Amreli News/ વિદ્યાર્થિનીઓની છેડતી કાંડમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉઠયા વિરોધના સૂર, CCTV ફૂટેજ આવ્યા સામે..

અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતીના આક્ષેપો. આબુ પ્રવાસના CCTV ફૂટેજ આવ્યા સામે. ABVP દ્વારા અમરેલીમાં ઉગ્ર દેખાવો અને રામધૂન.

Gujarat Others Trending
CCTV

Girish Bhimani Amreli Vidyasabha Case CCTV: અમરેલીની પ્રતિષ્ઠિત વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થિનીઓની છેડતીના આક્ષેપોએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે 16મી જાન્યુઆરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ કેમ્પસનો ઘેરાવ કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સંગઠન દ્વારા આબુ પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાના કથિત CCTV ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા.

CCTV

શું છે આબુ પ્રવાસનો વિવાદ?

મળતી વિગતો અનુસાર, વિદ્યાસભા કોલેજની વિદ્યાર્થિનીઓ જ્યારે માઉન્ટ આબુના પ્રવાસે ગઈ હતી, ત્યારે પૂર્વ નિયામક ગિરીશ ભીમાણીએ ત્યાં પહોંચી વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તન અને છેડતી કરી હોવાનો આક્ષેપ ABVPએ લગાવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા 13મી જાન્યુઆરીએ જ સંકુલ દ્વારા ભીમાણીને તમામ પદો પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. અગાઉ રાજકોટમાં પણ NSUI દ્વારા આ મામલે વિરોધ કરી તેમનું મોં કાળું કરવામાં આવ્યું હતું.

CCTV ફૂટેજ વાયરલ અને પોલીસની કામગીરી પર સવાલ

ABVPએ આજે આબુની હોટલ કે જે-તે સ્થળના CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સંગઠનનો આરોપ છે કે અમરેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી છે અને પીડિતોને આબુ ખાતે ફરિયાદ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ માંગ કરી છે કે આરોપી ભીમાણી સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને ફરિયાદ ન લેનાર પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવામાં આવે.

CCTV

કેમ્પસમાં રામધૂન અને આંદોલનની ચીમકી

વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ‘ગિરીશ ભીમાણી હાય હાય’ ના નારા લગાવ્યા હતા અને કેમ્પસમાં રામધૂન બોલાવી નૈતિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પીડિત વિદ્યાર્થિની સત્તાવાર ફરિયાદ નોંધાવવા સામે આવી નથી. જો કોઈ પીડિતા ફરિયાદ આપશે તો તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર અમરેલીમાં ચકચાર મચી ગઈ છે.



આ પણ વાંચો: અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,ગજેરા સંકુલ વિવાદમાં નિયામક ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી

આ પણ વાંચો: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌંભાડ

આ પણ વાંચો: સુરતમાં ABVPના કાર્યકરોનું વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન