Lifestyle: હળદર…દરરોજ રસોડામાં વપરાતા આ મસાલાને હળવાશથી ન લેશો, આ એક શક્તિશાળી સુપર ફૂડ છે! આહાર નિષ્ણાત અર્થાત્ ન્યુટ્રિશનિસ્ટના મતે રોજ થોડીક હળદર (Turmeric)નું સેવન કરવાથી હાર્ટ, મગજ, સાંધા, પાચન અને રોગપ્રતિકારક શક્તિ બહેતર બને છે. હળદરમાં એક વિશેષ ઘટક રહેલું હોય છે જેનું નામ છે કર્ક્યુમિન (Curcumin), આ એક શક્તિશાળી કમ્પાઉન્ડ છે જે તમારા સ્વાસ્થ્ય (Health)ને ઘણા ફાયદા પહોંચાડી શકે છે.

આપણા સૌના ઘરમાં મીઠું (Salt) અને હળદર તો અવશ્ય જોવા મળશે જ કારણ આ બંને વિના રસોઇની કલ્પના કરવી પણ અશક્ય છે! કિચન મસાલા (Kitchen Spice) તરીકે વપરાતી હળદરથી ખોરાકની રંગત અને સ્વાદ જ નહિં પરંતુ ગુણ પણ નિખરે છે! સ્વાસ્થ્ય માટે આ કોઇ ખજાનાથી કમ નથી એ જ્ઞાન આપણે પરંપરાગત રીતે, નાનીમા અને દાદીમાના નુસખા સ્વરુપે, વારસામાં મેળવતા આવ્યા છીએ. દૂધ (Milk)માં હળદર મિક્સ કરીને પીવી, કોઇ ઘા પર ભભરાવવી અથવા માર વાગ્યો હોય તો મીઠા-હળદરનો લેપ લગાવવો…આ તમામ ઘરગથ્થું નુસખા (Home Remedies)માં હળદરનો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે. આની પાછળનું જાદુઇ તત્વ હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું ઘટક છે જે શરીરને ભીતરથી સ્વસ્થ કરવામાં સહાયક બને છે. ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist)ના મતે રોજ થોડીક હળદરનું સેવન કરવાથી હાર્ટ, મગજ, સાંધા, પાચન અને રોગપ્રતિકારક શક્તિ બહેતર બને છે. તો ચાલો હવે જાણીએ, હળદરના કેટલાક વિશેષ સ્વાસ્થ્ય લાભ, જેનાથી એને ‘સુપરફૂડ’ (Superfood)નું બિરુદ મળ્યું છે!

કોણે-કોણે હળદરનું સેવન ન કરવું?
મોટા ભાગના લોકો માટે હળદરનું સેવન કરવું સુરક્ષિત ગણાય છે પરંતુ, સગર્ભા સ્ત્રીઓ અને ધાવણી માતાઓ (Pregnant Woman, Breastfeeding Women) ઉપરાંત, જે વ્યક્તિઓને ગૉલબ્લેડર (Gallbladder)ની કે રક્ત સંબંધી કોઇ તકલીફ હોય તો, એનું આહારમાં અધિક સેવન કરતાં પહેલા ડૉક્ટર (Doctor)ની સલાહ લેવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, જે લોકો બ્લડ થીનર કે ડાયાબિટીસની દવાઓ લેતા હોય એમણે પણ હળદરના પ્રયોગો શરુ કરતાં પહેલા તબીબી સલાહ લેવી હિતાવહ છે.
હળદરના જાદુઇ ગુણો
1. કર્ક્યુમિનના જાદુઇ ફાયદા
હળદરમાં હાજર કર્ક્યુમિન ઘટક શરીરના સોજા (Swelling) ઓછા કરે છે અને મસલ્સ કે સાંધાની પીડા (Muscle Pain, Joints Pain)માં રાહત આપે છે. આ એન્ટિઑક્સિડન્ટ (Antioxidant) શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને વયવૃદ્ધિની (Aging) પ્રક્રિયા ને ધીમી કરે છે.
2. રોગ પ્રતિકારક શક્તિને બનાવે મજબૂત
હળદરનો પ્રયોગ માત્ર નાની-દાદીનો નુસખો જ નથી પણ વાસ્તવમાં એક હીલિંગ ડ્રિન્ક (Healing Drink) છે. તે ઇમ્યૂન સિસ્ટમ (Immune System)ને વધુ દ્રઢ બનાવે છે અને શરદી તથા ઉધરસ (Cold,Cough)થી પણ આપણું રક્ષણ કરે છે.

3. એન્ટિઑક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર
શરીરમાં બનતા ફ્રી રેડિકલ્સ સામે લડીને હળદર આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓના જાખમને પણ ઓછું કરે છે. સ્કિનને ચમકદાર બનાવવામાં પણ એ મોટો ભાગ ભજવે છે.
4. દિમાગને તેજ બનાવે
બ્રેઇન હૅલ્થ (Brain Health) માટે હળદર ફાયદાકારક છે. એના સેવનથી BDNF નામનું પ્રોટીન વધે છે જે યાદ શક્તિ અને શીખવાની ક્ષમતાને વધુ બહેતર બનાવે છે. અલ્ઝાઇમર (Alzheimer) જેવી બીમારીઓથી પણ આપણું રક્ષણ થાય છે.
5. પાચનને સુચારુ બનાવે
જો તમને પેટ ભારે-ભારે અથવા ફૂલેલું લાગ્યા કરતું હોય તો તમારે હળદરનું સેવન કરવું જોઇએ. એના એન્ટિઇન્ફ્લેમેટરી ગુણો સોજા ઓછા કરવાનું કામ કરે છે અને આંતરડાને આરામ મળે છે. આ માટે તમે નિત્ય આહારમાં હળદરનું સેવન કરી શકો છો કે પછી એક ગ્લાસ ગરમ પાણી કે દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પી શકો છો.

6. લિવરને ડિટૉક્સ કરે
લિવર અર્થાત્ યકૃત (Liver) આપણા શરીરની સફાઇ કરવાનું કાર્ય કરે છે. હળદરના સેવનથી એને આ કાર્યમાં મદદ મળે છે. એ લિવરનું ટૉક્સિન્સ (Toxins) એટલે કે વિષાર્ધ પદાર્થોથી રક્ષણ કરે છે તથા સુચારુ રીતે કાર્ય કરવામાં સહાયક બને છે. દરરોજ હળદરવાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભકારી હોઇ શકે છે.
7. કેન્સરના જોખમને ઘટાડે
સાયન્ટિફિક રિસર્ચ અનુસાર, કર્ક્યુમિન ઘટક કેન્સર સેલ્સની વૃદ્ધિ અને ફેલાવાને રોકી શકે છે. દરરોજના આહારમાં હળદરને સામેલ કરવાથી લાંબો સમય હૅલ્થ સારી રહે છે.

8. ત્વચાને નિખારે
તમને ખીલ કે ગૂમડાં થવાની સમસ્યા વધુ હોય તો હળદર તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે. એમાં બેક્ટેરિયા પ્રતિરોધી ગુણ હોય છે જેથી ખીલ (Pimples) તથા સ્કિન પરના ડાધા અને ઝાંય (Skin Spots)દૂર થાય છે. આ ઉપરાંત, હળદરના સેવનથી અને હળદરના ફેસ માસ્કથી તમારા ચહેરા પર નેચરલ ગ્લૉ (Glow) પણ આવી જાય છે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
