Ahmedabad Heritage Walk Renovation: વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની ઐતિહાસિક વિરાસતને વધુ ભવ્ય બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. શહેરના આઇકોનિક ‘હેરિટેજ વૉક’ રૂટને રૂ. 37.34 કરોડના ખર્ચે નવો ઓપ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રૂટની પરંપરાગત શૈલીને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ અને આકર્ષક રોશનીથી તેને સજાવવામાં આવશે.

2.25 કિમીના રૂટમાં શું પરિવર્તન આવશે?
અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જુમ્મા મસ્જિદ સુધીના ૨.૨૫ કિમી લાંબા રૂટનો હેરિટેજ થીમ આધારિત પુનઃવિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આખા રૂટ પર કડપ્પા સ્ટોન, ગ્રેનાઈટ કોબલ સ્ટોન અને બ્લોક પેવિંગની સાથે મુખ્ય જંકશન પર આકર્ષક ટેબલ-ટોપ ફ્લોરિંગ અને ડેકોરેટિવ લાઇટિંગ કરવામાં આવશે. વધુમાં, રૂટ પર ઐતિહાસિક વારસાને દર્શાવતા શિલ્પો અને સાઇનેજ બોર્ડ લગાવવામાં આવશે, તેમજ જૂના મકાનો અને પોળોના પ્રવેશદ્વારોને હેરિટેજ શૈલી મુજબ પેઇન્ટિંગ કરી પરંપરાગત રીતે વિકસાવવામાં આવશે.
ભૂગર્ભ સુવિધાઓનું પણ થશે અપગ્રેડેશન
માત્ર સુંદરતા જ નહીં, પરંતુ પાયાની સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવશે. રૂટની નીચે પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન તેમજ ટોરેન્ટ પાવર અને અદાણી ગેસની લાઇનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવશે.

ક્યારે શરૂ થશે અને કોણ કરશે કામ?
આ પ્રોજેક્ટની કામગીરી 1 મે, 2025 થી શરૂ થશે અને 30 એપ્રિલ, 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરી માટે ‘આદિત્ય ઈન્ફાબિલ્ડકોન પ્રા. લિમિટેડ’ ની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ‘મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ’ ને ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરાયા છે.
Heritage Walk પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદની હેરિટેજ વૉક જોવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાદ પર્યટકોને અમદાવાદની પોળો અને સ્થાપત્ય કલાનો વધુ સારો અનુભવ મળશે.
આ પણ વાંચો: AMCમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગંદા પાણી મુદ્દે વિપક્ષનો વિરોધ અને તંત્ર પર આકરા પ્રહાર
આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ
આ પણ વાંચો: કોર્પોરેશનની અણઘડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ ! AMC પર મ્યુનિ. કમિશનરની આકરી ઝાટકણી
