સ્મરણ/ અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે, સતત એક મહિનો એટલે કે 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઊજવાશે

Trending Dharma & Bhakti
PramukhSwami Maharaj

Pramukhswami Maharaj: ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15 ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. સતત એક મહિનો એટલે કે 15 જાન્યુઆરી 2023 સુધી ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. જેમાં સમાજના તમામ સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પણ કરવા આ મહોત્સવમાં આવશે.  ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝાંખી અને સેવાકાર્યોનો પરિચય…

શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj) સદાય બીજા માટે વિચારવું, જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું તેનું બીજું નામ એટલે પ્રમુથસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરૂપરંપરાના આ પાંચમા ગુરૂદેવનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં તા. 7 ડિસેમ્બર, 1921ના રોજ ગુજરાતના વડોદરા પાસે આવેલા ચાણસદ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું, જેવુ નામ તેવા જ ગુણ બાળપણથી જ તેમનામાં હતા. શાંતિ એમના વ્યક્તિત્વનો પરિચય હતો. બાલ્યકાળથી જ તેમને હિમાલયમાં જઈને આધ્યાત્મિક સાધના કરવાની લગની હતી.

શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું

t 1940 diksha અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરૂદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઇને ઇસ. 1940માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામિ બન્યા. સ્વભાવ પ્રમાણે જન્મજાતથી જ તેમનામાં વિનમ્રતા, અહિર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિઃસ્વાર્થ ભાવનાના હતી જેના કારણે તેઓ સૌના પ્રિય બન્યા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખનું ઉપનામ તેમને મળ્યું. બસ ત્યારથી જ તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકોના સ્વામિબાપા બની ગયા. ઇસ. 1971માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરૂપદે બિરાજમાન થયા ત્યારથી અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા અને અગણીત લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓનું સિંચન કર્યું.

વિશ્વભરમાં શાંતીનો સંદેશો ફેલાવ્યો

‘બીજાના ભલામાં આપણું જ ભલું છે..!’  આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા. લોકસેવા માટે જીવનભર પરિવ્રાજક રહીને પ્રમુખસ્વામી મહારાજે અવિરત 17000થી વધુ ગામડાંઓ, નગરોમાં ફરતા રહ્યાં, અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિકધામ ઉપરાંત વિશ્વભરમાં 1100થી વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. 2,50,000થી વધુ ઘરોની મુલાકાત, 7,00,000થી વધુ પત્રોનું લેખન, કરોડો લોકોની વ્યક્તિગત મુલાકાત કરી જગતભરમાં શાંતીનો સંદેશો ફેલાવ્યો છે.

પ્રથમ વખત જન્મજયંતિ મહોત્સવની ઉજવણી

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ની સર્વ પ્રથમ વખત 48મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી. ત્યાર પછી તેમણે ભક્તોને આજ્ઞા કરી હતી કે દર વર્ષે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવેય સાધુ-સંતો અને ભક્તો આજ દીન સુધી યોગીબાપાની આજ્ઞાનું પાલન કરતા આવ્યા છે.

ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભોને મજબૂત કર્યા

ભેદભાવોથી પર વાત્સલ્યમૂર્તિ સંત પ્રમુખસ્વામી મહારાજે (Pramukhswami Maharaj) બાળકો-યુવાનો અને વૃદ્ધો, સાક્ષરો, નિરક્ષરો, દલિતો-આદિવાસીઓ કે દેશ-વિદેશના ધુરંધરો સૌ કોઇને સમાનતાથી પ્રેમ કર્યો છે. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સૂત્રધાર સ્વામીશ્રીએ કઠિન પુરુષાર્થ અને નિઃસ્વાર્થ પ્રેમ દ્ધારા એક વિરાટ ચારિત્ર્યવાન યુવાસમાજ તૈયાર કર્યો છે અને તેને રચનાત્મક માર્ગે વાળ્યો છે. ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે. શાસ્ત્ર, મંદિર અને સંત. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યુ છે. સુશિક્ષિત નવયુવાનોને વીતરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગશ્રમના પથ પર પ્રયાણ કરાવીને પ્રમુખસ્વામી મહારાજે 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ આપી છે.

અનેક શિક્ષણ સંકુલોની સ્થાપના

Pramukh Swami speaking with you અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

શિક્ષણ માત્ર જીવનનિર્વાહની જ નહીં પરંતુ જીવન ઉદ્ધારની પણ તાલીમ બની રહે તે હેતુસર સ્વામીશ્રીએ સંસ્કાર અને શિક્ષણના સંગમસમાં અનેક શિક્ષણ સંકુલોની સ્થાપના કરી. આદિવાસી ક્ષેત્રોમાં છાત્રાલયોથી લઇને ઇંગ્લેન્ડ સુધી અનેક નગરોમાં સંસ્કારયુક્ત શિક્ષણ આપતા બીએપીએસ છાત્રાલયો, બીએપીએસ શાળા સંકુલ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો, શૈક્ષણિક તાલીમ કેન્દ્રો વગેરેની સ્થાપના કરીને લાખો વિદ્યાર્થિઓની કારકિર્દી ઉજાળી છે. એટલું જ નહીં તેમને વિશ્વના એક ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા પણ આપી. પવિત્ર સમાજના નિર્માણમાં પ્રમુખસ્વામી મહારાજે રચેલી શિક્ષણ સંસ્થાઓનું પ્રદાન અતિ મહત્વનું અને નોધપાત્ર બની રહ્યું છે.

અવરિત ચાલી રહેલી સેવાકીય પ્રવૃતિ

દુષ્કાળ હોય કે પછી અતિવૃષ્ટિ, સુનામી હોય કે ભૂકંપ, દીન-દુખિયાઓ અને જરૂરીયાતમંદ લોકો પ્રત્યે હંમેશા કરુણાભાવ રાખી પ્રમુખસ્વામી મહારાજે (Pramukhswami Maharaj) અનેક પાકૃતિક આપત્તિઓમાં વિરાટ સ્તરે રાહત-સેવાઓનો હાથ લંબાવીને લાખો આપત્તિગ્રસ્તોને હૂંફ અને સહારો આપ્યો છે. ઓરિસ્સા અને તામિલનાડુથી લઇને મહારાષ્ટ્ર, ગુજરાતની કુદરતી આપત્તિઓ, નેપાળ, આફ્રિકા કે જાપનાની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે સતત વહાવ્યો છે. અનેક ગામો દત્તક લઇને તેનું પુનઃનિર્માણ કરીને, સ્વામીબાપાએ તે ગામોને નવું જીવન આપ્યું છે. અનેક આપત્તિગ્રસ્ત ગામોમાં શાળાઓ, વારિગૃહ, દવાખાનાઓ જેવી સામુહિક સેવા-સુવિધાઓનું પુનઃનિર્માણ કરવાનું કાર્ય પણ પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. સ્વામીબાપા જેવા નિઃસ્વાર્થ સમર્પિત અને પ્રબુદ્ધ સંતની પ્રેરણાને કારણે લાખો પરિવારનાં જીવનમાં નવી રોશનીનો અજવાસ ફેલાયો છે. અને આજે પણ તેમની પ્રેરણાથી અને મહંત સ્વામી મહારાજના આર્શિવાદથી બીએપીએસ સંસ્થા અવરિત સેવા કરી રહી છે.

વ્યનમુક્ત સમાજનું અભિયાન

pramukhswami with adivasi 03 અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

વ્યસ આજના વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ત્યારે વ્યસ મુક્તિનું ખુબ મોટુ અભિયાન પ્રમુખસ્વામી મહારાજે શરૂ કર્યુ હતું. તેમણે હજારો લોકોની વ્યક્તિગત મુલાકાત કરી તેમને વ્યસનમુક્ત કર્યા છે. એટલુ જ નહીં વિરાટ પાયે વ્યસનમુક્તિ યજ્ઞો, પ્રદર્શનો, કાર્યક્રમો દ્ધારા માનવજાતને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો છે. બીએપીએસ બાળ, યુવા પ્રવૃતિ દ્ધારા લાખો બાળકો-યુવાનોને વ્યસનમુક્ત જીવનની પ્રેરણા આપીને તેમણે એ બાળ-યુવાનો દ્ધારા શાળા-કોલેજોમાં મોટા પાયે વ્યસનમુક્તિનું અભિયાન ચલાવ્યું છે.

પારિવારિક સમસ્યાઓનું સમાધાન-ઘરસભા

વિભક્ત પરિવાર, પારિવારિક કલેશ જેવી અનેક સમસ્યાઓનું સમાધાન પણ પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) આપ્યું છે. પારિવારિક મૂલ્યોના જતન માટે તેમણે ઘરસભાની મૌલિક અને અદભુત પરંપરાનું સિંચન કર્યું. પરિવારની વૈશ્વિક સમસ્યાઓ સામે પ્રમુખસ્વામી મહારાજનું આ યોગદાન એક અણમોલ ક્રાંતિ સર્જી છે. ઘરસભા દ્ધારા તેઓ પરિવારના બધા જ સભ્યોને સાથે મળીને પ્રાર્થના અને સહભોજન કરવા માટેની પ્રેરણા આપી. જેના કારણે નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. નવી પેઢી પોતાની પરંપરા અને નૈતિક મૂલ્યોને આત્મસાત્ કરે છે. વડીલોને પણ પોતાની નવી પેઢીને સમજવાની તક મળે છે. તેનાથી બે પેઢી વચ્ચેનું અંતર ઘટે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર ત્યાગ, સહકાર, વિશ્વાસ અને એકતાની વૃદ્ધિ થાય છે. ઘરસભાના માધ્યમથી સ્વામીબાપાએ હજારો પરિવારમાં ચાલતા વિવાદોનો અંત આણ્યો છે.

નવી પેઢીના જીવનઘડતરમાં અમુલ્ય પ્રદાન

pramukhswami with kids on stage અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

તાલીમબદ્ધ સ્વયંસેવકોની હારમાળા દ્ધારા દેશ-વિદેશમાં સાત હજાર કરતાં વધુ કેન્દ્રોમાં બાળ-બાલિકાઓને નિઃશુલ્ક સંસ્કાર-શિક્ષણ આપતી બાળપ્રવૃત્તિ વિકસાવીને પ્રમુખસ્વામી મહારાજે નવી પેઢીના જીવનઘડતરમાં અમુલ્ય પ્રદાન આપ્યું છે. સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થય, કલા, કૌશ્લ્ય અને આધ્યાત્મ  પાંચ ક્ષેત્રોમાં બાળકોના જતન માટે સ્વામીબાપાએ બાળક્લયાણનો એક મહાન યજ્ઞ આદર્યો. પ્રતિ વર્ષે લાખો બાળકોના વર્તમાનને સુંદર રીતે ઘડવાની અને ભવિષ્યને ઉજ્જવળ બનાવતી આ બાળ પ્રવૃતિથકી પોતાના જીવનને ચેતવંતી બનાવનારા લાખો બાળકો આજે સિદ્ધિઓના શિખરે બેસીને પ્રમુખસ્વામી મહારાજને કૃતજ્ઞતાથી નમન કરે છે.

વિશ્વની આઠમી અજાયબી-અક્ષરધામ

ગાંધીનગર અને નવી દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજે (Pramukhswami Maharaj) સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરો, ભારતીય સંસ્કૃતિના સીમાચિન્હ બની ગયાં છે. ભારતનાં પવિત્ર મૂલ્યો, પ્રદાનો, મહાન આત્માઓ, વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ છે-અક્ષરધામ. ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિમાં સ્વામીબાપાએ રચેલાં આ સાંસ્કૃતિક પરિસરોએ વિશ્વની આઠમી અજાયબી તરીકે અસંખ્ય લોકોનાં દિલમાં સ્થાન લઇ લીધું છે. પ્રતિ વર્ષે વિશ્વભરના લાખો દર્શનાર્થીઓને પવિત્ર પ્રેરણા આપતા આ પરિસરોના અણમોલ પ્રદાન માટે આવનારી પેઢો પ્રમુખસ્વામી મહારાજની સદાય ઋણી રહેશે.

વિરક્ત આધ્યાત્મિક મહાપુરુષ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકો સુધી સતત કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપત્તિઓના સમયમાં માનવને બેઠા કરવાનું અને શાંતિના સમયમાં માનવને મજબૂત કરવાનું કાર્ય સ્વામીબાપાએ અહર્નિશ કરતા રહ્યા છે. નાત-જાત, ઉંચ-નીચ, ધર્મ, દેશ-વિદેશના ભેદભાવો વગર સમસ્ત માનવજાતની સેવા માટે સ્વામીબાપાએ જીવનની પળેપળ વિતાવી છે.

બોલે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે

51 અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

પ્રમુખસ્વામી મહારાજ એવા વિરલ ગુરુ છે જેઓ ઘણું ઓછું બોલતા, પરંતુ જ્યારે પણ બોલે ત્યારે શબ્દોમાંથી સરતાં શાશ્વત સત્યોમાં માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય અનુભવાય. નહીં શબ્દોમાં આડંબરા કે નહીં કોઇ ઝાકમઝમાળ, કે નહીં પોતાના અસ્તિવની સભાનતા. માટે જ સ્વામીબાપા જ્યારે પણ બોલે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે. પરમાત્મામય સ્વામીબાપાની ધીર, ગંભીર અને નદીના શાંત પ્રવાહની જેમ વહેતી વાણીમાં અનુભવનું ઊંડાણ છે. માટે વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યા છે. અનેકની ક્ષુલ્લકતાને મહાનતામાં પરિણમી છે, હતાશ લોકોનાં જીવનમાં શ્રદ્ધાનો અજવાશ પાથર્યો છે. હજારો લોકોના જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે. તો અનેકના અહંકારને પરમાત્માના દિવ્ય આનંદ માણવાનું સદભાગ્ય અર્પ્યું છે. તેમની અનુભવપૂત વાણીમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે આધ્યાત્મિક વિષયો ઉપરાંત બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રધર્મ, ઘરસભા, વાણીવિવેક જેવા રોજબરોજના જીવન વ્યવહારનાં મહત્વનાં પાસાઓ પર પણ અદભૂત માર્ગદર્શન છે.

પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન જ બોધપાઠ છે. આજે વિશ્વફલક પર તેમના નામનો જય જયકાર થઇ રહ્યો છે. અમદાવાદના પ્રાંગણમાં વિશ્વભરમાંથી શતાબ્દી મોહત્સવ ઉજવવા આવેલા હરીભક્તો તેનું ઉમદા ઉદાહરણ છે.

પ્રમુખસ્વામી મહારાજની જીવનરેખાનાં અવિસ્મરણીય વૃતાંત (Pramukhswami Maharaj)

Pramukh swami hd wallpapers 02 અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

તા.7/12/1921: માગશર સુદ 8,બુધવાર, સં.1978ના પવિત્ર દિવસે ચાણસદ ગામે સવારના આઠના સુમારે પિતા મોતીભાઇ પ્રભુદાસભાઇ પાટીદાર અને માતા દિવાળીબા થકી પ્રાગટ્ય.

1921-38: ખેતી માટે વતન ચાણસદથી રાજનગર ગયા, બાળવયે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા. નવ વર્ષની ઉંમરે ચાણસદ આવીને અભ્યાસ શરૂ કર્યો. ચાણસદમાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બોચાસણ અને પેટલાદમાં એક વર્ષ અંગ્રેજી તથી સંસ્કૃત ભણવાનો પ્રયાસ કર્યા બાદ પાદરામાં છઠ્ઠા ધોરણનું ગાયકવાડી શિક્ષણ પ્રાપ્ત કર્યું.

1939: 7/11/1939ના રોજ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની એક ચિઠ્ઠી પર શાંતિલાલે ગૃહત્યાગ કર્યો. તા.22-11-39 અમદાવાદમાં આમલીવાળી પોળ ખાતે શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે કિશોરવયના શાંતિલાલ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરીને શાંતિ ભક્ત બન્યા અને ત્યાર પછી બે ત્રણ મહિના ભાદરણમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો.

1940: તા 10-1-1940 ગોંડલ ખાતે અક્ષરદેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી અને નારાયણસ્વરૂપદાસ નામ ધારણ કરાવ્યું.

1941-1946: શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ભાદરણ, ખંભાત વગેરે સ્થળોએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. 1945માં શાસ્ત્રીજી મહારાજે યુવાન વયના સ્વામીશ્રીનો સંસ્થાની વહીવટી કમિટીમાં સમાવેશ કર્યો.

New Development Chansad Lake 06 અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

1947-1950: તા.21-5-1950ના રોજ અમદાવાદમાં આમલીવાળી પોળ ખાતે શાસ્ત્રીજી મહારાજે માત્ર 28 વર્ષની ઉંમરના પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસના પ્રમુખપદે વરણી કરી.

1951: તા 10-5-1951 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું અક્ષરધારમ ગમન થયું. તેમની આજ્ઞાનુસાર અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને સ્વામીબાપાએ સેવકભાવે સતત 20 વર્ષ સુધી બીએપીએસ સંસ્થાના ઉત્કર્ષનાં અનેકવિધ યશસ્વી કાર્યો કર્યા.

1959-60: સદા શાંત અને પરદા પાછળ રહીને સેવા કરતા પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)નો વિદેશના હરિભક્તોને પરિચય થાય એ માટે યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને પ્રથમ વિદેશ ધર્મયાત્રા કરાવી, પરંતુ એ સમયે પણ સમગ્ર યાત્રા દરમિયાન સ્વામીબાપા પ્રમુખને બદલે તેઓ માત્ર યોગીજી મહારાજના સેવક બનીને સાથે વિચર્યા.

1968: તા. 27-11-1968ના રોજ મુંબઇમા સર્વપ્રથમ વખતે પ્રમુખસ્વામી મહારાજની 48મી જન્મજયંતિ ઉજવીને યોગીજી મહારાજે ઉત્સાહથી ઉચાર્યું હતું કે પ્રમુખસ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે.

1971: તા 23-1-1971ના રોજ યોગીજી મહારાજ અંતર્ધાન થયા અને તેમના અનુગામી તરીકે સ્વામીબાપા લાખો ભક્તોના ગુરુપદે બિરાજ્યા. તા.3-6-1971ના રોજ પ્રથમ શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થઇ.

1974-77: ગુરુપદે બિરાજ્યા પછી સ્વામીબાપાએ આફ્રિકા, યુરોપ, અમેરિકા ખંડની ત્રણ ધર્મયાત્રા કરી. 1974માં ન્યુયોર્ક ખાતે પ્રથમ બીએપીએસ મંદિર રચ્યું. યુએસમાં પછીના ચાર દાયકામાં પ્રમુખસ્વામી મહારાજે છ શીખરબદ્ધ મંદિરો અને અન્ય 90 મંદિરોની પ્રતિષ્ઠા કરી. સ્વામીબાપાએ 1975-76-77ના વર્ષમાં અનુક્રમે 654,728 અને 663 ગામોમાં વિક્રમસર્જક વિચરણ કર્યું.

1981-82: અમદાવાદ ખાતે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અનન્ય ભક્તિથી સ્વામીબાપે શ્રીહરિનો 30 દિવસીય દ્ધિશતાબ્દી મહોત્સવની ઉજવણી ભવ્યતાથી કરી.

1985: લંડન-યુ.કેમાં ભારતીય સંસ્કૃતિનો દિગ્વિજય કરતો અપૂર્વ કલ્ચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજીને ઇંગ્લેન્ડમાં સાંસ્કૃતિક ધરોહર ઉજાગર કરી. ઉપરાંત અમદાવાદમાં સતત 59 દિવસનો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્ધિશતાબ્દી મહોત્વસ ઊજવ્યો, જેમાં 80,00,000 કરતાં વધુ લોકો આવ્યા અને પવિત્ર સંદેશ મેળવ્યો.

