Lifestyle: રેડ વાઇન (Red Wine) મુખ્યત્વે કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. વાઇનના વિશિષ્ટ રંગ, સ્વાદ અને સુગંધથી મન તરબતર બની જાય છે! આ દ્રાક્ષની છાલ સાથે આથવણ પ્રક્રિયા (Fermentation Process) થવાથી તમામ ગુણો ઉત્પન્ન થાય છે. તો ચાલો, હવે તમને ક્રિસમસના આ વિશેષ તહેવાર પર, ઘરે જ આલ્કોહોલ વિના (Alcohol-free) રેડ વાઇન બનાવવાની સરળ રેસિપી દર્શાવીશું….

ક્રિસમસના તહેવારે આલ્કોહોલ વિહીન રેડ વાઇન ઘરે બનાવો
નાતાલનો તહેવાર (Christmas Festival) હવે નજીક આવી રહ્યો છે. આ તહેવાર વૈશ્વિક રુપે (World Wide) મનાવવામાં આવે છે. સાન્તાક્લોઝ (Santa Claus)ની લોકપ્રિયતાને કારણે પણ આ તહેવાર દુનિયાભરમાં ઉજવાય છે. ક્રિસમસના આ વિશેષ તહેવાર પર, ખ્રિસ્તી સમુદાયના લોકો (Christian)ના ઘરે ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજનો બનતા જોવા મળે છે. મહેમાનો માટે કેકથી લઇને વાઇન સુધીની અનેક ડિશ તૈયાર કરવામાં આવે છે. મોટા ભાગના લોકો વાઇનમાં મિક્સ આલ્કોહોલના લીધે એને પીવાનું ટાળતા જોવા મળે છે. આલ્કોહોલ સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક છે અને ડૉક્ટરો અને આહાર વિશેષજ્ઞો પણ એનાથી અંતર રાખવાની સલાહ આપે છે. આલ્કોહોલના સેવનની સામાજીક અસરો પણ ઘણી ખરાબ જોવા મળે છે. પરંતુ, જો તમે તમારા તહેવારને રંગીન, મોજમસ્તીથી સભર બનાવવા માગતા હો અને એ પણ આલ્કોહોલયુક્ત વાઇનનું સેવન કર્યા વિના…તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. અહિં અમે તમને આલ્કોહોલ વિહીન વાઇનની સરળ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ…
શી રીતે બનાવશો રેડ વાઇન?
કાળી દ્રાક્ષ (Black Grapes)નો ઉપયોગ કરીને ઘરે રેડ વાઇન બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
કાળી દ્રાક્ષ 1 કિલોગ્રામ
ખાંડ 500 ગ્રામ
યીસ્ટ 5થી 10 ગ્રામ
પાણી 1.5 થી 2 લિટર
થોડા આખા મસાલા જેમ કે, તજ, લવિંગ અને ઇલાયચી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તાજી કાળી દ્રાક્ષ લઇને એની દાંડીઓ દૂર કરી દેવી. ત્યાર બાદ એમને પાણીથી સારી રીતે ધોઇ લેવી જેથી એમાંથી ધૂળ અને ગંદકી હોય તો એ દૂર થઇ જાય.
2. હવે આ દ્રાક્ષને છાલ સાથે જ છૂંદી લો જેથી એનો રસ બહાર આવે. દ્રાક્ષના બીજ તથા છાલ પણ એમાં રહેવા દેવા કારણ કે, રેડ વાઇનનો રંગ અને ટૅનિન આ છાલના કારણે જ નિખરે છે!
3. એક સ્વચ્છ અને સૂકવેલી બરણી કે કન્ટેનર લો. હવે છૂંદેલી દ્રાક્ષને એમાં ભરી દો. એમાં ખાંડ, યીસ્ટ (Sugar & Yeast) અને જો તમને જે ખડા મસાલા ગમતા હોય, જેમ કે તજ, લવિંગ, ઇલાયચી વગેરે…એમને મલમલના એક કપડામાં બાંધીને જારમાં નાખી દો.
4. હવે પાણીને ઉકાળીને તદ્દન ઠંડુ કરી લો અને આ જારમાં ઉમેરી દો. હવે એક સ્વચ્છ લાકડી કે વેલણ વડે આ તમામ સામગ્રીને સારી રીતે હલાવી લો.
5. હવે આ જારને મલમલના કપડા અથવા કોઇ ઢીલા ઢાંકણ વડે ઢાંકી દો. એને એરટાઇટ બંધ ન કરવું કારણ કે, જ્યારે આ મિશ્રણનું ફર્મેન્ટેશન અર્થાત્ મિશ્રણ અથાવાની પ્રક્રિયાનો આરંભ થશે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ (Carbon dioxide) ગૅસ નીકળશે જેને બહાર કાઢવો આવશ્યક છે.
6. આ જારને કોઇ ઠંડી અને અંધારી જગ્યાએ રાખી દેવો. પ્રથમ 5 થી 7 દિવસ સુધી મિશ્રણને 2 થી 3 વાર લાકડાના ચમચા કે વેલણ વડે હલાવવું. આને પુલ ડાઉન ધ કૅપ (Pull down the cap) કહેવાય છે. આમ કરવાથી દ્રાક્ષની છાલ રસના સંપર્કમાં રહે છે અને ફર્મેન્ટેશન સારી રીતે થાય છે.
7. આથવણની આ પ્રક્રિયા 10 થી 21 દિવસ સુધી ચાલે છે. જ્યારે એમાંથી પરપોટાં નીકળતા બંધ થઇ જાય અને દ્રાક્ષની છીલ નીચે તળિયે બેસી જાય ત્યારે સમજી લેવું કે ફર્મેન્ટેશન પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે.
8. આથવણ પ્રક્રિયા પૂરી થાય પછી તૈયાર થયેલા વાઇનને સ્વચ્છ કપડા કે સૂપની ગળણી વડે ગાળી લો. એમાંથી છાલ, બીજ અને મસાલા બધું દૂર થઇ જવું જોઇએ. આ તૈયાર વાઇનને પરિપકવ થવા માટે ઓછામાં ઓછા 1 થી 3 મહિના કે એથી પણ વધુ સમય લાગે છે. આ માટે વાઇનને એક કાચની બોટલ કે જારમાં ભરીને કોઇ ઠંડી અથવા અંધારી જગ્યાએ રાખવી. લાંબો સમય આ રીતે રાખવાથી વાઇનનો સ્વાદ ઓર બહેતર થતો જાય છે.
9. જ્યારે આ વાઇન પૂર્ણ પણે પીવા લાયક બની જાય ત્યારે એને એક ઘાટા રંગની બોટલોમાં ભરીને સીલ કરી દો. એનાથી પ્રકાશ અંદર પ્રવેશશે નહિં અને વાઇન સારી રહેશે.
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
