અમદાવાદ/ AMC-કલેકટર કચેરીની  હુંસાતુંસીમાં 22 વર્ષથી ટલ્લે ચડેલો ચંડોળાનો વિકાસ

સરકારી તંત્રો કેટલાં નિભંર અને બેદરકાર હોય છે, તેનો નમૂનો છે ચંડોળા તળાવ. 10 લાખ 96 હજાર ચો. મીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલ તળાવનો વિકાસ છેલ્લા 22 વર્ષથી AMC અને કલેકટર કચેરીની હુંસાતુંસીમાં ફસાયેલો છે.વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નનો જવાબ પણ એવો જ હતો. હવે તો સરકાર પોતે રસ લે તો જ 1100 કરોડની કિંમતી જમીન દબાણ થતાં બચી શકશે!

Mantavya Exclusive
હુંસાતુંસીમાં

@પ્રફુલ્લ ત્રિવેદી 

કાંકરિયા કરતાં ત્રણઘણું 10 લાખ 96 હજાર ચો. મીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું ચંડોળા તળાવ છેલ્લા 22 કરતાં વધુ વર્ષોથી વિકાસની રાહ જોય રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની હુંસાતુંસીમાં 1100 કરોડ કરતાં વધુ કિંમતની જમીનમાં ચારે તરફથી દબાણો થઈ રહ્યા છે. પાંચ વર્ષ પછી વિકાસનો નિર્ણય લેવાશે તો હજારો દબાણકર્તાઓને કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપી શકશે તેવો વિકટ પ્રશ્ન ઊભો થવાનો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવાયું છે કે, દાણીલીમડા ટીપી 37 ના ફાઇનલ પ્લોટ નંબર 1માં આવેલ ચંડોળા તળાવ જિલ્લા કલેકટર હસ્તક છે. કલેકટરના તા.21/08/2215 ના હુકમમાં રહેલી વીસંગતતા દૂર કરવા મ્યુનિ. એ તા. 23/09/2020, તા.11/12/2020 અને  તા.05/08/2021 ના રોજ પત્રો લખ્યા છે, પણ કલેકટર દ્વારા સ્પષ્ટતા કરાઇ નથી. એ થશે ત્યારે પ્રશ્ન હલ થશે. મ્યુનિ.ના લગભગ તમામ વર્ષના બજેટમાં ચંડોળા તળાવના વિકાસની ગુલબાંગો પોકારવામાં આવે છે, પણ મ્યુનિ. અધિકારીઓ લખાપટ્ટી કર્યા વગર અમદાવાદના જ બીજા છેડે આવેલી કલેકટર કચેરીના અધિકારીઓ સાથે સામસામે બેઠક કરી નિર્ણય લઈ શકતા નથી. જેના કારણે તળાવની પાળે રોજેરોજ દબાણો વધી રહ્યા છે. જેને નિયંત્રિત કરવાનું પણ વિચારતા નથી તળાવને નર્મદાના પાણીથી ભરવાની એક વખત જાહેરાત થઈ પણ તે અવ્યવહારુ તુક્કો લાંબો ચાલ્યો ન હતો.

હુંસાતુંસીના મૂળ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, 2000 ના વર્ષમાં કલેકટર કચેરીએ મ્યુનિ.ને તળાવનો કબ્જો સોંપવા હુકમ કર્યો હતો. તેમાં બે શરતો હતી. (1)દબાણો સાથે કબ્જો સોંપાશે (2) મ્યુનિ. તેમાં કોઈ એક્ટિવિટી નહીં કરી શકે. એટલે કે વિકાસ નહીં કરી શકે. આ ‘એક્ટિવિટી નહીં કરી’ શકે માંથી ‘એક્ટિવિટી કરી શકશે’ તેવા બે શબ્દો સુધરવા 22 વર્ષનો લાંબો સમય પસાર થયો છે. છતાં હજુ સુધર્યા નથી.

આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે સરકારે ચંડોળા તળાવના વિકાસ માટે મ્યુનિ.ને સોંપવાની જાહેરાત કરી હતી. આ માટે પ્રાથમિક 100 કરોડની રકમ મંજૂર કરી હતી અને 10 કરોડ તો આપ્યા પણ હતા. તેમ એક અધિકારીએ જણાવ્યું છે. મ્યુનિ અધિકારીને શૈલેષ પરમારના પ્રશ્ન અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન દર વખતે વિધાનસભામાં પૂછાય છે, જવાબ અપાય છે અને પછી સરકાર પણ ભૂલી જાય છે. સરકારનું શહેરી વિકાસ ખાતું આ દિશામાં પગલાં લે તો જ પ્રશ્ન ઊકલી શકે તેમ છે, બાકી બદલાતા કેલેન્ડર જેમ હુંસાતુંસીમાં વર્ષો ઉમેરતા રહેશે!

આ પણ વાંચો : અમેરલીના ડુંગરાળ વિસ્તારમાં લાગી આગ, વનવિભાગ બન્યું સતર્ક

આ પણ વાંચો :સુરતના કતારગામમાં સ્લેબ ધરાશાયી, 2 લોકોના મોત

આ પણ વાંચો : જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ

આ પણ વાંચો :સુરતમાં આટલા TBના દર્દીઓને CR પાટીલે લીધા દત્તક, આ રીતે કરશે મદદ