ, વાહનચાલકો ધોમધખતા તાપમાં શેકાયા

Ahmedabadમાં 44 ડિગ્રી ગરમી અને ઓરેન્જ એલર્ટ વચ્ચે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની તંત્રની જાહેરાત પોકળ સાબિત થઈ છે. નહેરુનગર અને પાંજરાપોળમાં સિગ્નલ ચાલુ રહેતા લોકો પરેશાન.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Traffic Signal Summer Rules

Ahmedabad Traffic Signal Summer Rules: સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે શહેરનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આવી ભીષણ ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે તંત્રએ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાતનો અમલ ન થતા અમદાવાદીઓ ધોમધખતા તાપમાં સિગ્નલ પર શેકાઈ રહ્યા છે.

તંત્રની જાહેરાત અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે અથવા તેનો સમય ઘટાડવામાં આવશે. પરંતુ વાસ્તવિકતામાં શહેરના અનેક વ્યસ્ત વિસ્તારોમાં સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે

Ahmedabad Traffic Signal Summer Rules

અમદાવાદના વ્યસ્ત વિસ્તારોમાં અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પણ સિગ્નલ ચાલુ રહેતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. નહેરુનગર, પાંજરાપોળ, અંજલી અને શિવરંજની જેવા વ્યસ્ત ચાર રસ્તાઓ પર બપોરે 12 થી 4 ના ધખધખતા તાપમાં પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ જોવા મળ્યા હતા. 44 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા રસ્તા પર 60 થી 90 સેકન્ડ સુધી સિગ્નલ પર ઊભા રહેવું વાહનચાલકો માટે કોઈ સજાથી ઓછું નથી.

હીટસ્ટ્રોકનો વધતો ખતરો

બપોરના સમયે સિગ્નલ પર લાંબો સમય ઊભા રહેવાને કારણે ટુ-વ્હીલર ચાલકોમાં હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનની શક્યતાઓ વધી ગઈ છે. ટ્રાફિક જંકશન પર ઉભેલા વાહનચાલકોમાં તંત્રની આ લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો જાહેરાત કરી હોય તો તેનો અમલ કેમ કરવામાં આવતો નથી?

Ahmedabad : વાહનચાલકોની ઉગ્ર માગ

અમદાવાદના જાગૃત નાગરિકો માગ કરી રહ્યા છે કે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન જે તે સિગ્નલના ટાઈમિંગ ઘટાડવામાં આવે અને જ્યાં ટ્રાફિક ઓછો હોય તેવા પોઈન્ટ્સ પર સિગ્નલ બ્લિંકિંગ મોડ પર રાખવામાં આવે. વધુમાં, નાગરિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા માત્ર સોશિયલ મીડિયા પર જાહેરાત કરવાને બદલે ગ્રાઉન્ડ પર તેનું કડકાઈથી પાલન કરવામાં આવે તે જરૂરી છે.

આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે, ત્યારે તંત્ર આ દિશામાં ક્યારે નક્કર પગલાં લેશે તે જોવાનું રહ્યું.


આ પણ વાંચો: અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર ગંદકી જણાય તો ગ્રાહકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ

આ પણ વાંચો: અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પરથી ઓનલાઇન ખરીદી કરતા બે લોકો છેતરાયા, ₹58 હજાર ગુમાવ્યા

આ પણ વાંચો:  અમદાવાદમાં ઇસ્કોન આંબલી રોડ પર દુર્ઘટના, કન્સ્ટ્રક્શન સાઇટ પર 2 શ્રમિકોના મોત