Patan News: પાટણ જિલ્લાના રાધનપુરમાં અનુસૂચિત જાતિ મંડળીની જમીનને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. પીડિત પક્ષે આશરે 80 વીઘા જમીન ગેરરીતિથી પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે જાણીતા બિલ્ડર ઝાકીર ગાંધી સામે અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તટસ્થ તપાસની માંગ ઉઠી છે.
બિલ્ડર સામે મંડળીની જમીન પચાવી પાડવાનો આક્ષેપ (Allegations of land grabbing)
આક્ષેપ મુજબ વર્ષ 1985થી આ જમીન અનુસૂચિત જાતિ મંડળીના નામે નોંધાયેલી છે. તેમ છતાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ જમીન પર ગેરકાયદેસર રીતે મિલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
પીડિત ખેડૂત વિરચંદ મકવાણાના જણાવ્યા અનુસાર જમીનના હક અંગે અવાજ ઉઠાવનાર ખેડૂતોને ધાકધમકી આપવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
સમગ્ર મામલે તટસ્થ તપાસની માગ
સમગ્ર મામલે પીડિત પક્ષે સંબંધિત સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. જો દસ્તાવેજોમાં કોઈ ગેરરીતિ અથવા જમીન હડપવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમરેલીમાં પોલીસે વિધવાને 9 વીઘા જમીન પરત અપાવી
આ પણ વાંચો:અરવલ્લીના પીપરાણા ગામમાં જમીન માપણી વિવાદ ઉગ્ર, ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