1987-88:ગુજરાતના કારમા દુષ્કાળમાં સ્વામીબાપે વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યો કર્યા, હજારો પશુઓને નવું જીવન આપવા વૈજ્ઞાનિક અભિગમથી કેટલ કેમ્પ કર્યા. 1988માં જ સ્વામીબાપાએ યુરોપ, આફ્રિકા, ઇંગ્લેન્ડ વગેરે દેશોની બારમી વિદેશ ધર્મયાત્રા કરી, ઇંગ્લેન્ડ-અમેરિકા ખાતે નૂતન મંદિરોના પ્રતિષ્ઠા મહોત્સવો યોજ્યા.

1889-90: બાળયુવા પ્રવૃતિના 36 હજાર બાળકો-યુવાનોની આંતરિક શક્તિઓને ખીલવતા અપૂર્વ આંતરરાષ્ટ્રીય બાળ-યુવા મહોત્વ યોજ્યા. કેનેડામાં ટોરન્ટો ખાતે પ્રથમ બીએપીએસ મંદિર પ્રતિષ્ઠ કર્યું. સારંગપુરમાં મંદિરના અમૃત મહોત્સવ સાથે સ્વામીબાપાનો ભવ્ય જન્મોત્વસ પણ ઊજવાયો.

t 1950 appointed as pramukh અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

1991: અમેરિકા ખાતે હજારો હરિભક્તોએ સ્વામીબાપાનો પ્લેટિનમ તુલા ઉત્સવ યોજીને ગુરુભક્તિ દર્શાવી. તો સ્વામીબાપાએ માત્ર સાકરતુલા સ્વીકારીને સાધુતાના દર્શન કરાવ્યા.

1992: લંડનમાં સર્વપ્રથમ ઇન્ડિપેન્ડન્ટ હિન્દુ સ્કુલનો પ્રારંભ કર્યો. ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિર રચીને સ્વામીબાપાએ તેનું આ પ્રસંગે લોકાપર્ણ કર્યું. જ્યારે યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખે બીએપીએસ મંદિરો સ્વામીશ્રીને સુપરત કર્યા.

1995: લંડનમાં વિશ્વની આઠમી અજાયબી સમા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યુ અને ભારતીય સંસ્કૃતિના મહિમાનો ઉદઘોષ કર્યો. મુંબઇમાં સ્વામીબાપાનો ભવ્ય અમૃત મહોત્સવ ઊજવાયો.

1996: સ્વામીબાપા દ્ધારા નિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-લંડનને ગિનિસ બુક દ્ધારા વિશેષ બહુમાન આપવામાં આવ્યું.

1997: સૌરાષ્ટ્રમાં પૂર અસરગ્રસ્ત્રોની સેવા, લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સે પ્રમુખસ્વામી મહારાજને સત્કાર્યા, બ્રિટિશ વડા પ્રધાન જ્હોન મેજરે લંડન મંદિરની મુલાકાત લઇને સ્વામીબાપાના દિવ્ય કાર્યોને બિરદાવ્યા.

1998: પ્રમુખસ્વામી મહારાજે તા.7-71998ના રોજ ન્યૂયોર્ક ખાતે હૃદયની બાયપાસ સર્જરી કરાવી. બાયપાસ સર્જરી પછી પણ સ્વામીબાપાએ બીએપીએસ સંસ્થાની અનેકવિધ સત્સંગ સેવાઓ અને સામાજિક સેવાઓનો પ્રવાહ નિરંતર વહેતો રાખ્યો.

1899: ઇસ્ટ આફ્રિકામાં કેન્યાની રાજધાની નૈરોબી ખાતે આફ્રિકા ખંડનું પ્રથમ શિખરબદ્ધ મંદિર રચીને સ્વામિબાપાએ મૂર્તિપ્રતિષ્ઠા કરી.

