Banaskantha News/ ‘બોલ માડી અંબે’ના નાદથી ગુંજી અંબાજીની ધરતી!

Ambaji Mahakumbh 2026: અંબાજીમાં ભાદરવી પૂનમ મહાકુંભમાં લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. અંબાજી તરફના માર્ગો જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓ માટે આરામ કક્ષ, 250 ટનનો AC ડોમ, ભોજન સેવા, પોલીસ સુરક્ષા અને રાઉન્ડ ધ ક્લોક સફાઈ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat Mantavya Vishesh
Ambaji Mahakumbh 2026: અંબાજી ભાદરવી પૂનમ મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર

Ambaji News: અંબાજીમાં ભક્તિનો મહાસાગર છલકાઈ (Ambaji Mahakumbh 2026) રહ્યો છે… ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થતાં જ ગુજરાતના રસ્તાઓથી લઈને અંબાજીના ધામ સુધી માત્ર એક જ ગુંજ સંભળાઈ રહી છે…‘બોલ માડી અંબે, જય જય અંબે’! દેશભરમાંથી લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે અને ભક્તોના સતત પ્રવાહથી મહેસાણા જિલ્લાના મુખ્ય માર્ગો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયા છે. ધજા અને સંઘ સાથે દૂરદૂરથી આવેલા માઈભક્તો અંબાજીની વાટે આગળ વધી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

તારીખ 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળામાં ભક્તોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહેસાણા એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે 210 વધારાની બસો ફાળવવામાં આવી છે અને કુલ 669 વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન છે. આ વ્યવસ્થા થકી એસટી વિભાગે અંદાજે 3 કરોડ 23 લાખ રૂપિયાની આવક થવાની આશા વ્યક્ત કરી છે.

Ambaji Mahakumbh 2026: લાખો માઈભક્તો મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે.

પરંતુ હજારો નહીં, લાખો ભક્તો પગપાળા અંબાજી પહોંચે ત્યારે થાક પણ સ્વાભાવિક છે… અને આ થાક ઉતારવા માટે મેળામાં ખાસ આરામ કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. મહામેળામાં 8 જર્મની ડોમ અને ડોરમેટરી પ્રકારના આરામ કક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યાં થાકેલા પદયાત્રીઓ થોડો સમય આરામ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે પણ આરામ કક્ષની મુલાકાત લઈને ત્યાં આરામ કરી રહેલા ભક્તો સાથે સંવાદ કર્યો અને દૂરદૂરથી આવેલા માઈભક્તોની પ્રતિક્રિયા જાણી. એટલે આ મહાકુંભમાં ભક્તિ સાથે ભક્તોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

બીજી તરફ બનાસકાંઠાના દાંતા ખાતે જય જલિયાણ કેમ્પનો 250 ટન ક્ષમતાવાળો એસી ડોમ પદયાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ધગધગતા તાપ વચ્ચે લાંબી પદયાત્રા કરીને આવતા ભક્તોને આ ઠંડકભર્યો ડોમ મોટી રાહત આપી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કેમ્પમાં માત્ર આરામ જ નહીં, પરંતુ વર્ષોથી ભોજન સેવા પણ આપવામાં આવે છે. ભક્તોને બે સમયનું ભોજન અને સાથે એસી ડોમની સુવિધા મળી રહી છે. એટલે રસ્તામાં થાકેલા માઈભક્તો માટે આ સેવા એક મોટા સહારા સમાન બની છે.

અંબાજી મંદિર પરિસરની વાત કરીએ તો અહીં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને માતાજીના દર્શન માટે લાંબી કતારો લાગી. ભક્તોના ઉત્સાહ વચ્ચે પોલીસ કર્મીઓ પણ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ભક્તોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. જય અંબેના નાદ વચ્ચે પોલીસની કામગીરીથી યાત્રિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અંબાજી તરફના રસ્તાઓ પર સતત વધતા ભક્તોના પ્રવાહને સંભાળવો તંત્ર માટે પણ મોટી જવાબદારી બની છે.

અને લાખો લોકો આવે ત્યાં સ્વચ્છતા જાળવવી પણ એટલી જ મોટી કસોટી છે… આ માટે ભાદરવી મહાકુંભમાં સફાઈ કર્મચારીઓ પણ સેવાયજ્ઞમાં રાઉન્ડ ધ ક્લોક જોડાયેલા છે. અંબાજીના માર્ગો અને મેળા વિસ્તારની સતત સફાઈ કરવામાં આવી રહી છે અને ક્યાંય ગંદકી ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. એક તરફ લાખો પગલાં મા અંબાના ધામ તરફ આગળ વધી રહ્યાં છે, અને હવે નજર આગામી દિવસો પર છે… કારણ કે ભાદરવી પૂનમનો આ મહામેળો જેમ જેમ આગળ વધશે, તેમ અંબાજીમાં ભક્તિનો આ પ્રવાહ વધુ ગાઢ બનશે. લાખો પગલાં એક જ દિશામાં…મા અંબાના ધામ તરફ… અને એક જ ગુંજ…‘બોલ મારી અંબે, જય જય અંબે!’


આ પણ વાંચો: ‘બાબરના અનુયાયીઓ’ કોણ? યોગીના એક નિવેદને કેમ મચાવી ચર્ચા?

આ પણ વાંચો: મોંઘવારીનો માર! રસોડાના બજેટમાં કેમ પડી રહ્યો છે મોટો ખાડો?

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલમાં ABVPનું ચેકિંગ, વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો