Aircraft Fire News: અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપમાં અચાનક આગ લાગતાં પાંચ જેટલા મુસાફરો દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે સ્થાનિક સમય અનુસાર જ્યોર્જિયાના એટલાન્ટાથી ટેક્સાસના ડલ્લાસ જઈ રહેલી ફ્લાઇટમાં આ ઘટના બની હતી. ફ્લાઇટમાં 130થી વધુ મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટના પાછળના કેબિનમાં એક લેપટોપમાંથી અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલને માહિતી આપી હતી. પાયલોટે જણાવ્યું હતું કે આગના કારણે લગભગ ચારથી પાંચ મુસાફરો દાઝ્યા હતા.
ક્રૂએ થર્મલ કન્ટેઈનમેન્ટ બેગથી આગ કાબૂમાં લીધી
આગ લાગતાની સાથે જ ફ્લાઇટ એટેન્ડન્ટ્સે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, ક્રૂએ થર્મલ કન્ટેઈનમેન્ટ બેગનો ઉપયોગ કરીને લેપટોપની આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત રીતે ડલ્લાસ-ફોર્ટ વર્થ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
ફ્લાઇટ સાંજે લગભગ 6:55 વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી અને સીધી ગેટ પર લઈ જવામાં આવી હતી. લેન્ડિંગ બાદ તબીબી ટીમો અને એરપોર્ટ ઇમરજન્સી કર્મચારીઓ તરત જ વિમાનમાં પહોંચ્યા હતા.
એક મુસાફરને ઘટનાસ્થળે સારવાર અપાઈ
પેરામેડિક્સે દાઝેલા મુસાફરોની તપાસ કરી હતી. એક મુસાફરને ઘટનાસ્થળે જ તબીબી સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેને રજા આપવામાં આવી હતી.
અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન એક મુસાફરે ડિવાઇસમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એરલાઇન્સે ક્રૂના ઝડપી અને વ્યાવસાયિક પ્રતિસાદની પ્રશંસા કરી હતી.
આ ઘટના બાદ ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન લેપટોપ અને અન્ય લિથિયમ બેટરીવાળા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: એર ઈન્ડિયા ફ્લાઇટમાં અચાનક ઝટકો, 17 મુસાફરો ઘાયલ; ગાંજા પીને પાયલોટ વિમાન ઉડાડી રહ્યો હતો
આ પણ વાંચો: સુરત એરપોર્ટના રનવે પર દેખાયો 3 ફૂટનો સાપ, ટેક-ઓફ પહેલાં પાયલોટે ફ્લાઇટ રોકી; VIDEO વાયરલ
આ પણ વાંચો: વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? જાણો અસલી કારણ