2001: ભૂકંપગ્રસ્ત ગુજરાતમાં દત્તક લીધેલા 15 ગામો-વસાહતોનું નવનિર્માણ, 49 શાળાઓનું પુનઃનિર્માણ, 409 ગામોમાં સામગ્રીનું વિતરણ વગેરે સેવાકાર્યો કર્યા.

2004: રાષ્ટ્રપતિ ડો. એપી.જે અબ્દુલ કલામની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે બીએપીએસ બાળપ્રવૃતિ સુર્વણ મહોત્સવની શાનદાર ઉજવણી કરી, અમેરિકન સરકાર દ્ધારા પ્રમુખસ્વામી મહારાજને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયાત કરવામાં આવ્યો.

2005: પાંચ વર્ષમાં દિલ્હી અક્ષરધામનું નિર્માણ કરીને સ્વામીબાપાએ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, વડાપ્રધાન મનમોહનસિંહ, એલ.કે.અડવાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતમાં તેનું લોકાપર્ણ કર્યું.

2007: સ્વામીબાપાએ બીએપીએસ બાળમંડળો દ્ધારા વ્યસનમુક્તિ અભિયાન આદર્યું, જેમાં6,30,000 લોકોને વ્યસ્નમુક્ત કર્યા. ઉપરાંત બીએપીએસના શતાબ્દી મહોત્સવની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરી. વિશ્વનું સૌથી મોટું મંદિર-અક્ષરધામ (દિલ્હી)નું નિર્માણ કરવા માટે અને 731 મંદિરોના વિક્રમી સર્જન માટે પ્રમુખસ્વામી મહારાજને બે ગિનિસ બહુમાન અર્પણ થયાં.

2011: પ્રમુખસ્વામી મહારાજ દ્ધારા નિર્મિત અક્ષરધામ દિલ્હીને રીડર્સ ડાયજેસ્ટ દ્ધારા 21મી સજીની સાત અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું.

2013: અમદાવાદમાં બીએપીએસ યુવાપ્રવૃતિ પષ્ઠિપૂર્તિ મહોત્સની ઉજવણી કરવામાં આવી. જેમાં 60 હજાર જેટલા યુવાનો રચનાત્મક બન્યા. અમદાવાદના 10 મહિનાના નિવાસ દરમિયાન 87 મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી.

2015: શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ સ્વામીબાપાની નિશ્રામાં ઊજવાયો. ડોયઅબ્દુલ કલામે સ્વામીબાપાના આધ્યાત્મિક સ્વાનુભાવો પર પુસ્તક ટ્રેન્સેન્ડન્સ લખીને સ્વામીબાપાને અર્પણ કર્યું. ભારત અને વિશ્વાના અનેક દેશોમાં તેના લોકર્પણ કાર્યક્રમો યોજાયા. સ્વામીબાપાની પ્રેરણાથી અમેરિકા ખાતે 11 હજારથી વધુ સત્સંગ-કાર્યક્રમોનું પ્રથમ અધિવેશન યોજાયું.

2016: તા5-5-2013થી તા.13-8-2016 દરમિયાન કુલ 1196 દિવસ તીર્થધામ સારંગપુર ખાતે બિરાજમાન રહીને સ્વામીબાપાએ લાખો ભક્તોને દિવ્સ લાભ આપ્યો. તા.13-8-2016ના રોજ સૌને જય સ્વામિનારાયણ કહીને સ્વામીબાપાએ અંતિમ શ્વાસ લીધા. ત્યાર પછીના ચાર દિવસ સુધી લાખો હરિભક્તોને દર્શનદાન આપ્યાં. તા.17-8-2016ના રોજ મંદિરમાં બિરાજેલા શ્રી અક્ષરપુરષોતમ મહારાજ અને સ્મૃતિ મંદિરમાં બિરાજમાન શ્રી શાસ્ત્રીજી મહારાજની દ્ધષ્ટિ ઝીલતાં અંત્યેષ્ટિવિધિ ગ્રહણ કરીને પ્રમુખસ્વામી મહારાજ સદાય માટે પોઢયા.

rasifal/નવા વર્ષમાં આ 4 રાશિઓને મળશે અઢળક ધન, આ રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર